-ધિરજ બસાક
આપણો દેશ વિવિધ સંસ્કૃતિ અને પરંપરાથી ભરેલો છે. વિવિધ રાજ્યોમાં થતાં મહોત્સવમાં આપણને તે રાજ્યના રીત-રિવાજ જોવા મળે છે. આવો જ એક ઉત્સવ અરુણાચલ પ્રદેશમાં શરૂ થયો છે. ઉત્તર-પૂર્વ અતિશય આકર્ષક અને માયાવી દેખાય છે. અરુણાચલ પ્રદેશમાં નોક્ટે જન-જાતિ દ્વારા મનાવવામાં આવતો આ ઉત્સવ છે.
એમાં તમામ જાતિ, સમુદાયના લોકો સાથે આવીને આ ઉત્સવને માણે છે. લોકુ પર્વ એકતા અને ભાઈબંધીનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉત્સવના માધ્યમથી ખેડૂતો સારા પાક માટે ભગવાનનો આભાર માને છે અને આગામી વર્ષ સમૃદ્ધિથી ભરેલું રહે એવી પ્રાર્થના કરે છે. સાથે જ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પણ ઉદે્શ હોય છે.
વર્તમાન સમયમાં અરુણાચલ પ્રદેશનો ‘લોકુ મહોત્સવ’ સ્થાનિક લોકોની સાથે જ પર્યટકોને પણ આકર્ષિત કરે છે. આ જ કારણ છે કે અહીં આવતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ૨૧ નવેમ્બરે શરૂ થયેલો આ ઉત્સવ ૨૫ નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે. તિરપ જિલ્લાના મુખ્યાલય ખોંસાના નેહરુ સ્ટેડિયમમાં એની ઉજવણી ચાલી રહી છે. ડિબ્રુગઢ રેલવે સ્ટેશન અને ડિબ્રુગઢ ઍરપોર્ટ સાથે ખોંસા જોડાયેલો છે.
ખોંસામાં અન્ય પર્યટન સ્થળની જેમ વધુ સુવિધાઓ નથી. અહીં હૉટલ્સ અને સરકારી સર્કિટ હાઉસ ખૂબ ઓછાં છે. એથી સ્થાનિક લોકોની મહેમાનગતિ માણવાની તૈયારી સાથે અહીં આવવું જોઈએ. તેમના સ્વાદિષ્ટ પકવાનનો સ્વાદ માણવાની તક મળશે. તેમની સાથે જો સારું વર્તન કરવામાં આવે તો તેઓ પ્રાણ ન્યોછાવર કરી દે છે, પરંતુ ખોટું થાય તો તેઓ ભયાનક સ્વરૂપ ધારણ કરવામાં પાછીપાની નથી કરતાં.
ખોંસામાં આયોજિત ‘લોકુ મહોત્સવ’માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તો સુમધુર સંગીત વાતાવરણને મનમોહક બનાવી દે છે. આ જ કારણ છે જે લોકો મૂળ અરૂણાચલ પ્રદેશના નથી તેમને અહીં વિવિધ પ્રવૃત્તિઓ આકર્ષિત કરે છે.
આ ફેસ્ટિવલ અનેક રીતે અજોડ છે. આજે પણ આ ઉત્સવ પવિત્ર અને દેશી છે. અહીં ખાણીપીણીની વસ્તુઓ ઉમદા, શુદ્ધ અને ગજબની સોડમથી ભરપૂર હોય છે. અહીં લોકો સાથે લૂંટફાટ જેવી ઘટનાઓ નથી થતી. પાંચ દિવસના આ મહોત્સવમાં શરૂઆતના બે દિવસ સ્થાનિક પૂજા અને પરંપરાના દર્શન કરવા મળે છે.
ત્રીજા દિવસથી પારંપરિક નૃત્ય અને સંગીતથી મહેફિલ સજી ઊઠે છે. ખરેખર તો આ ઉત્સવ કૃષિજનો અને સમુદાયની એકતાનું પ્રતીક છે, જેનો આનંદ તો લેવો જ જોઈએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને