national miss  kid  time  empowering girls successful  india

ફોકસ -વીણા ગૌતમ

વર્ષ 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી અસમાનતાઓને ઉજાગર કરવાનો અને લોકોને તેમના શિક્ષણ, આરોગ્ય અને પોષણના અધિકારો વિશે જાગૃત કરવાનો હતો. એમ ન કહી શકાય કે આ ઉદ્દેશ્યો સિદ્ધ થયા પણ એવું પણ ન કહી શકાય કે કશું થયું નથી. છેલ્લા 17 વર્ષમાં ઘણી સિદ્ધિઓ હાંસલ થઈ છે અને હજી ઘણી હાંસલ કરવાની છે. ઉદાહરણ તરીકે લિંગ ભેદભાવ લઈ લો. આપણા સમાજમાં લાંબા સમયથી છોકરીઓ સાથે લિંગ ભેદભાવ થતો આવ્યો છે. જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા, તેમને શિક્ષણથી વંચિત રાખવી અને બાળ વિવાહ. આ દિવસ દ્વારા છોકરીઓને સમાન અધિકાર અને તકો આપવાનો સંદેશ આપવામાં આવે છે. તેથી શરૂઆતમાં તે ધાર્મિક વિધિ જેવું લાગતું હતું. પરંતુ હવે પાછળ જોતા આ પ્રયાસ તદ્દન સફળ જણાય છે.

આ પણ વાંચો : પંખીઓ પણ કરે છે ખુશીનો એકરાર

કેટલાક ઉદ્દેશ્યો પૂરા થયા

એમાં કોઈ શંકા નથી કે ઓછી અપેક્ષાઓ હોવા છતાં, આ અભિયાને સમાજમાં છોકરીઓ પ્રત્યેના ભેદભાવની ઘણી પ્રવૃત્તિઓનો અંત લાવી દીધો છે. કેટલાક નબળા પડ્યા છે, પરંતુ બેશક હજુ પણ ઘણા બાકી છે. જે ધીરે ધીરે લુપ્ત થઈને એક દિવસ સમાપ્ત થઈ જશે. આ દિશામાં સકારાત્મક પરિણામો આપનાર કેટલીક યોજનાઓમાં બેટી બચાવો બેટી પઢાવો, સુક્ધયા સમૃદ્ધિ યોજના અને બાલિકા શિક્ષા અભિયાનનો સમાવેશ થાય છે જેણે શાળાએ જતી છોકરીઓની સંખ્યામાં વધારો કર્યો છે. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનના અહેવાલો દર્શાવે છે કે છેલ્લા દોઢ દાયકામાં છોકરીઓની શાળામાં નોંધણી નોંધપાત્ર રીતે વધી છે. હવે છોકરીઓની નોંધણી 95 ટકાથી પણ વધુ છે. છેલ્લા 10 વર્ષમાં છોકરીઓની શાળા છોડવાના દરમાં પણ 30 ટકાથી વધુનો ઘટાડો થયો છે. વર્ષ 2020-21મા, ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓની કુલ નોંધણીનો ગુણોત્તર 27 ટકા હતો. જ્યારે 2015-16મા તે 24 ટકાથી થોડો વધારે હતો. લિંગ રેશિયો પણ સકારાત્મક સુધારા તરફ છે, 2011ની વસ્તી ગણતરીમાં લિંગ રેશિયો 1000 છોકરાઓ દીઠ 915 છોકરીઓ હતો, જ્યારે 2021માં તે વધીને 1000 છોકરાઓ દીઠ 929 છોકરીઓ થયો હતો, તે વર્ષ 2023-24મા વધુ સુધર્યો છે.

અન્ય ક્ષેત્રોમાં પણ સશક્તીકરણ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ -5 2019-21) અનુસાર, ભારતમાં કિશોરીઓ (15-19 વર્ષ)માં એનિમિયાના દરમાં નજીવો છતાં, ઘટાડો થયો છે. સુપોષણ અભિયાન અને મિડ-ડે મિલ યોજના જેવી યોજનાઓ છોકરીઓના પોષણમાં સુધારો કરવા માટે અસરકારક રહી છે. ગર્લ ચાઈલ્ડ ડે અને અન્ય અભિયાનો દ્વારા સમાજમાં છોકરીઓના અધિકારો અને તેમના મહત્ત્વ વિશે જાગૃતિ વધી છે. રોજગાર ક્ષેત્રે પણ સશક્તિકરણ થયું છે. વિશ્વ બેંક અનુસાર, 2018માં મહિલાઓની શ્રમ સહભાગિતા દર જ્યાં કુલ શ્રમ શક્તિના 21 ટકા હતો, તે 2023 સુધીમાં વધીને 25 ટકા થઈ ગયો છે અને હવે તે 28 ટકાની આસપાસ છે. સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના અને મહિલા સાહસિકતા જેવી યોજનાઓએ પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં ઘણો ફાળો આપ્યો છે. સાથે જ સેલ્ફ- હેલ્પ ગ્રુપો દ્વારા પણ ઘણું સશક્ત કરવામાં આવ્યું છે. દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ, છેલ્લા એક દાયકામાં 8 કરોડથી વધુ મહિલાઓ સેલ્ફ- હેલ્પ ગ્રુપોનો હિસ્સો બની છે, જે આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.

આ પણ વાંચો : ટિટલાગઢનું શિવમંદિર બહાર ભયંકર ગરમી છતાં ઠંડું રહે છે!

પરંતુ પડકારો જે યથાવત્ છે

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે અંતર્ગત ચલાવવામાં આવતી વિવિધ ઝુંબેશને કારણે, છોકરીઓના ઉત્થાન અને આખરે મહિલા સશક્તિકરણ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે, પરંતુ સ્ત્રી ભ્રૂણ હત્યા અને લિંગ ભેદભાવનો મુદ્દો હજુ પણ અમુક અંશે યથાવત છે. કડક કાયદા હોવા છતાં હજુ પણ ઘણા વિસ્તારોમાં સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે અને છોકરીઓ સાથે ભેદભાવના બનાવો પણ બને છે. કારણ કે સામાજિક માન્યતાઓ અને પિતૃસત્તાક વિચારસરણીને સંપૂર્ણ રીતે બદલવાનું હજુ સુધી શક્ય બન્યું નથી. ખેર, આ ગર્લ ચાઈલ્ડ ડેનો સૌથી મોટો ધ્યેય છોકરીઓને શિક્ષણ આપવાનો છે. આમાં આ દિવસ ઘણી હદ સુધી સફળ થાય છે. આ દિવસ દેશમાં એવું વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યો છે કે છોકરીઓ પણ છોકરાઓની જેમ સમાન તકો અને શિક્ષણની અધિકારી છે. સાથે જ છોકરીઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર અને સમાજની ભૂમિકાને પણ આ ખાસ દિવસે પ્રકાશિત કર્યો છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો, સુક્ધયા સમૃદ્ધિ યોજના, અને બાલિકા શિક્ષા અભિયાન, જો આ યોજનાઓ છેલ્લા એક દાયકામાં ખૂબ સફળ રહી છે, તો તેનો શ્રેય અમુક અંશે આ બાલિકા દિવસને જાય છે.’

કઈ રીતે ઊજવીએ આ દિવસ?

રાષ્ટ્રીય બાલિકા દિવસ ખરેખર એક એવો દિવસ છે જેના વિશે વધુને વધુ દેશવાસીઓને વારંવાર જણાવવું જોઈએ જેથી કરીને જો તેઓ અર્ધજાગૃતપણે પણ છોકરીઓ સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કરતા હોય, તો તેઓ તેનાથી દૂર રહે અને અજાણપણે છોકરીઓ સાથે થતા ભેદભાવથી મુક્તિ મળે. જ્યાં સુધી આ દિવસને ઉજવવાનો સંબંધ છે તો સ્કૂલો, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા જોઈએ, જેમાં રેલી, ચર્ચાઓ અને નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ હોય. આ દિવસે એવી છોકરીઓનું સન્માન કરવું જોઈએ જેમણે શિક્ષણ, રમતગમત, કલા કે વિજ્ઞાનના કોઈપણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવી હોય. છોકરીઓના અધિકારો અને તેમની સિદ્ધિઓને પ્રોત્સાહન આપતી ઝુંબેશ સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવે, ત્યારે જ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે જેવા કાર્યક્રમોથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે ગેમિંગ કંપનીઓની જીએસટી નોટિસ પર પ્રતિબંધ મૂક્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને