મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલા ભાજપને ફટકો પડ્યો છે. મુંબઈ ભાજપના સેક્રેટરી અને માહિમથી પાર્ટીના નેતા સચિન શિંદે તેમના કાર્યકરો સાથે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં જોડાયા હતા. સચિન શિંદે શિવસેના (યુબીટી)માં જોડાયા હોવાથી માહિમની બેઠક પર દગો થયો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની રાજ્યમાં સરકાર બનાવવાનો પટોલેનો દાવોઃ રાઉતે વાંધો ઉઠાવ્યો…
મુંબઈ ભાજપના સચિવ સચિન શિંદે શુક્રવારે માતોશ્રીમાં તેમના સહકારીઓ સાથે શિવસેના (યુબીટી)માં જોડાયા હતા. પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમના હાથ પર શિવબંધન બાંધીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહેશ સાવંત, સેનેટ સભ્ય પ્રદીપ સાવંત સહિત અન્ય પદાધિકારીઓ અને શિવસૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.
માહિમ વિધાનસભા બેઠક માટે કેમ સંકટ?
આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં માહિમ બેઠક પર ત્રિકોણી મુકાબલો થયો હતો. મનસેના ચીફ રાજ ઠાકરેએ અહીંથી તેમના પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી) એ અહીંથી મહેશ બલિરામ સાવંતને ટિકિટ આપી હતી, જ્યારે એકનાથ શિંદેની પાર્ટી પણ અહીંથી ચૂંટણી લડી રહી છે.
આ પણ વાંચો : Election Result Day: ૧0,000 પોલીસના બંદોબસ્ત સાથે મુંબઈમાં થશે મતગણતરી…
શિવસેના શિંદે જૂથે વર્તમાન વિધાનસભ્ય સદા સરવણકરને ફરી એકવખત મેદાનમાં ઉતારીને ચૂંટણી સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી છે. જોકે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે ઈચ્છતા હતા કે શિવસેના અને ભાજપ બંને આ બેઠક પર તેમના ઉમેદવારને સમર્થન આપે. માહિમ રાજ ઠાકરેની પાર્ટીની હેડઓફિસ આવેલી છે. આ બેઠક પરથી ભાજપે અમિત ઠાકરેને સમર્થન જાહેર કર્યું હતું અને એકનાથ શિંદેને તેમના ઉમેદવાર સદા સરવણકરને પીછેહઠ કરવા દબાણ કર્યું હતું. સદા સરવણકર માન્યા નહોતા અને ઉમેદવારી નોંધાવી હતી. મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે જાહેર કર્યું હતું કે ભાજપ અમિત ઠાકરેને ટેકો આપશે અને તેમને વિજયી બનાવવા કામ કરશે. હવે અચાનક પરિણામ પહેલાં સચિન શિંદેએ રાજીનામું આપી દીધું હોવાથી આ બેઠકમાં ભાજપ સાથે તેમણે દગો કર્યો હોવાની અટકળો ફેલાઈ રહી છે. જો આવું થયું હોય તો અમિત ઠાકરે આ બેઠક પરથી હારી શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને