Jewelery worthy  Rs 35 lakh seized Image Source: IndiaTimes

પુણે: પુણેમાં ભીખ માગવાને બહાને ઘરમાં ઘૂસી હાથફેરો કરનારી 20 વર્ષની યુવતીને ચંદનનગર પોલીસે પકડી પાડી હતી, જ્યારે ગુનામાં સામેલ તેના સગીર સાથીને પણ તાબામાં લેવાયો હતો. તેમની પાસેથી 35 લાખ રૂપિયાના દાગીના, 26 હજારની રોકડ તથા વાહન જપ્ત કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ચંદનનગર પોલીસે ધરપકડ કરેલી યુવતીની ઓળખ મિલી દીપક પવાર (20) તરીકે થઇ હોઇ તે નાશિકના આડગાવ નાકા ખાતે રહે છે. મિલી અને તેનો સગીર સાથીદાર ચંદનનગર વિસ્તારમાં ભીખ માગવાને બહાને ઘરની રેકી કરી રહ્યાં હતાં ત્યારે એક ઘર પર તેમની નજર પડી હતી, જેનો દરવાજો ખુલ્લો હતો. તકનો લાભ લઇને બંને જણ અંદર ઘૂસી ગયાં હતાં અને દાગીના ચોરી તેઓ પલાયન થઇ ગયા હતા.

આ પણ વાંચો : પુણેની મેડિકલ કોલેજમાં એડમિશનને બહાને 81 લાખની ઠગાઇ: મુખ્ય આરોપીની ધરપકડ…

ચંદનનગર પોલીસે આ પ્રકરણે ગુનો નોંધીને તપાસ આદરી હતી. દરમિયાન ગુનામાં સંડોવાયેલી યુવતી અને તેનો સાથી દેવાચી આળંદી વિસ્તારમાં હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે ત્યાં છટકું ગોઠવ્યું હતું અને બંનેને પકડી પાડ્યાં હતાં. પૂછપરછમાં બંનેએ ખડક અને ચંદનનગર વિસ્તારમાં ચોરી કર્યાનું કબૂલ્યું હતું. કેટલાક દિવસ અગાઉ તેમણે ભવાની પેઠે ખાતે ટિંબર માર્કેટ પરિસરમાં ઘરમાં ચોરી કરી હતી.