મુંબઈ: 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસનો ખટલો ચલાવતી વિશેષ કોર્ટેને બોમ્બની ધમકી મળી હતી, એમ સરકારી વકીલે જણાવ્યું હતું.
સેશન્સ કોર્ટની રજિસ્ટ્રાર ઓફિસમાં 30 ઑક્ટોબરે અજાણી વ્યક્તિએ કૉલ કર્યો હતો અને કોર્ટરૂમ નંબર-26માં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપી હતી. આ પ્રકરણે કોલાબા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું વકીલે જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈમાં સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ સંકુલના કોર્ટરૂમ નંબર 26માં વિશેષ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટ બ્લાસ્ટનો કેસ ચલાવી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છીએ, પણ આ પ્રકરણે હજી સુધી એફઆઇઆર નોંધવામાં આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના રોજ મસ્જિદ નજીક મોટરસાઇકલમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં છ જણનાં મોત થયાં હતાં, જ્યારે 100 લોકો ઇજા પામ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈના પોલીસ કમિશનર ફણસલકરને એડિશનલ ચાર્જ
બ્લાસ્ટના કાવતરામાં કથિત સંડોવણી બદલ ભાજપનાં નેતા પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય પાંચ વિરુદ્ધ ખટલો ચાલી રહ્યો છે.
વિશેષ જજ એ. કે. લાહોટી હાલ આરોપીઓના અંતિમ નિવેદનો નોંધી રહ્યા છે અને ખટલો તેના અંતિમ તબક્કામાં છે. આરોપીઓ ભારતીય દંડસંહિતા અને અનલોફૂલ એક્ટિવિટીસ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ) હેઠળ આરોપોનો સામનો કરી રહ્યા છે. (પીટીઆઇ)