સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણને મામલે ફાટી નિકળેલી હિંસાને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ નઈમ ખાન, બિલાલ અને નોમાન તરીકે થઈ છે. ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે વળતી કાર્યવાહી કરી હતી, કથિત રીતે પોલીસના ગોળીબારમાં આ એકનું મોત નીપજ્યું છે. પરિવારજનોના આ દાવાથી વિસ્તારમાં વિરોધ અને આક્રોશ ફેલાયો છે.
આ પણ વાંચો : ગૂગલ મેપ બન્યો જીવલેણઃ ત્રણ મિત્રોની કાર બ્રિજ પર તો ચડી પણ…
ત્રણ લોકોના મોત
સંભલમાં જ્યારે પોલીસ ટીમ સર્વેક્ષણ દરમિયાન મસ્જિદ નજીક એકઠી થયેલી ભીડને વિખેરવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન લગભગ 11:00 વાગ્યા આસપાસ હિંસા શરૂ થઈ હતી. નઈમ ખાનના પરિવારના જણાવ્યા અનુસાર, પોલીસના ગોળીબારમાં નઈમને ગોળી વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પરિવારે જણાવ્યું હતું કે નઈમ વિરોધમાં સામેલ ન હતો અને જ્યારે તેને ગોળી વાગી ત્યારે તે તેની દુકાન માટે ખરીદી કરવા જઈ રહ્યો હતો.
સ્થાનિક લોકોએ કર્યા પોલીસ પર આરોપ
સંભલમાં થયેલી હિંસા પર સ્થાનિક લોકો અને રાજકીય વ્યક્તિઓ બંને તરફથી આકરી પ્રતિક્રિયાઓ આવી છે. મૃતકના પરિવારજનોએ આરોપ કર્યો છે કે પોલીસ વધારે પડતી સત્તાનો દુરુપયોગ કરી રહી છે. હાલ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને અધિકારીઓએ આ ઘટનાની સંપૂર્ણ તપાસનું વચન આપ્યું છે. દરમિયાન, વધુ હિંસા અટકાવવા માટે સુરક્ષા દળોનો કાફલાને તૈનાત કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના સંભલમાં તણાવ, 1નું મોત, પોલીસ પર પથ્થરમારો, વાહનોને આગચંપી
અચાનક ફાટી નીકળી હિંસા
લગભગ સવારે 7:30 વાગ્યે શાહી જામા મસ્જિદ ખાતે સર્વેક્ષણ શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, ટૂંક સમયમાં જ અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. અચાનક આ વિસ્તારમાં આશરે 1,000 લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને વાહનોમાં આગ લગાવી, તણાવ ઝડપથી વધી ગયો. જેના જવાબમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને