ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલી હિંસા અટકે તેવા કોઇ સંકેતો દેખાઈ રહ્યા નથી. ત્યારે આજે શનિવારે પ્રદર્શનકારીઓએ ઇમ્ફાલમાં બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. આ લોકો જીરીબામ જિલ્લામાં ત્રણ લોકોના મોતના મામલે ન્યાયની માંગ કરી રહ્યા હતા. આ બનાવ બાદ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા વહીવટી તંત્રે અનિશ્ચિત સમય સુધી મનાઈ હુકમ ફરમાવી દીધો છે. ઇમ્ફાલ પશ્ચિમ, પૂર્વ, બિષ્ણુપુર, થૌબલ, કાકચિંગ, કાંગપોકપી અને ચુરાચંદપુરમાં બે દિવસ માટે ઇન્ટરનેટ સહિતની સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: મણિપુર હિંસાને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય; 6 જિલ્લામાં લાગૂ થયો AFSPA
પ્રદર્શનકારીઓ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સગોલબંદ વિસ્તારમાં બીજેપી ધારાસભ્ય આરકે ઇમોના નિવાસ સ્થાનની સામે એકઠા થયા હતા અને જીરીબામમાં લોકોનાં મોતને મુદ્દે સરકાર તરફથી યોગ્ય પ્રતિક્રિયાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આરકે ઈમો રાજ્યનાં મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના જમાઈ પણ છે. પ્રદર્શનકારીઓએ અધિકારીઓને 24 કલાકની અંદર ત્રણ લોકોની હત્યાના ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ રાતોરાત કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર દળના 2000 જવાનને મોકલ્યા
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કીશમથોંગ મતવિસ્તારના અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંત સિંહના તિદ્દિમ રોડ પરના તેમના નિવાસસ્થાને મળવા આવેલા પ્રદર્શનકારીએ તેમની માલિકીનાં સ્થાનિક અખબારનાં કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું થતું. શુક્રવારે રાત્રે મણિપુર-આસામ સરહદ પર જીરી અને બરાક નદીઓના સંગમ નજીકથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જે જીરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા છ લોકોના હોવાની શંકા છે.