અમદાવાદ: ભારતમાં આજે ડિપ્રેશન એક મોટી ગંભીર માનસિક બીમારી બની રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organization)ના ઈન્વેસ્ટમેન્ટ ઈન હેલ્થ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નામના એક રિપોર્ટમાં આશંકા વ્યકત કરી છે કે આગામી સમયમાં વિકાસશીલ દેશોમાં ડિપ્રેશન વિકલાંગતાનું મુખ્ય કારણ બની જશે. સમાજ સામેની આ મોટી સમસ્યા ગણાતા ડિપ્રેશન વિશે જાણવું ખૂબ મહત્વનું બની રહે છે. ડિપ્રેશનનો ભોગ કોઇ પણ ઉંમરની વ્યક્તિ બની શકે છે. જોકે ખાસ તો વિદ્યાર્થી અવસ્થામાં ડિપ્રેશન કઈ રીતે આવે છે તેને જાણવું જોઈએ.
ટૂંક સમયમાં જ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ જવા રહી છે. બોર્ડની પરીક્ષાઓ પૂર્વે બાળકોમાં પરીક્ષા અંગે તણાવ અને ડરનો ભોગ બની શકે છે અને ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં, ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બાળકોના સ્વાસ્થ્ય અને તૈયારીઓ પર ધ્યાન આપવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનાં કારણોને જાણવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગસણ અને ડૉ. ધારા આર. દોશી દ્વારા 1300 વિદ્યાર્થી પાસેથી માહિતી એકઠી કરીને સર્વે કર્યો હતો.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: ડિપ્રેશન (વિષાદ) શું છે?, ડિપ્રેશનની યૌગિક ચિકિત્સા…
માતાપિતાના પ્રેશરને કારણે 61 ટકા ડિપ્રેશનનો અનુભવ થાય
સર્વેમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાઓમાં મહેનત કર્યા બાદ પણ જ્યારે ધાર્યુ પરિણામ ન મળે ત્યારે 33.30 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો અનુભવ કરે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ પર માતા-પિતાનું પ્રેશર હોય ત્યારે 61.20 ટકા ડિપ્રેશનનો ભોગ બનવાની શક્યતા હોય છે. જે સ્થળે એડમિશન લેવાનું નક્કી કર્યું હોય ત્યાં એડમિશન ન મળે ત્યારે 40 ટકા વિદ્યાર્થી ડિપ્રેશન અનુભવે છે. વળી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારું પોસ્ટીંગ કે સારી જોબ નહિ મળે તો? તેવા વિચારથી 50 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવે છે.
પરીક્ષાના ભયને કારણે વધુ પડતી ચિંતા
સર્વેમાં જાણવા મળ્યું કે વારંવાર રહેવાની જગ્યા બદલાતી હોય ત્યારે ન ગમતી વ્યકિત કે જગ્યાએ રહેવાનું થાય ત્યારે 36.20 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશન તરફ વળે છે. વ્યસનની ટેવ હોય અને જરૂરિયાત પૂર્ણ નથી થતી માટે 54.50 ટકા ડિપ્રેશન તરફ વળે છે. અનુકૂળ વાતાવરણનો અભાવ- હોવાથી 18 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવે છે. શિક્ષણમાં પીછેહઠના ભયથી 27 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવે છે. પરીક્ષાના ભયને કારણે વધુ પડતી ચિંતા અને ડિપ્રેશન 34 ટકા વિદ્યાર્થીઓ અનુભવે છે.
સોશીયલ મીડિયામાં ફેમસ થવાની હોડ
માતા-પિતા તેમના બાળકો પાસેથી ઊંચી અપેક્ષાઓ રાખે છે જે 63 ટકા વિદ્યાર્થીઓના ડિપ્રેશનનું એક કારણ છે. 14 ટકા વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનું કારણ ભવિષ્યની ચિંતા રહેલી છે. માતા-પિતાના ઓરમાયા વર્તનને કારણે 30.60 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવે છે. જાતિ અને જ્ઞાતિગત ભેદભાવના કારણે 22 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો અનુભવ કરે છે. સોશીયલ મીડિયામાં ફેમસ થવાની હોડ પણ 27 ટકા વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનું એક કારણ છે. પોતાના શોખ પુરા ન થવાથી 36.54 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવે છે.
વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનાં લક્ષણો
ડિપ્રેશન માણસની રોજિંદગી જિંદગીમાં અવરોધ ઊભો કરે છે. તેના લક્ષણોમાં કારણ વગર બહુ થાક લાગે, સુસ્તી લાગે, ઉઘમાં ખલેલ, વાત વાતમાં મૂડ ખરાબ થવો, એકાગ્રતાની ખામી, મિત્રોથી દુર ભાગવું, નાની બાબતોમાં દુઃખી થઈ જવું, કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આનંદ ન આવવો, આત્મહત્યાના વિચારો આવવા કે તેના માટેના પ્રયત્નો કરવા, ચિડિયાપણું વગેરે છે.
આત્મહત્યાની ઘટનાઓમાં પણ વધારો
ડિપ્રેશન આજ કાલ એટલી સામાન્ય બિમારી બની ચુકી છે કે આજકાલ તેને કોમન કોલ્ડ મેન્ટલ ઈલનેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ વધતું રહયું છે. ખુબ જ મોટી પ્રતિસ્પર્ધા, વિદ્યાર્થીઓમાં સંવાદસીનતાની સ્થિતિ, ભણવાની સાથે બીજા ક્ષેત્રોમાં પણ ટોપ કરવાની ઈચ્છા અને નોકરીમાં ભારી ભરખમ પેકેજ પાછળની દોડમાં વધારે પડતી ઝડપ જોવા મળે છે. તેનુ કારણ દેશમાં પ્રતિષ્ઠિત ભારતીય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનાં અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. આ કારણે આત્મહત્યાની ઘટનાઓ વધવા લાગી છે.
