મુંબઈ: મુંબઈના દાદર-માહિમ વિધાનસભા મતવિસ્તારથી શિંદે-સેના દ્વારા સદા સરવણકરને ઉમેદવારી આપવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પણ મેદાનમાં છે. તેથી આ મતવિસ્તારમાં રાજકીય વાતાવરણ ઘણું તાપ્યું હોવાનું જણાઇ રહ્યું છે. આ દરમિયાન રાજ ઠાકરેએ ડોંબિવલીમાં એક સભામાં શિંદે ઉપર નિશાન તાક્યું હતું.
એક ઇન્ટરવ્યૂમાં એકનાથ શિંદેએ માહિમ બેઠક માટે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં રાજ ઠાકરે અમારી સાથે હતા. તેમની સાથે મારી ચર્ચા પણ થઇ હતી. તેમની રણનીતી અંગે પણ મેં તેમને પૂછ્યું હતું. મહાયુતિનો નિર્ણય થવા પછી અમે નિર્ણય લેશું એમ તેમણે કહ્યું હતું, પરંતુ અચાનક તેમણે પોતાનો ઉમેદવાર ઊભો પણ કરી દીધો.’
શિંદે-સેનાના ઉમેદવારે સદા સરવણકરે જણાવ્યું હતું કે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવેસ રાજ ઠાકરેને મળવાનો સંદેશ પણ મોકલાવવામાં આવ્યો હતો, પણ તેમને ‘તમને જે યોગ્ય લાગે તે નિર્ણય લો…’ એવું કહ્યું હતું.
આ પણ વાંચો : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ચૂંટણી પ્રચારની શરૂઆત, મુંબઈમાં 2 રેલીઓ
આ દરમિયાન ડોંબિવલીમાં એક સભા સંબોધતા રાજ ઠાકરેએ શિંદે-સેનાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે શરૂઆતમાં અજિત પવાર નહીં જોઇએ એવું વલણ અપનાવનારા શિંદેને મહાવિકાસ આઘાડીથી દૂર થયા બાદ મહાયુતિમાં અજિત પવારના પ્રવેશથી કેમ વાંધો ન થયો?
એક સભામાં શિંદે આવવા પહેલા ભોજપુરી ગીતો પર ડાન્સ થઇ રહ્યો હતો. આ બિહાર-યુપીની સંસ્કૃતિ છે. આ જ છે કે ‘લાડકી બહીણ’?, એવો સવાલ કરીને રાજ ઠાકરેએ શિંદે-સેનાને લક્ષ્ય બનાવી હતી. શિવસેના અને ધનુષબાણ ના ઉદ્ધવ ઠાકરેની, ના એકનાથ શિંદેની પ્રોપર્ટી છે. આ સંપત્તિ બાળ ઠાકરેની છે, એમ તેમણે જણાવ્યું હતું.