લાહોરઃ પાકિસ્તાનમાં આગામી 19મી ફેબ્રુઆરીએ વન-ડેની (આઠ દેશ વચ્ચેની) ચૅમ્પિયન્સ ટ્રોફી રમાય એ પહેલાં આવતી કાલે (શનિવાર, આઠમી ફેબ્રુઆરીએ) પાકિસ્તાનમાં ત્રણ દેશ વચ્ચેની વન-ડે ટ્રાયેન્ગ્યૂલર ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એની મૅચો જેમાં રમાવાની છે એ સ્ટેડિયમો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પૂરા તૈયાર થઈ ગયા છે કે એ નક્કી થઈ જશે. ખરેખર તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ક્રિકેટ જગતને કદાચ બતાવવા માગે છે કે આ સ્ટેડિયમો હજી પૂરા તૈયાર નથી થયા એ બધી માત્ર અફવા છે. પીસીબીના ચૅરમૅન મોહસિન નકવીએ આજે કહ્યું હતું કે `સેંકડો કામદારોએ અમારા ત્રણેય સ્ટેડિયમ સમયની અંદર તૈયાર કરી આપ્યા છે. અમે આને ચમત્કાર ગણીએ છીએ.’
આવતી કાલે ટ્રાયેન્ગ્યૂલરની પ્રથમ મૅચ (બપોરે 2.30 વાગ્યાથી) પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. વિકેટકીપર મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનનો અને સ્પિન-ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર ન્યૂ ઝીલૅન્ડનો કૅપ્ટન છે.
પાકિસ્તાનમાં 29 વર્ષ બાદ પહેલી વાર આઇસીસી ટૂર્નામેન્ટ યોજાવાની છે. છેલ્લે 1996નો વન-ડે વર્લ્ડ કપ પાકિસ્તાને ભારત સાથે સંયુક્ત રીતે યોજ્યો હતો.
આ પણ વાંચો: યશસ્વીને વન-ડેમાં ડેબ્યૂની તકઃ જાણી લો, ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમમાં બીજું કોણ-કોણ છે…
થોડા અઠવાડિયા પહેલાં એવી તીવ્ર ચર્ચા હતી કે પાકિસ્તાનમાં સ્ટેડિયમો સરખી રીતે તૈયાર નથી થઈ રહ્યા. એવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી કે ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ પાકિસ્તાનના હાથમાં છીનવીને બીજા કોઈ દેશને અપાશે. જોકે લાહોર, કરાચી અને રાવલપિંડી ખાતેના સ્ટેડિયમોમાં કામકાજ પૂરજોશમાં ચાલુ હોવાનો પીસીબીનો દાવો છે.
કહેવાય છે કે લાહોરનું ગદાફી સ્ટેડિયમ (જેની નજીક 2009માં શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હતો) ચાર મહિનાથી પણ ઓછા સમયમાં અપગે્રડ કરી નાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 35,000 પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે.
કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચો રમાવાની છે અને એ પહેલાં ત્યાં બુધવારે પાકિસ્તાન-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રિકોણીય સ્પર્ધાની છેલ્લી લીગ મૅચ અને શુક્રવારે ફાઇનલ રમાવાની છે અને પીસીબીએ એ સ્ટેડિયમ તથા મેદાનને પણ તૈયાર કરી દીધું હોવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાતમાં આટલો બધો વિલંબ શા માટે? નવજોત સિદ્ધુનો બીસીસીઆઇને અણિયાળો સવાલ…
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની તમામ મૅચો દુબઈમાં રમાવાની છે. ખાસ કરીને રવિવાર, 23મી ફેબ્રુઆરીએ (બપોરે 2.30 વાગ્યાથી) દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ-વૉલ્ટેજ મુકાબલો થશે.
ફક્ત ચાર મૅચવાળી ટ્રાયેન્ગ્યૂલર!
પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આવતી કાલે (શનિવારે) શરૂ થનારી ટ્રાયેન્ગ્યૂલર ટૂર્નામેન્ટ બહુ ટૂંકી છે. એમાં કુલ મળીને માત્ર ચાર મૅચ રમાશે. સાઉથ આફ્રિકાના મુખ્ય સાત ખેલાડીઓ ટ્રાન્ગ્યુલર પૂરી થયા બાદ (ચૅમ્પિયન્સ ટ્રોફી માટે) પાકિસ્તાનમાં આવશે. મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનનો, ટેમ્બા બવુમા સાઉથ આફ્રિકાનો અને મિચલ સૅન્ટનર ન્યૂ ઝીલૅન્ડનો કૅપ્ટન છે. ટ્રાયેન્ગ્યૂલરનું શેડ્યૂલ આ મુજબ છેઃ (1) શનિવાર, 8 ફેબ્રુઆરીઃ પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂ ઝીલૅન્ડ, લાહોર, બપારે 2.30 વાગ્યાથી (2) સોમવાર, 10 ફેબ્રુઆરી, ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા, લાહોર, ડે મૅચ, સવારે 10.00 વાગ્યાથી (3) બુધવાર, 12 ફેબ્રુઆરીઃ પાકિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રિકા, કરાચી, બપોરે 2.30 વાગ્યાથી (4) શુક્રવાર, 14 ફેબ્રુઆરી: ફાઇનલ, કરાચી, બપોરે 2.30 વાગ્યાથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને