ચિલ્કા (પેરુ): દક્ષિણ અમેરિકા ઉપખંડના પેરુ નામના દેશમાં એક આઘાતજનક અને કરુણ ઘટના બની ગઈ. ફૂટબૉલની મૅચ ચાલી રહી હતી ત્યારે મેદાન પર વીજળી ત્રાટકી હતી જેમાં એક ફૂટબોલરનું મૃત્યુ થયું હતું.
યુવેન્ટડ બેલાવિસ્ટા અને ફૅમિલિયા ચૉક્કા નામની ટીમ વચ્ચેની આ મૅચમાં આ કરુણ ઘટના બની હતી જેમાં 34 વર્ષનો ડિફેન્ડર હ્યુગો દ લા ક્રુઝ વીજળીનો શિકાર થયો હતો.
ચિલ્કા શહેર પાટનગર લિમાથી 70 કિલોમીટર દૂર ડુંગરાળ પ્રદેશમાં વસેલું છે અને ત્યાં વીજળી ત્રાટકવાના તેમ જ વંટોળ આવવાના બનાવ વારંવાર બનતા હોય છે. હવામાન થોડું સારું હોવાથી આ સૉકર મૅચ રાખવામાં આવી હતી, પરંતુ અચાનક હવામાન બગડ્યું હતું અને વીજળી ત્રાટકી હતી જેમાં ખેલાડીના મૃત્યુની જીવલેણ ઘટના બની હતી.”
આ પણ વાંચો : જોવા જેવો ગોલ…અમેરિકી ખેલાડીની આ કૉર્નર કિકથી ફૂટબૉલ જગતમાં ધમાલ મચી ગઈ છે!
ક્રુઝ ઉપરાંત બીજા ચાર ખેલાડીને ઈજા પહોંચી હતી જેમાં ક્રુઝ મૃત્યુ પામ્યો હતો. સામાન્ય રીતે વીજળી ત્રાટકવાના બનાવોમાં ભોગ બનનાર 90 ટકા વ્યક્તિઓ બચી જતી હોય છે. ક્રુઝને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો અને એ દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.
ઈજા પામેલા એક ખેલાડીએ પત્રકારોને કહ્યું, `હું અને ક્રુઝ એકમેકને ભેટ્યા અને પછી હું માંડ ત્રણ ડગલાં દૂર ગયો હોઈશ ત્યાં અમારા પર વીજળી ત્રાટકી હતી. અમારા પર જીવલેણ પ્રકાશનું આક્રમણ થયું હતું. એ ગોઝારો પ્રકાશ મારા મગજમાં ઉતરી ગયો હતો અને હું બેશુદ્ધ થઈ ગયો હતો.’