પણજીઃ ઉત્તર ગોવાના ક્વેરીમ ખાતે શનિવારે પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માત થતા મહારાષ્ટ્રની મહિલા પ્રવાસી અને પાઈલટનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનનાર મહિલાની ઓળખ પુણેની રહેવાસી શિવાની ડબલે (૨૭ વર્ષ) તરીકે કરી હતી, જ્યારે પેરાગ્લાઈડિંગ પાઈલટની ઓળખ નેપાળના રહેવાસી સુમન નેપાળી (૨૬ વર્ષ) તરીકે થઈ છે. આ ઘટના ક્વેરિમ પ્લેટુ પર સાંજે ૪.૩૦ વાગ્યાથી ૫ વાગ્યાની વચ્ચે બની હતી.
આ પણ વાંચો: હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં અમદાવાદની યુવતીનું મૃત્યુ, 24 કલાકમાં બની બીજી ઘટના…
પોલીસે જણાવ્યું હતું કે પેરાગ્લાઈડરે કેરી પ્લેટુ પરથી મહિલા પ્રવાસી સાથે ઉડાન ભરી હતી અને તેઓ ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યા હતા. આ દરમિયાન પેરાગ્લાઈડરની દોરડું તૂટી જતા બંને અલગ અલગ થઈ ગયા પછી પથ્થરો સાથે અથડાયા હતા, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ થઇ હતી. આ અકસ્માત બાદ બંનેને ગોવા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: Himachal Pradesh: ખીણમાં પડી જતાં 2 ટ્રેકર્સના મોત, 48 કલાક સુધી પાલતુ શ્વાન મૃતદેહની રક્ષા કરતો રહ્યો
પોલીસના જણાવ્યા મુજબ મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને આ અંગે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પેરાગ્લાઈડિંગનું આયોજન કરતી એડવેન્ચર સ્પોર્ટ્સ કંપનીના માલિક શેખર રાયઝાદા સામે બીએનએસ ૨૦૨૩ ની કલમ ૧૦૫ (હત્યાના ગુનાપાત્ર હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે. આરોપ છે કે તેણે તેના પેરાગ્લાઈડર પાઈલટને જરૂરી પરવાનગી લીધા વિના પ્રવાસીઓ સાથે પેરાગ્લાઈડિંગ કરવાની મંજૂરી આપી માનવ જીવનને જોખમમાં મૂક્યું હતું.
દરમિયાન, હિમાચલ પ્રદેશના કાંગડા અને કુલ્લુ જિલ્લામાં ૨૪ કલાકની અંદર પેરાગ્લાઈડિંગ સંબંધિત બે અલગ-અલગ અકસ્માતોમાં બે પ્રવાસીઓના મોત થયા છે. પ્રવાસીઓ ગુજરાત અને તમિલનાડુના હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને