ઍડિલેઇડઃ પર્થમાં 295 રનના તોતિંગ માર્જિનથી હારેલા ઑસ્ટ્રેલિયાએ છઠ્ઠી ડિસેમ્બરે ઍડિલેઇડમાં શરૂ થનારી સિરીઝની બીજી ટેસ્ટ માટે મજબૂર થઈને રણનીતિ બદલવી પડી છે. શ્રેણીની બીજી ટેસ્ટ ડે/નાઇટ છે અને એ મૅચ પિન્ક બૉલથી રમાશે.
પર્થમાં 2018ની સાલમાં બનેલા નવા ઑપ્ટસ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા અગાઉ ક્યારેય ટેસ્ટ-મૅચ નહોતું હાર્યું, પણ ભારતીય ટીમે એને પરાજિત કરીને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે.
પૅટ કમિન્સની ટીમ નવા અને કાર્યવાહક સુકાની જસપ્રીત બુમરાહની કૅપ્ટન્સીમાં રમેલી ટીમ સામે આટલી ખરાબ રીતે હારશે એની કોઈએ પણ કલ્પના નહીં કરી હોય. એમાં પણ ખાસ કરીને ભારતીય ટીમ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી હારીને આવી હતી અને ટીમમાં રોહિત શર્મા, શુભમન ગિલ, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી જેવા ખ્યાતનામ ખેલાડીઓ નહોતા એમ છતાં ભારતે પ્રથમ દાવના 150 રન બાદ છેવટે મૅચ 295 રનથી જીતી લીધી.
હવે એક તરફ રોહિત શર્મા ઑસ્ટ્રેલિયામાં પહોંચી ગયો છે અને બીજી ટેસ્ટથી રમશે ત્યારે બીજી બાજુ ઑસ્ટ્રેલિયન ટીમે શા માટે રણનીતિ બદલવી પડી એના કારણો પર એક નજર કરીએ… એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટને ઑસ્ટ્રેલિયાના હેડ-કોચ ઍન્ડ્રયૂ મૅક્ડોનાલ્ડે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે પર્થમાં રમ્યા હતા એ જ ખેલાડીઓ ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં રમશે. ટીમમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.’ જોકે ભારત સામેની પર્થ ટેસ્ટની હાર બાદ ઑલરાઉન્ડર મિચલ માર્શની ફિટનેસને લઈને થોડી સમસ્યાઓ બહાર આવી છે.
એ જોતાં પ્લેઇંગ-ઇલેવનમાં ફેરફાર થઈ શકે. ઑસ્ટ્રેલિયાએ પર્થની પહેલી ટેસ્ટ માટે જે સ્ક્વૉડ સિલેક્ટ કરી હતી એમાં 13 ખેલાડી સામેલ હતા. હવે મૅક્ડોનાલ્ડ કહે છે કેપહેલી ટેસ્ટમાં રમ્યા હતા એ જ અગિયાર ખેલાડી બીજી ટેસ્ટમાં રમશે એ નક્કી નથી. જેમ-જેમ દિવસ જશે એમ સ્થિતિ સ્પષ્ટ થતી જશે. હા, જે 13 ખેલાડીની સ્ક્વોડ પ્રથમ ટેસ્ટ માટે જાહેર કરાઈ હતી એ જ બીજી ટેસ્ટ માટે રહેશે.’
Also read: બુમરાહે ઐતિહાસિક વિજય મેળવ્યા પછી કહ્યું, `મારો દીકરો મોટો થશે ત્યારે….’
બીજી તરફ, માર્નસ લાબુશેન અને ઉસમાન ખ્વાજા પણ સારું નથી રમી શક્યા. ભારતીય પેસ આક્રમણ સામે ઑસ્ટ્રેલિયન ટૉપ-ઑર્ડર સાવ ઝૂકી ગયો હતો. પ્રથમ દાવમાં 31 રનમાં અને બીજા દાવમાં 30 રનમાં પહેલા ચારેય બૅટર આઉટ થઈ ગયા હતા અને ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું હતું. બની શકે કે ઑસ્ટ્રેલિયાના સિલેક્ટર્સ તથા ટીમ-મૅનેજમેન્ટ જૉશ ઇંગ્લિસને ઍડિલેઇડમાં રમવાનો મોકો આપશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને