why palmy  radical   deterioration  the aforesaid  outfit

-રાજ ગોસ્વામી

તાજેતરમાં અવસાન પામેલા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટા, ‘ફેસબુક’ના સ્થાપક માર્ક ઝકરબર્ગ, ‘એપલ’ કંપનીના સ્થાપક (સ્વર્ગસ્થ) સ્ટીવ જોબ્સ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે એક વાતનું સામ્ય છે – એ સૌ વર્ષો સુધી એકનાં એક કપડાં પહેરતાં હતાં.

૪૦ વર્ષના ઝકરબર્ગ માટે તો એવું કહેવાય છે કે ૨૦૦૪માં એણે ‘ફેસબુક’ની શરૂઆત કરી ત્યારથી એણે એનો પોષક બદલ્યો નથી. એ રોજ ગ્રે ટી-શર્ટ અને જીન્સ પહેરે છે. સ્ટીવ જોબ્સ તો જાપાનીસ ફૅશન ડિઝાઈનર ઇસ્સે મિયાકેએ બનાવેલું બ્લેક ટર્ટલનેક શર્ટ અને બ્લુ જીન્સ પહેરતા હતા. તમને ઝકરબર્ગ અને જોબ્સ ભાગ્યે જ બીજાં વસ્ત્રોમાં જોવા મળશે. બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ મોટા ભાગનો સમય એ સફેદ શર્ટ-રેડ ટાઈ સાથે ગ્રે અથવા બ્લ્યુ સૂટ પહેરતા હતા.


Also read: હેં… ખરેખર?! : વિશ્વનો સૌથી ઊંચો માનવી, લંબાઇ આઠ ફૂટ, ૧૧.૧ ઇંચ


વીસમી સદીના જીનિયસ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગ્રે રંગના અનેક સૂટ ખરીદી રાખ્યા હતા એટલે રોજ સવારે શું પહેરવું તે વિચારવામાં સમય ના બગડે. એમને સેંડલ્સ ને સ્લિપર્સ પહેરવા વધુ પસંદ હતા. આપણા લાડીલા ગીતકાર ગુલઝાર કાયમ સફેદ કુર્તામાં જ હોય છે. આ એમની ‘સિગ્નેચર સ્ટાઈલ’ બની ગઈ છે.

જે લોકો રોજ નવાં વસ્ત્રો પહેરતાં હોય એમના માટે એ સમજવું બહુ અઘરું હોય છે કે અમુક સફળ અને જીનિયસ લોકોને એકનો એક પોશાક પહેરવાનો જરાય કંટાળો કેમ નથી આવતો, કારણ કે મોટા ભાગના લોકો માટે નવા ડ્રેસ પહેરવા એટલું નોર્મલ છે જેટલું બ્રશ કરવું કે નહાવું.

વાસ્તવમાં, એકના એક પ્રકારનાં કપડાં પહેરવાં એ આપણા જેવા, જેમના કબાટ પ્રકાર-પ્રકારનાં વસ્ત્રોથી ભરાયેલાં છે એમના કરતાં વધુ સામાન્ય છે. અહીં તો આપણે માત્ર જાણીતા લોકોનાં જ ઉદાહરણ આપ્યાં છે, પરંતુ એવા લાખો લોકો છે જે ઓછાં કપડાંમાં જીવન ગુજારે છે, કારણ જીવન જીવવા માટેની બીજી પ્રાથમિકતાઓ તેનું સ્થાન લઈ લે છે.
મનોવૈજ્ઞાનિકો પણ આ વાતને સમર્થન આપે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આપણે દરરોજ લગભગ નાના-મોટા ૧૦,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલા નિર્ણય લઈએ છીએ. આનો અર્થ એ થયો કે તમે ઓછા મહત્વનાં કામ પાછળ જેટલી વધુ વૈચારિક ઊર્જા ખર્ચો તેની અસર મહત્ત્વના નિર્ણયો લેવાની પ્રક્રિયા પર પડે છે.

ઝકરબર્ગ આ વાતની સાબિતી છે. એક પત્રકારે એકવાર એને એના ગ્રે ટી-શર્ટ અને જીન્સ અંગે પ્રશ્ર્ન પૂછ્યો હતો તો એણે કહ્યું હતું કે, ‘હું રોજ સવારે ઊઠીને (‘ફેસબુક’ પર જોડાયેલા) એક અબજથી વધુ લોકો માટે કામ કરું છું. હું જો મારા જીવનની ફાલતુ ચીજોમાં સમય બરબાદ કરું તો મને એવું લાગે કે હું મારું કામ બરાબર કરતો નથી. ‘ફેસબુક’ના સમુદાયને લગતા વિચારો પર હું એટલો સમય આપું છું કે બીજી બાબતના નિર્ણયો કરવા ના પડે તે વધુ લાભદાયી રહે છે….’

આને મનોવિજ્ઞાનની ભાષામાં ‘ડિસિઝન ફટીગ’ (એટલે કે, નિર્ણય લેવાની થકાન) કહે છે. મગજ સતત નિર્ણયો કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત રહે તો ઉત્તરોત્તર તેના નિર્ણયો લેવાની ગુણવત્તા ઘટતી જાય છે.

ધારો કે તમે રોજ સવારે ઊઠીને, પાંચ-દસ પ્રકારનાં બ્રશમાંથી આજે કયું બ્રશ વાપરવું તેની પાછળ સમય આપો અથવા અલગ અલગ રંગ અને આકારના દસ-વીસ મગમાંથી આજે કયા મગમાં કૉફી પીવી તેનું મનન કરતા રહો તો આજે કામ પર જઈને
સૌથી પહેલું કયું કામ કરવાનું છે અથવા આજે કોને પહેલાં મળવાનું છે અથવા આજે કઈ સમસ્યાને હલ કરવાની છે જેવી બાબત પર ધ્યાન આપતાં સુધીમાં મગજ થાક અનુભવવા લાગે છે.

સાદી ભાષામાં એમ કહેવાય કે કઈ બાબત સૌથી અગત્યની છે અને કઈ વાત સૌથી ઓછી અગત્યની છે તેનો તફાવત ના કરીએ તો આપણે ડિસિઝન ફટીગનો ભોગ બનીએ છીએ.

જીનિયસ-વિચક્ષણ લોકો એવાં કામને સમર્પિત હોય છે કે એમના માટે એક એક દિવસ અથવા એક એક ક્ષણ મહત્ત્વની હોય છે એટલા માટે નહીં, કે એમને ઉતાવળ છે, પણ એટલા માટે કે એ માનસિક ઊર્જાને બચાવી રાખે છે અને સમર્પિત કામોમાં આપી દે છે. એટલા માટે આવા લોકો પોતાના રૂટિન જીવનની એવી ઘણી બાબતનું બલિદાન કરતા હોય છે, જે આપણા જેવા સાધારણ માણસો માટે સૌથી મહત્ત્વની હોય છે.

બરાક ઓબામાએ આ સંદર્ભમાં ‘વેનિટી ફેર’ નામના મૅગેઝિનને કહ્યું હતું, ‘તમે મને કાયમ ગ્રે અથવા બ્લ્યુ સૂટમાં જોયો હશે. હું બને ત્યાં સુધી નિર્ણયો ઓછા કરવાની કોશિશ કરું છું. હું શું ખાવું અને શું પહેરવું તેના વિચારો નથી કરતો, કારણ કે મારી પાસે નિર્ણયો લેવા માટેનાં ઘણાં કામ હોય છે. નિર્ણયો લેવાની ઊર્જાનું ધ્યાન રાખવું જોઈએ. નકામી વાતમાં ઊલઝી જઈને તમે દિવસ પસાર ના કરી શકો.’

નાનો હોય કે મોટો, દરેક નિર્ણય પાછળ એકસરખી ઇચ્છાશક્તિ ખર્ચાય છે. આજે કાળા રંગના મગમાં કૉફી પીવી કે આજે જૉબના ઇન્ટરવ્યુ માટે શું તૈયારી કરવી તે બંને વાત એકસરખી રીતે મેન્ટલ સ્પેસ રોકે છે અને એકની અસર બીજી પર પડે છે. માર્કેટિંગવાળા આ વાતને બહુ સારી રીતે સમજતા હોય છે.

તમને ક્યારેય વિચાર આવ્યો છે કે રિટેલ સ્ટોર્સ અથવા મોલ્સમાં કેશિયરના ડેસ્કની આસપાસ ચૉકલેટ્સ, ડ્રિંક્સ, ગમ જેવી નાની-નાની વસ્તુ કેમ ગોઠવેલી હોય છે? એ સુગમતા માટે નથી. એમને ખબર છે કે તમે સ્ટોરમાં એક કલાક સુધી ફરીને કંટાળ્યા છો અને હવે સમાન લઈને ઘરભેગા થવાની ઉતાવળમાં છો.

એ વખતે, તમારા મગજને બહુ કષ્ટ ન પડે અને વગર વિચારે બિનજરૂરી ચીજો પણ ઉપાડી લો એટલા માટે આવો નાનો સમાન ‘વ્યૂહાત્મક’ રીતે મૂકવામાં આવ્યો હોય છે.

ધારો કે તમારે દર ૨૪ કલાકમાં ૧૦૦ નિર્ણય કરવાના હોય છે. તમે શું કરશો? આ ૧૦૦ માર્ક્સના પરીક્ષાપત્ર જેવું છે. તમે સૌથી ઓછા માર્ક્સવાળા (સૌથી ઓછા મહત્ત્વના) પ્રશ્ર્નને છોડી દેશો અને સૌથી વધુ માર્ક્સવાળા પ્રશ્ર્નને પહેલાં સોલ્વ કરશો. શું ખાવું, શું પહેરવું, સોશિયલ મીડિયા પર શું જોવું વગેરે ઓછા માર્ક્સવાળા પ્રશ્ર્ન છે.

આપણે જો આપણા રૂટિનને બને એટલું સાદું અને સરળ રાખીએ તો આપણી માનસિક ઊર્જાનો વધુ સકારાત્મક ઉપયોગ કરી શકીએ. એટલા માટે, સવારના ભાગમાં આપણે મોટા ભાગનાં કામ ‘ઑટોમેટિક’ કરીએ છીએ. એના માટે આપણે એમાં મગજ ચલાવતા નથી, જેમ કે બ્રશ કરવું, નહાવું, ચા પીવી, કસરત કરવી અથવા ગપસપ કરવી, આમ આપણે અજાણતા પણ બાકી દિવસ માટે ઊર્જા બચાવીએ છીએ.


Also read: ફોકસ: અરુણાચલ પ્રદેશના લોકુ મહોત્સવમાં થશે સંસ્કૃતિનાં દર્શન…


બાય ધ વે, એક પત્રકારે ગુલઝારને એમના સફેદ રંગના કુર્તા અંગે પૂછ્યું ત્યારે એમણે કહ્યું હતું, ‘અચ્છા લગતા હૈ. હું છેક કૉલેજમાંથી સફેદ વસ્ત્ર પહેરતો આવ્યો છું. મને કલર ગમે છે, પણ હવે જો હું કલર પહેરું તો કૃત્રિમ લાગું. જીવનમાં કે કામમાં, હું જેવો છું તેવો ના લાગું તો સારું ના કહેવાય.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને