નવી દિલ્હી: આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ (Mahatma Gandhi Death Anniversary) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શો આપણને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપે છે.” વડાપ્રધાને કહ્યું કે બાપુના આદર્શોને સતત પ્રેરણા સ્ત્રોત છે, જે આજે પણ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આપણને માર્ગદર્શન આપે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે પોતાના X એકાઉન્ટ પર લખ્યું, “એક કૃતજ્ઞ રાષ્ટ્ર વતી, હું ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી વ્યક્તિત્વ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, તેમણે સત્ય, અહિંસા અને અન્યાય સામે લડવાના ભારતીય મૂલ્યોને વિશ્વભરમાં લોકપ્રિય બનાવ્યા.”
અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ:
ગાંધીજીના વિચારોના મહત્વ પર ભાર મૂકતા શાહે કહ્યું કે બાપુના વિચારો આપણને સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને ગ્રામીણ ભારતના સશક્તિકરણની પ્રેરણા આપતા રહેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કહ્યું કે સત્ય, અહિંસા, સર્વોદય અને બધા ધર્મોમાં સુમેળના તેમના વિચારો હજુ પણ આપણને માર્ગ બતાવે છે.
કોંગ્રેસ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ:
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી સાથે એક વિડીયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે, ‘ગાંધીજી માત્ર એક વ્યક્તિ નથી, તેઓ ભારતનો આત્મા છે, અને આજે પણ દરેક ભારતીયમાં જીવંત છે. સત્ય, અહિંસા અને નિર્ભયતાની શક્તિ સૌથી મોટા સામ્રાજ્યના મૂળને પણ હચમચાવી શકે છે – આખું વિશ્વ તેમના આ આદર્શોમાંથી પ્રેરણા લે છે. રાષ્ટ્રપિતા, મહાત્મા, આપણા બાપુને તેમના શહીદ દિવસ પર વંદન.”
કેન્દ્રીય પ્રધાનઓ નીતિન ગડકરી અને કિરેન રિજિજુએ પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને