નવી દિલ્હીઃ આગામી ફેબ્રુઆરીમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી નિર્ધારિત સમયપત્રક મુજબ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં એ હજી નક્કી નથી એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હોંશીલું થઈને શનિવાર, 16મી નવેમ્બરથી આ ટૂર્નામેન્ટની ટ્રોફીની ટૂર દેશભરમાં રાખવા તૈયારી કરીને બેઠું છે અને એમાં એણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પી.ઓ.કે.)ના અમુક ખાસ વિસ્તારોમાં પણ ટ્રોફી લઈ જવાનો મનસૂબો ઘડ્યો હતો, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે પીસીબીની નૌકાના સઢમાંથી બધી હવા કાઢી નાખી છે.
આ પણ વાંચો : પાકિસ્તાનના મનસૂબા પર ICC એ ફેરવ્યું પાણીઃ ચેમ્પિયન્સ ટ્રોફી PoK નહીં જ જાય!
જેવું પાકિસ્તાને સોશિયલ મીડિયામાં જાહેર કર્યું કે ટ્રોફીને પી.ઓ.કે.ના ત્રણ સ્થળ (સ્કાર્ડુ, મુરી, હુન્ઝા) ખાતે પણ લઈ જવામાં આવશે એટલે બીસીસીઆઇએ આ સ્પર્ધાના મુખ્ય આયોજક આઇસીસી સમક્ષ વિરોધ નોંધાવ્યો અને આઇસીસીએ પાકિસ્તાનને કહી દીધું છે કે તમે ટ્રોફીને પી.ઓ.કે.ના વિસ્તારોમાં નહીં લઈ જઈ શકો.
ચૅમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં યોજાઈ હતી જે પાકિસ્તાને જીતી હતી.
પી.ઓ.કે. વિવાદાસ્પદ વિસ્તાર છે. મૂળ આ સમગ્ર વિસ્તાર પર ભારતનો અધિકાર છે અને ત્યાંની (પી.ઓ.કે.ની) પ્રજા પણ પાકિસ્તાન લશ્કર અને પાકિસ્તાન સરકારથી ત્રસ્ત છે.
આ પણ વાંચો : ઉત્કૃષ્ટતા કેવી હોય એ પંકજ અડવાણીએ આપણને વારંવાર દેખાડ્યું છેઃ પીએમ મોદી…
બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે `બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આઇસીસીના સર્વોચ્ચ અધિકારીને ફોન કરીને કહી દીધું છે કે પાકિસ્તાન બોર્ડે ટ્રોફીની ટૂરમાં પી.ઓ.કે.ને પણ સામેલ કર્યું એ સામે અમારો સખત વિરોધ છે. પીસીબી સામે આ સંબંધમાં સખત પગલું ભરો.’