-રમેશ પુરોહિત
ગુજરાતી ગઝલનો પોણી સદીનો જીવંત ઈતિહાસ જેણે રચ્યો, વર્તમાન ગઝલના પાયાના પથ્થર બનેલા શાયરો સાથે સાક્ષાત્કાર જેવો પરિચય અને મુશાયરાના આયોજનનું વફાદારીથી કામ કરનાર સર્જકની આજે વાત કરવી છે. આ સર્જક છે રતિલાલ ‘અનિલ’. મૂળ નામ રતિલાલ મૂળચંદદાસ રૂપાવાલા, વતન સૂરત, તખલ્લુસ ‘અનિલ’. જન્મ તારીખ 23-2-1919. 94 વર્ષના આયુષ્યમાં 71 વર્ષ ગઝલની સાધના, આરાધના, સંવર્ધન અને સજ્જતામાં વીતાવ્યા.
આઝાદી સંગ્રામમાં સરકાર વિરોધી ચોપાનિયા છાપીને લોકો સુધી પહોંચાડવાના કામ બદલ 1942માં એક વર્ષની જેલ થઈ. સાબરમતી જેલમાં તે વખતે પુરુષોત્તમ માવળંકર, રવિશંકર મહારાજ જેવા મોટા નેતાઓના પરિચયમાં આવ્યા. 1943માં કેદમાંથી છૂટીને સૂરત આવ્યા. જરીના કારખાનામાં શાળ પર વણાટકામ અને સાથે સાથે નવા જ સ્થાપેલા ‘મહાગુજરાત ગઝલમંડળ’માં જોડાઈ ગયા અને લેખન કાર્ય વેગવંતું બનાવ્યું. અનેર મોટાં અખબારોમાં હાસ્ય-વ્યંગ અને કટાક્ષની કૉલમ લખી અને પછી વર્ષો સુધી ‘ગુજરાત મિત્ર’ના તંત્રી વિભાગમાં કાર્યરત રહ્યા. ‘પ્યારા બાપુ’, ‘પ્રજ્ઞા’, ‘બહાર’ જેવા શિષ્ટ સાહિત્યના માસિકોના સંપાદક રહ્યા. ‘કંકાવટી’ નામનું સાહિત્યનું માસિક એકલે હાથે 43 વર્ષ સુધી ચલાવ્યું. ‘અનિલ’ ઉપનામ ગઝલ માટે જ્યારે નિબંધ અને અન્ય સાહિત્ય માટે ‘સાંદીપનિ’, ટચાક અને ‘કલ્કિ’ તેમનાં ઉપનામો હતાં.
ગઝલ ક્ષેત્રમાં 75 વર્ષના પ્રદાન માટે સાહિત્ય અકાદમીએ વલી ગુજરાતી ગઝલ એવોર્ડ આપ્યો હતો અને 2006માં નિબંધ સંગ્રહ ‘આટાનો સૂરજ’ માટે પુરસ્કાર પ્રદાન થયો હતો. મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી તરીકે વર્ષો સુધી ગાંઠના ગોપીચંદન કરીને સેવા આપી. છેલ્લે પ્રમુખ પણ થયા. ‘સફરના સાથી’ પુસ્તકમાં રતિલાલ ‘અનિલ’ નોંધે છે કે શાયર અમીન આઝાદની સાઈકલની દુકાને સાંજે પહોંચી ત્યાં અમીનભાઈના અરબી કંઠે સ્વરબદ્ધ ગઝલો સાંભળી તેના સંસ્કારથી ગઝલ પ્રત્યેનું આકર્ષણ વધ્યું. મંડળ દર ત્રણ મહિને મુશાયરો યોજે ગુજરાત અને મુંબઈના શાયરો શયદા સાહેબની આગેવાની નીચે પોતાના ખર્ચે ભાગ લેવા આવે. મંડળ કોઈકના ખાલી ઘરમાં ઉતારાની, ચા-પાણી અને જમવાની વ્યવસ્થા કરે. 1942 થી 1950, ફરી 1955 થી મંડળ ચાલ્યું ત્યાં સુધી શાયરો અને મુશાયરાનો એમને ગાઢ સંપર્ક, અંગત ઘરોબો. ઉમાશંકર જોશી, બળવંતરાય ઠાકોર, વિજયરાય જેવા સાક્ષરોની ઉપસ્થિતિમાં મુશાયરા યોજાતા. આમ ગઝલનો નક્કર પાયો રચવામાં રતિલાલનું પ્રદાન બહુ મૂલ્ય છે. આજની ગઝલ એ પાયા પર ઊભી છે. એ જ મુશાયરા પ્રવૃત્તિએ સંખ્યાબંધ નીવડેલા શાયરો આપ્યા છે. એ પ્રવૃત્તિ ન થઈ હોત તોયે થોડાકે ગઝલ લખી હોત. પણ સતત લખતા રહ્યા હોત નહીં. વિવિધ સ્થળોએ મુશાયરા યોજીને ગઝલને લોકસમુદાય સુધી પહોંચાડી.
મુશાયરા પ્રવૃત્તિ સાથે ‘અનિલ’ ગઝલ સર્જનમાં આગળ વધી રહ્યા હતા. તેમનો પહેલો ગઝલ સંગ્રહ ‘ડમરો અને તુલસી’ 1955માં પ્રગટ થયો. શયદાની પેઢીના તમામ શાયરો સાથે અંગત મૈત્રિ તો ત્યાર પછી પણ આધુનિક ગઝલકારોની ત્રીજી-ચોથી પેઢી સાથે ગઝલના સર્જન માટે પ્રવૃત્ત રહ્યા. ‘મસ્તીની પળોમાં’ 1956માં મુખ્યત્વે રુબાઈ સંગ્રહ આપ્યો. 1977માં ‘રસ્તો’ નામનો બીજો ગઝલ સંગ્રહ આપ્યો છે. ‘આવા હતા બાપુ’ના ત્રણ ભાગ અને ‘ઈન્દિરા ગાંધી’, ગઝલકારોના પરિચય સાથે ગઝલના પોણી સદીના ઈતિહાસ સમું આત્મકથનાત્મક નોંધ આપતું પુસ્તક ‘સફરના સાથી’ 2001માં આપ્યું છે. ‘ચાંદરણા’માં એક વાક્યની ચમત્કૃતિ છે. શાળાનો અભ્યાસ માંડ ચાર ધોરણ સુધીનો. ભણતરની બાબતમાં એમની તુલના મરીઝ સાથે થઈ શકે.
‘અનિલ’માં વાસ્તવિકતા છે, નક્કર ધરતી પર રહીને વાત કરે છે. શબ્દોની સૂઝ, વિવિધ રસોની સહજ નિષ્પતિ, બોલચાલની મીઠડી ભાષા, પ્રતીકો અને રૂપકોની સાચી સમજણ એમની ગઝલોને અલાયદું સ્થાન આપે છે. ગુજરાતી ગઝલનો ઈતિહાસ લખાશે ત્યારે રતિલાલ ‘અનિલ’નું નામ નિ:સંકોચ પ્રથમ હરોળમાં જ હોવાનું. ગઝલમાં એમણે કરેલા પ્રદાનની નોંધ લઈ એમના કેટલાક અમર શેરોનો આસ્વાદ માણીએ. એમની પ્રખ્યાત ‘રસ્તો’ ગઝલના ચંદ શેરથી શરૂઆત કરીએ, રસ્તો તો વસ્તીથી જંગલ સુધી બધે પહોંચે છે પણ એક માનવીથી બીજા માનવી સુધી રસ્તો
બંધાયો નથી.
અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો.
નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!
અનિલે પહેલી પ્રીતના રંગોથી રંગાયેલી ગઝલ આપી છે જેને લય અને રવાની મંત્રમુગ્ધ કરે તેવાં છે. આખી ગઝલ માણીએ:
યૌવનની પ્રીત પ્હેલી, ફાગણની રંગહેલી
હૈયું અતિ અધીરું ને આંખ સાવ ઘેલી.
નયને કટાક્ષ આછા વાણી પ્રીતે રસેલી
હૈયામાં પ્રીત જાણે મ્હેંકી ઊઠી ચમેલી.
પ્રસરે છે એમ બાહુ, વીંટળાય છે જેમ વેલી
શરમાઈ તે રહ્યા છે, મેં સાવ લાજ મેલી
ઈર્ષ્યાળુ કેટલી છે, ઊગી ઉષા વહેલી
જોઈ રહ્યાં છો સ્વપ્નો! કાં આંખ છે ઢળેલી?
તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી
કાં આંગળીઓ આજે પાલવથી ખૂબ ખેલી
ફૂલો તો શું વસંતે કળિયો છે છકેલી
સુંદર છે એ ‘અનિલ’, મેં વસ્તુઓ સૌ ચહેલી
‘અનિલ’ની વરસાદી ગઝલનો મત્લા માણવા જેવો છે:
કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં?
કેમ તે વરસાદમાં ગાયું નહીં?
‘અનિલ’ના બીજા શેરોને માણીએ જેથી એમના અનન્ય પ્રદાન વિશે ખ્યાલ આવે:
આવી હતી બહાર કદી ઘરને આંગણે
ને હું જ ઘરબહાર હતો – કોણ માનશે?
મારામાં તું વસી રહ્યો એ વાત સત્ય હોય તો
મારા પતનને કાજ હા, તુંયે જવાબદાર છે
હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા
એ શોકનો પ્રકાર હતો કોણ માનશે?
મારા જીવનનું શિલ્પ ઘડાયું નહીં ‘અનિલ’,
જીવન વિતાવ્યું કોઈની મૂર્તિ ઘડી ઘડી
મારી સૂરત ન જોઈ મેં નિજને ન ઓળખ્યો,
થાકી ગયું જગત મને દર્પણ ધરી ધરી
ડહાપણનો ભાર નિત્ય તો ઊંચકાય ના કદી
પાગલ થવાની થાય છે ઈચ્છા કદી કદી
તાજનું શિલ્પ કાવ્ય નીરખીને હર્ષના આંસુ કૈંક લૂછે છે
દાદ આપે છે શા’જહાંને સૌ, એના શિલ્પીને કોણ પૂછે છે?
મેં ‘અનિલ’ માગી નથી જગમાં યુગોની જિંદગી
કોઈ યુગને સાંપડે છે એક એવી ક્ષણ મળે!
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને