ફોકસ: બીજાં પાંચ ‘હરિયાણા’ મળે તો ભારત ઑલિમ્પિકમાં પાવર હાઉસ બની જાય

2 hours ago 2

-સાશા શર્મા

હરિયાણાના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ ઉજાળી રહ્યાં છે. વિવિધ રમતોમાં મેડલ્સ જીતીને દેશનું નામ ઊંચું કરી રહ્યા છે. ભારતની કુલ લોકસંખ્યામાં હરિયાણાની ભાગીદારી બે ટકા જેટલી છે. તાજેતરમાં ઑલિમ્પિકમાં ભારતે જેટલા મેડલ્સ જીત્યા છે એમાંથી ૩૦ ટકા મેડલ્સ માત્ર હરિયાણાના ખેલાડીઓએ જીત્યા છે. પૅરિસના ઑલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા ખેલાડિઓમાંથી ૨૧ ટકા માત્ર હરિયાણાનાં હતાં. ત્યારબાદ પૅરાલિમ્પિકમાં ગયેલા કુલ ૮૪ ખેલાડીઓમાંથી બાવીસ હરિયાણા વતી ગયા હતાં. એથી અંદાજો લગાવી શકાય કે હરિયાણા ખેલ જગતમાં મહાશક્તિ બનીને ઊભરી રહ્યું છે. ભારતના ઈતિહાસમાં પહેલી વખત દેશે કુલ ૨૯ મેડલ્સ ઑલિમ્પિકમાં જીત્યા છે. એમાં ૭ ગોલ્ડ, બે સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ છે. આવી રીતે ૨૦૨૪ પૅરિસના ઑલિમ્પિકમાં મેડલ જીતવામાં ભારત ૧૮મા ક્રમાંકે આવ્યો છે.

હરિયાણાના સુમીત અંતિલે ૭૫ મીટર જૈવલિન થ્રોમાં બીજી વખત પૅરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ટૉક્યો બાદ પૅરિસમાં પણ તેમણે ઈતિહાસ રચી દીધો છે. તો ચરખી દાદરીના ગામ નાંધામાં રહેતા નિતેશ કુમારે પણ પૅરાલિમ્પિકમાં પુરુષ એકલ એલએલ ૩ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જોકે બહાદુરગઢના યોગેશ કથુનિયાએ પુરુષ ડિસ્ક્સ થ્રો એફ ૫૬ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીતીને દેશનું સન્માન વધાર્યું છે. ફરિદાબાદના મનીષ નરવાલે ૧૦ મીટર ઍર પિસ્ટલ શૂટિંગના એસએચ વર્ગમાં સિલ્વર જીત્યો છે. મહેન્દ્રગઢના કાલબા ગામના નિવાસી મોના અગ્રવાલે ૧૦ મીટર ઍર પિસ્ટલ સિંગલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે ૨૦૨૦ ટૉક્યો પેરાલિમ્પિકમાં પણ હરિયાણાના પાંચ ખેલાડીઓએ ૬ મેડલ્સ જીત્યા હતા. જોકે તાજેતરમાં સંપન્ન થયેલા પૅરિસ ઑલિમ્પિકમાં ભારતે જીતેલા કુલ ૬ પદકોમાંથી એકલા હરિયાણાના ખેલાડીઓએ પાંચ મેડલ્સ જીત્યા હતા. એમાં એક સિલ્વર, બે બ્રોન્ઝ અને ત્રણ વ્યક્તિગત મેડલ હતા. ખેલની દ્રષ્ટિએ હરિયાણા એક મહાશકિત બનીને ઊભર્યુ છે.

હરિયાણામાં ખરા અર્થમાં ખેલ સંસ્કૃતિ છે. એનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે કુસ્તી હોય કે બૉક્સિગં હોય કે પછી ઍથ્લીટ હોય બૅડમિન્ટન હોય કે પછી ક્રિકેટ કેમ ન હોય, હરિયાણાના ખેલાડીઓ દરેક ખેલમાં આગળ હોય છે. ન માત્ર પારંપરિક પરંતુ પેરાગેમ્સમાં પણ તેમણે દેશનું નામ રોશન કર્યુ છે. હરિયાણા દેશનું એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ખેલાડીઓની પ્રાથમિક ટ્રેઇનિંગ પર ભાર મૂકવામાં આવે છે. સાધારણ રૂપે ખેલાડીઓના પોષણથી ભરપૂર ફૂડ ડાએટમાં વધુમાં વધુ માસ અને ઈંડાનો સમાવેશ કરવામાં આવે છે. જોકે હરિયાણાના ૯૮ ટકા ખેલાડીઓ શાકાહારી છે. તેઓ દાળ, શાકભાજી, ઘી અને દૂધ પીને જરૂરી પ્રોટીન મેળવી લે છે. આમછતાં મેડલ્સ મેળવવામાં તેઓ મોખરે છે.

એથી જે લોકો હરિયાણાને ખેલમાં મહાશક્તિ નથી માનતા તેમની એ ધારણાં હરિયાણાના પ્રદર્શનને જોઈને ભાંગી જાય છે. પ્રસિદ્ધ સ્પૉર્ટસ રાઇટર વિનીત કરણે બે વર્ષ પહેલા આવેલી તેમની બુક ‘બિઝનેસ ઑફ સ્પૉર્ટસ-ધ-વિનિંગ ઑફ સક્સેસ ફોર્મુલા’માં લખ્યું હતું કે જો હરિયાણાની જેમ ભારતનાં માત્ર પાંચ રાજ્યોમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે તો ભારત જલ્દી જ ખેલ જગતમાં મહાશક્તિ બની જશે. અમેરિકા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા અને જાપાનને ખેલમાં મહાશક્તિ ગણવામાં આવે છે. દરેક ક્ષેત્રે ભારત ચમક્યુ છે, આમ છતાં રમત ક્ષેત્રે તે થોડું પાછળ રહી ગયું છે.

હરિયાણા એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં બાળકોને બાળપણથી ખેલ પ્રત્યે રુચિ નિર્માણ કરવામાં આવે છે. તેમને સવારે ચારથી પાંચ વાગે જબરદસ્ત ટ્રેઇનિંગ આપવામાં આવે છે. અહીંનાં ગામડાઓમાં સવારમાં રસ્તાઓ પર અને ખેતરમાં ખેલાડીઓ દોડતા, કુસ્તી કરતાં, મુક્કેબાજી કરતાં અને નિશાનેબાજીની પ્રેક્ટિસ કરતાં જોવા મળે છે. દર શનિવારે અને રવિવારે અહીંના યુવકો સમય વેડફ્યા વગર સ્પૉર્ટસમાં ઊંડા ઊતરી જાય છે. જોકે એના પાડોશી રાજ્ય પંજાબની વાત કરીએ તો ત્યાંના પચાસ ટકા યુવાનો નશાને રવાડે ચડી ગયા છે. જોકે હરિયાણા આ બાબતે નસીબદાર છે, કે જ્યાંનુ યુવાધન આવાં દૂષણમાં નથી સપડાયું.

ખરેખર તો હરિયાણામાં ઘણાં સમય પહેલાથી ખેલદિલી જોવા મળી રહી હતી. કોઈપણ પ્રકારની સુવિધા વગર હરિયાણાના યુવકો ખેતરની માટીમાં પોતાની કુસ્તીની રીંગ બનાવીને પ્રેક્ટિસ કરતા હતા. ભાલા ફેંકવામાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા હોય, રવી દહિયા અને બજરંગ પુનિયા હોય, ઑલિમ્પિકમાં બે વખત કુસ્તીમાં મેડલ જીતનાર યોગેશ્ર્વર દત્ત અને સાક્ષી મલિક હોય, પછી બૉક્સિગંમાં જીતનાર વિજેન્દર સિંહ હોય કે પછી બૅડમિન્ટન ખેલાડી સાનિયા નેહવાલ હોય. આ સૌ દેશ-વિદેશમાં પોતાની મહેનત અને લગનથી પ્રખ્યાત થયાં છે. સુશીલ કુમાર એક માત્ર એવા ખેલાડી છે જેમણે અતિશય પ્રસિદ્ધિ મેળવ્યા બાદ અપરાધની દુનિયામાં ફસાયો હતો. એવા અનેક ખેલ છે જેમાં હરિયાણાને મેડલ્સ નથી મળ્યા. જોકે ભવિષ્યમાં હરિયાણા વિવિધ ખેલોમાં ચમકશે એમાં કોઈ બે મત નથી

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article