Pro-India cricket fans volition  say….come rain…

બેન્ગલૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાન પર ભારતીય ટીમે આજે ન્યૂ ઝીલૅન્ડ સામે બીજા દાવમાં સારી એવી વળતી લડતથી 462 રન બનાવ્યા હતા. જોકે કિવીઓને જીતવા માત્ર 107 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારે વરસાદને કારણે આજની રમત વહેલી સમેટાઈ ગઈ હતી. મૅચમાં હજી રવિવારનો એક દિવસ બાકી હોવાથી પ્રવાસી ટીમ પાસે સમય પુષ્કળ હોવાથી તેમના વિજયની વધુ સંભાવના છે. જોકે રવિવારે પણ વરસાદ પડવાની સંભાવના છે. કોઈ ચમત્કાર જ ભારતને જિતાડી શકે અથવા મૅચને ડ્રૉમાં લઈ જઈ શકે.

અહીં ન્યૂ ઝીલૅન્ડને જીતવા 107 રનનો ટાર્ગેટ મળ્યો ત્યાર બાદ કિવીઓની બીજી ઇનિંગ્સ શરૂ થઈ હતી, પરંતુ પહેલી જ ઓવરમાં બૅડ લાઇટને લીધે રમત અટકાવવામાં આવી હતી અને પછી વરસાદ શરૂ થઈ જતાં રમત સમેટી લેવાઈ હતી.
ભારતમાં ન્યૂ ઝીલૅન્ડ 37માંથી ફક્ત બે ટેસ્ટ જીતી શક્યું છે અને એમાંની છેલ્લી જીત એણે 1988ની સાલમાં મેળવી હતી. એ જોતાં, 36 વર્ષથી કિવીઓ ભારતમાં ટેસ્ટ નથી જીતી શક્યા.

આજે ચોથા દિવસની રમત અટકી ત્યારે જસપ્રીત બુમરાહના ચાર બૉલમાં કૅપ્ટન-ઓપનર ટૉમ લૅથમ અને ડેવૉન કૉન્વે એકેય રન નહોતા બનાવી શક્યા.
એ પહેલાં, ભારતનો બીજો દાવ 462 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર સરફરાઝ ખાન પોતાના 150 રને વિકેટ ગુમાવી બેઠો ત્યાર પછી રિષભ પંતે 99 રને વિકેટ ગુમાવી હતી અને તે સાતમી ટેસ્ટ સદી ફક્ત એક રન માટે ચૂકી ગયો હતો.

છેલ્લા છ પ્લેયરમાં એકેય બૅટર 15થી વધુ રન નહોતો બનાવી શક્યો. આ છ બૅટરમાં કેએલ રાહુલ (12 રન), રવીન્દ્ર જાડેજા (પાંચ રન), રવિચન્દ્રન અશ્ર્વિન (15 રન), કુલદીપ યાદવ (છ અણનમ), જસપ્રીત બુમરાહ (0) અને મોહમ્મદ સિરાજ (0)નો સમાવેશ હતો.

ભારતે 54 રનમાં છેલ્લી સાત વિકેટ ગુમાવી દીધી હતી. પેસ બોલર મૅટ હેન્રી અને વિલિયમ ઑ’રુર્કેએ ત્રણ-ત્રણ વિકેટ, સ્પિનર ઍજાઝ પટેલે બે વિકેટ તેમ જ પેસ બોલર ટિમ સાઉધી અને સ્પિનર ગ્લેન ફિલિપ્સે એક-એક વિકેટ લીધી હતી.
પ્રથમ દાવમાં ભારતના 46 રનના જવાબમાં ન્યૂ ઝીલૅન્ડે 402 રન બનાવીને 356 રનની લીડ લીધી હતી. ભારતીય ટીમ 356 રનની સરસાઈ ઉતાર્યા બાદ બીજા માત્ર 106 રન બનાવી શકી હતી.