શું માત્ર પરીક્ષા જ ડિપ્રેશનનું કારણ?
ભારતનાં વિદ્યાર્થીઓમાં તણાવ અને ડિપ્રેશનનાં દરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તણાવનું મુખ્ય કારણ શું છે? જો આપણે જોઈએ તો તણાવ અનુભવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જોવા મળે છે. તરત જ એવું માની લેવામાં આવે છે કે પરીક્ષાના દબાણના કારણે આ બધી પરિસ્થિતિ આવી રહી છે, પરંતુ શું આ એક જ પરીક્ષાનો દબાવ છે. જે આજના વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન ઊભું કરે છે.
બીજા અન્ય કારણો પણ છે જવાબદાર
આપણે અનેક કાર્યોનો બોજ અને જવાબદારી બાળકો, યુવાનો પર લાદી દેતા હોઈએ છીએ અને તેમાંથી તે અનેક જવાબદારીઓનો સામનો કરી શકતા નથી. આજના યુગમાં બાળકોનો સમગ્ર વિકાસ પહેલા કરતા ખૂબ જ જુદો જ છે. એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે અલગ-અલગ બાળકોની પાસે તેની પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપવાના વિભિન્ન ઉપાયો હોય છે. કેટલીકવાર પોતાની પ્રગતિનાં કારણે અનેકવાર ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને બીજાને તેનો બોજ લાગતો હોય છે.
ઈન્ટરનેટનું વળગણ પણ ડિપ્રેશન કરાવે છે
આજે વિદ્યાર્થીઓએ માત્ર ભણવાનું એ જ પૂરતું નથી. ભણવાની સાથે-સાથે થતી ઈત્તર પ્રવૃત્તિઓ, મોબાઈલ, ઈન્ટરનેટનું વ્યસન આ બધી બાબતો પણ તેમને કયાંકને ક્યાંક અસર કરે છે. મોબાઈલ દ્વારા સોશિયલ મિડિયામાં એક્ટિવ યુવક કે યુવતી પોતાના નજીકના મિત્રોને ગુમાવી બેસે છે અને પોતાના કાર્યને પૂરા કરવામાં પોતાની જાત માટે પણ સમય નથી કાઢી શકતા. જેને કારણે તેઓ ડિપ્રેશન તરફ આગળ વધે છે.
ડિપ્રેશનના દર્દીએ આહારમાં ધ્યાન રાખવું
ડિપ્રેશનના દર્દીએ પુષ્કળ પાણી પીવું જોઈએ અને એવા ફળો અને શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. વ્યક્તિએ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ જેમાં શરીર માટે તમામ વિટામિન્સ અને મિનરલ્સ હોય. લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળોનું વધુ સેવન કરો. બીટરૂટનું સેવન કરો, તેમાં વિટામિન, ફોલેટ, યુરાડિન અને મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્ત્વો યોગ્ય માત્રામાં હોય છે. આ આપણા મગજમાં ન્યુરોટ્રાન્સમીટરની જેમ કામ કરે છે જે ડિપ્રેશનના દર્દીના મૂડને બદલવાનું કામ કરે છે.
જંકફૂડથી રહેવું જોઇએ દૂર
ભોજનમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઇએ. તેમાં યોગ્ય માત્રામાં એન્ટી-ઓકિડન્ટસ અને મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, તે હૃદય રોગ અને ડિપ્રેશનને દુર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ડિપ્રેશનના દર્દીઓમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક અને વધુ પડતું ખાવાનું વલણ હોય છે. તેથી ડિપ્રેશનના દર્દીએ શક્ય હોય ત્યાં સુધી જંકફૂડ અને વાસી ખોરાકથી દૂર રહેવું જોઈએ. તેના બદલે ઘરમાં બનેલો પૌષ્ટિક અને સાત્વિક ખોરાક લેવો જોઈએ.
ખોરાકમાં અને સલાડમાં ટામેટાનું સેવન કરવું જોઇએ. ટામેટામાં લાઈકોપીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. ધૂમ્રપાન, મદ્યપાન અથવા કોઈપણ પ્રકારનો નશો સંપૂર્ણપણે છોડી દેવો જોઈએ. ચા, કોફી જેવા કેફીનયુકત પદાર્થોનું વધુ પડતું સેવન ન કરવું.
નિયમિત જીવનશૈલી પણ વધુ ભાગ ભજવે છે
વ્યક્તિએ સવારે ઉઠીને ચાલવા જવું જોઈએ, ત્યાર બાદ યોગાસન અને પ્રાણાયામ કરવા જોઈએ. ડિપ્રેશનના દર્દીએ ધ્યાન કરવું જોઈએ. ઘણીવાર હતાશ વ્યક્તિ પોતાને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ જણાય છે, પરંતુ શરૂઆતમાં વ્યક્તિએ ટૂંકા સમય માટે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
ડિપ્રેશનના દર્દીએ કુદરતી અને શાંતિપૂર્ણ સ્થળોએ જવું જોઈએ, તેમજ મધુર સંગીત અને સકારાત્મક વિચારો ધરાવતા પુસ્તકો વાંચવા જોઈએ. વ્યક્તિએ પોતાની જાતને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા રાખવી જોઈએ અને એકલા રહેવાની આદતથી દૂર રહેવું જોઈએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને