![Now e-Cabinet successful Maharashtra](https://bombaysamachar.com/wp-content/uploads/2025/01/Now-e-Cabinet-in-Maharashtra.webp)
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યની નાણાકીય સમસ્યાઓ હળવી કરવાના પ્રયાસરૂપે શિવ ભોજન થાળી અને આનંદાચા શિધા નામની બે મુખ્ય યોજનાઓ બંધ કકરવાનું વિચારી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને બંને યોજનાઓની સમીક્ષા કરવાની સૂચના આપી છે, જેનો નિર્ણય માર્ચમાં આગામી બજેટ સત્ર દરમિયાન લેવામાં આવે તેવી અપેક્ષા છે.
રાજ્યમાં કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ ભૂખ્યું ન સૂઈ જાય તેવા ઉદ્દેશ્ય સાથે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૦૨૦માં શિવ ભોજન થાળી યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બે રોટલી,શાક,દાળ અને ભાત સાથેની સંપૂર્ણ ભોજન થાળી રાહત દરે દસ રુપિયામાં આવે છે.
આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણઃ શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા મહારાષ્ટ્ર સરકારે ભર્યું મોટું પગલું
શિવ ભોજન થાળી રાજ્યભરમાં ૧,૬૯૯ ભોજનાલયમાં ૧,૮૮,૪૬૩ થાળી મંજૂર કરવામાં આવી છે. દરરોજ આશરે ૧,૮૦,૦૦૦ થાળીનું વિતરણ કરવામાં આવે છે. દરરોજ ૨ લાખ થાળી પીરસવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શિવભોજનની દૈનિક 2 લાખ પ્લેટનો વાર્ષિક ખર્ચ આશરે ૨૬૭ કરોડ રૂપિયા છે, જે અંગે પૂર્વ મંત્રીએ દલીલ કરી હતી કે ગરીબો અને જરૂરિયાતમંદોને મળતા લાભને જોતા આ ખર્ચ નહિવત છે.
આનંદાચા શિધા યોજનામાં શું મળે છે?
આનંદાચા શિધા યોજના એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ તહેવાર કીટ વિતરણ કાર્યક્રમ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દિવાળી, ગુડી પડવા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ જેવા તહેવારો દરમિયાન પાત્ર લાભાર્થીઓને આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાનો છે. લાભાર્થીઓને ૧ કિલો ખાંડ, ૧ લીટર તેલ, ૫૦૦ ગ્રામ રવો, ૫૦૦ ગ્રામ ચણાની દાળ, ૫૦૦ ગ્રામ મેંદો અને ૫૦૦ ગ્રામ પૌઆ સહીત ૬ વસ્તુઓની કીટ મળે છે. આ કિટ ૧૦૦ રૂ.ના રાહત દરે આપવામાં આવે છે. આ યોજનાનો વાર્ષિક ખર્ચ અંદાજે ૧૬૧ કરોડ (૨૦૨૨), ૧૫૯ કરોડ (૨૦૨૩) અને ૧૬૦ કરોડ (૨૦૨૪) છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને