Chief Minister Eknath Shinde resigns Image Source : Mumbaitak

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મહાયુતિમાં સત્તાની સ્થાપનાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને બે દિવસ વીતી ગયા છે. રાજ્યમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી હોવાથી તેઓ ટૂંક સમયમાં જ સત્તાનો દાવો કરશે. દરમિયાન વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજીનામું આપી દીધું છે. એકનાથ શિંદેએ રાજભવનમાં જઇને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું સુપરત કર્યું હતું. એકનાથ શિંદે સાથે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા. એકનાથ શિંદેએ તેમને એક પત્ર સોંપ્યો હતો કે તેઓ મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.

સવારે 11.30 વાગ્યાની આસપાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. શિંદેએ મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું ભલે આપી દીધું હોય, પરંતુ નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી એકનાથ શિંદે કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. રાજીનામું આપતા પહેલા શિંદેએ તેમના પક્ષના સાથીદારો સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ 230 બેઠકો જીતી હતી. જેમાં ભાજપને 132, શિવસેના શિંદે જૂથને 57 અને NCP અજિત પવાર જૂથને 41 બેઠકો મળી હતી. જ્યારે મહાવિકાસ આઘાડીને માત્ર 46 બેઠકો પર જ સમાધાન કરવું પડ્યું છે. જેમાં કોંગ્રેસને 16, ઠાકરે જૂથને 20 અને શરદ પવાર જૂથને 10 બેઠકો મળી હતી. તેમજ અપક્ષ-અન્યને 12 બેઠકો મળી છે. જેના કારણે રાજ્યમાં મહાગઠબંધન સત્તા પર આવશે તે નિશ્ચિત છે. હાલમાં મહાયુતિમાં સત્તા રચવાની હિલચાલે વેગ પકડ્યો છે. આ વખતે મહાયુતિએ હજુ સુધી રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો નથી. હવે એકનાથ શિંદેએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે, તેથી માનવામાં આવે છે કે હવે મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપવાની હિલચાલ ઝડપી બનશે.

આ પણ વાંચો…બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર હુમલો, 50 ઘાયલ

ઉલ્લેખનીય છે કે, મુખ્ય પ્રધાન પદની રેસમાં નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ તેમજ શિવસેના તરફથી કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ પદ માટે સૌથી આગળ છે. જોકે, હજુ સુધી કોઈ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે નવી સરકારમાં કોના શિરે મુખ્ય પ્રધાન પદનો તાજ સજે છે એ જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને