Bhikhudan Gadhvi Announces Retirement from Lokdayra – No More Performances

જુનાગઢ: સૌરાષ્ટ્રના લોકડાયરાની પરંપરાને દેશ વિદેશ સુધી પહોંચાડનારા કલાકારોમાં આગવું નામ એટલે ભીખુદાન ગઢવી. જો કે હવે આગામી સમયમાં ભીખુદાન ગઢવીનો અવાજ કોઇ લોકડાયરાના મંચ પરથી સાંભળવા નહિ મળે. કારણ કે ભીખુદાન ગઢવીએ લોક ડાયરામાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હવેથી તેઓ દેશ-વિદેશમાં ક્યાંય લોકડાયરાના કાર્યક્રમો નહીં કરે.

આ પણ વાંચો: જૂનાગઢ અને માઢડાના સોનલ ધામમાં અદ્ભુત દિવ્યતા અનુભવાઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

જામવાળા પીઠડધામ ખાતે કરી જાહેરાત

મળી રહેલી વિગતો અનુસાર પીઠડ જયંતી નિમિતે જામવાળા પીઠડધામ ખાતેના ડાયરામાં લોકગાયક ભીખુદાન ગઢવીએ આ જાહેરાત કરી છે. તેમણે સ્ટેજ પરથી કહ્યું કે, “આ પીઠડ માંના સાનિધ્યમાં એકવાર પ્રોગ્રામ થઈ જાય પછી, ક્યાંય જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી. અહીં આવશું ત્યારે માંના દર્શન કરવા આવીશું, પીઠડ માંના દર્શન કરવા આવીશું, પરંતુ અહીં કે બીજે ક્યાંય પણ પ્રોગ્રામ કરવા નથી.”

વતન જુનાગઢ જિલ્લાનું માણેકવાડા

ગુજરાતી લોકસાહિત્યની વાતોથી દેશ વિદેશમાં નામનાં મેળવનાર ભીખુદાન ગઢવીનું છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢમાં રહે છે. તેમનો જન્મ પોરબંદર જિલ્લાના ખીજદડ ગામે થયો હતો, પરંતુ તેમનું વતન જુનાગઢ જિલ્લાનું માણેકવાડા છે. તેમણે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયે ખેડૂત પણ પરંતુ આકાશવાણી, દૂરદર્શન તથા જાહેર કાર્યક્રમોમાં લોકસંગીતના પ્રસ્તુતીકરણમાં તેમણે સીમાડાઓ ઓળંગી ગયા.

અનેક દેશોમાં કર્યા લોકડાયરાના કાર્યક્રમ

આકાશવાણી રાજકોટ સહિતની સંસ્થા સાથે તેમનો ખૂબ જ મજાનો સબંધ રહેલો. તેમના લોકસંગીતના જીવંત કાર્યક્રમોની વીડિયો કૅસેટો પણ બહાર પડી છે. તેઓ તેમના લોકસંગીતના કાર્યક્રમોમાં ગુજરાતી લોકસાહિત્ય અને ગ્રામસંસ્કારોનું જતન કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. તેમણે માત્ર સૌરાષ્ટ્ર પૂરતા જ નહિ પરંતુ રાજ્ય અને દેશના સીમાડા ઓળંગીને દુબઈ, અબુધાબી, શારજાહ, બહેરીન, મસ્કત, સિંગાપુર, લંડન, કૅનેડા, અમેરિકા, આફ્રિકા ઇન્ડોનેશિયા, મોરેશિયસ ઉપરાંત જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં તેમણે સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકસાહિત્યની વાતો પીરસી છે.

2016માં પદ્મશ્રીનું સન્માન

લોકસાહિત્ય ક્ષેત્રમાં તેમના પ્રદાનને ધ્યાને લઈને ગુજરાત સરકારે તેમને વર્ષ 2002-03ના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. વર્ષ 2009માં સંગીત નાટક અકાદમી તરફથી અકાદમી પુરસ્કાર, 2009માં દુલા ભાયા કાગ ઍવૉર્ડ અને 2016માં પદ્મશ્રીથી સન્માનિત થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને