Building assurance  is the password to happiness

-આશુ પટેલ

એક મિત્રએ પ્રખ્યાત પત્રકાર રજત શર્માનો એક નાનકડો વીડિયો મોકલ્યો, જેમાં શર્માએ ન્યૂઝ એજન્સી ‘એએનઆઈ’નાં સ્મિતા પ્રકાશ સાથે વાત કરી હતી કે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન સાથે પોતાની પ્રથમ મુલાકાત કઈ રીતે થઈ – શાહરૂખે એમનું દિલ કઈ રીતે જીતી લીધું અને પછી એમની દોસ્તી કઈ રીતે થઈ…. જોકે એ વીડિયોમાંથી એક વાત જીવનમાં ઉતારવા જેવી એ હતી કે માણસે સપનાં જોવાનું ન છોડવું જોઈએ અને આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઈએ.

આગળના શબ્દો રજત શર્માના છે:
‘શાહરૂખ જ્યારે મુંબઈ આવ્યા હતા તો એ મને નહોતા ઓળખતા અને હું એમને ઓળખતો નહોતો. એમની ‘બાઝીગર’ ફિલ્મ રિલીઝ થઈ હતી એ સમયમાં એક વાર શાહરૂખ ખાન ઍરપૉર્ટ પર ઊભા હતા. મને જોઈને એ મારી પાસે આવ્યા અને કહ્યું: ‘સર, હું તમને ઓળખું છું.’

મેં કહ્યું કે ‘હું પણ તમને ઓળખું છું.’

શાહરૂખે કહ્યું: ‘પણ સર, આઈ હેટ યુ, હું નફરત કરું છું તમને!’

હું સ્તબ્ધ થઈ ગયો. મેં કહ્યું કે, ‘મેં શું બગાડ્યું છે? નફરત કેમ?’

શાહરૂખે કહ્યું: ‘પેલી સ્ત્રી જે અત્યારે પોતાં કરી રહી છે ને ઍરપૉર્ટ પર એ જુઓ છો તમે?’

મેં કહ્યું: ‘હા.’
શાહરૂખે કહ્યું: ‘તે તમારી પાસેથી નીકળી તો એણે તમને કહ્યું: ‘શર્મા સર, જરા ખસશો?’

મેં કહ્યું, ‘હા. એણે એવું કહ્યું હતું.’

શાહરૂખે કહ્યું: ‘પણ તે મારી પાસે આવી ત્યારે એણે મને એવું કહ્યું: ‘એ શાહરૂખ, ખસ!’ હું ‘એ શાહરૂખ’ અને તમે ‘શર્માસર’! તમારા પર શું સુરખાબની પાંખ લાગી છે? હું ચશ્માં પહેરું?
શું કરું? કમ્પ્યુટર લઈને ફરું?’

શાહરૂખના એ ચાર વાક્યએ મારું દિલ જીતી લીધું. મને થયું કે શું વાત કરે છે આ માણસ! એ પછી ફ્લાઇટમાં મારી બાજુમાં આવીને બેઠો અને એણે મારી સાથે વાતો શરૂ કરી. તમે નહીં માનો, પણ બે ક્લાક પછી અમારી ફ્લાઇટ લૅન્ડ થઈ ત્યારે હું એનો ચાહક બની ગયો હતો!

અમે ઍરપૉર્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એણે મને પૂછ્યું: ‘શું ઊંધા લટક્યા છો તમે ક્યારેય?’

મેં કહ્યું: ‘હું શા માટે ઊંધો લટકું?’

તો એણે કહ્યું: ‘હું ત્રણ ક્લાક ઊંધો લટકીને આવ્યો છું. હું ‘એ શાહરૂખ!’ અને તમે ‘શર્મા સર!’ પછી એણે મને કહ્યું: ‘મારી સાથે મારી ફિલ્મના સેટ પર આવશો?’

મેં કહ્યું: ‘હા, ચાલો.’

ઍરપૉર્ટ બહાર એની લાલ કલરની કાર ઊભી હતી. એણે કહ્યું: ‘આ કાર રાજેશ ખન્નાની છે મેં ખરીદી છે.’

મેં કહ્યું: ‘સારું.’

એણે કહ્યું: ‘આ જે ડ્રાઈવર છે તે રાજેશ ખન્નાનો છે. મેં એને નોકરીએ રાખ્યો છે.’

મેં કહ્યું: ‘સારું.’

એણે કહ્યું: ‘તમે જેમ રાજેશ ખન્નાને ‘આપ કી અદાલત’માં લાવ્યા હતા એમ શાહરૂખ ખાનનેય લાવો.’

શાહરૂખ રાજેશ ખન્નાને બહુ મોટા સ્ટાર માને છે. એ સમયમાં માત્ર રાજેશ ખન્ના એક જ એવા ફિલ્મ સ્ટાર હતા જે ‘આપ કી અદાલતમાં’ આવ્યા હતા. એ વાતને એકાદ વર્ષ થયું હતું.

શાહરૂખની વાત સાંભળીને મેં કહ્યું: ‘પણ તમે હજી એક-બે ફિલ્મ જ કરી છે.’

તો એણે કહ્યું: ‘નહીં સર. હું ઘણી ફિલ્મો કરવાનો છું.

મેં કહ્યું: ‘સારું, ચાલો હું જોઈશ.’

એક મહિના પછી મુંબઈમાં ‘આપ કી અદાલત’નું શૂટિંગ શેડ્યુલ હતું, જેમાં બાળ ઠાકરે, શરદ પવાર, ગુલશન કુમાર જેવી પર્સનાલિટી આવવાની હતી. મેં મારી ટીમને કહ્યું: ‘શાહરૂખ ખાનની ‘આપ કી અદાલત’માં આવવાની ઇચ્છા છે.’ તો બધાએ કહ્યું: ‘સર, આપણે માત્ર એક સ્ટારને જ અને એ પણ રાજેશ ખન્ના જેવા મોટા સુપરસ્ટારને જ લાવ્યા છીએ. હવે આ નવા એક્ટરને લાવીશું?’

મેં કહ્યું, ‘નહીં, આ માણસમાં દમ છે, કૉન્ફિડન્સ છે અને મને લાગે છે કે આ માણસ બહુ આગળ જશે. તો હું એનો ઇન્ટરવ્યૂ કરીશ.’

તો ટીમના બધા સભ્યોએ કહ્યું: ‘બિલકુલ નહીં કરવા દઈએ તમને.’ ઘણી વાતચીત પછી એ બધા માની ગયા અને મેં શાહરૂખ સાથે શો કર્યો અને તેણે શું જવાબો આપ્યા હતા! એ શો બહુ જ હીટ સાબિત થયો. અમારી દોસ્તી ગાઢી થઈ ગઈ. એ પછી મને શાહરૂખ પાસેથી વારંવાર સાંભળવા મળતું: ‘સર, પહેલાં મને પાંચ હજાર લોકો પ્યાર કરતા હતા હવે આ શો પછી પાંચ લાખ કરશે.’

અઢાર વર્ષ પછી ફરી વાર શાહરૂખ ‘આપ કી અદાલત’માં આવ્યા. ત્યારે એ બહુ જ મોટા સુપરસ્ટાર બની ગયા હતા. મેં એમને સવાલ પૂછવાનું શરૂ કર્યું એ પહેલાં એમણે કહ્યું: ‘હું એક વાત કહેવા માગું છું.’

એણે ઑડિયન્સ તરફ ફરીને કહ્યું: ‘મારી જિંદગીનો સૌથી મોટો અને પ્રથમ ઇન્ટરવ્યુ ‘આપ કી અદાલત’માં હતો.’ એ પછી એણે મને કહ્યું: ‘હું તમને થેન્ક યુ કહેવા માગું છું કે તમે મને મોટો સ્ટાર બનાવ્યો!’

મેં કહ્યું: ‘તમારી ફિલ્મોને કારણે…’

તો એમણે કહ્યું: ‘નહીં, સર. એ સમયમાં તમે મને મોટો બનાવ્યો હતો.’

આ શાહરૂખની મહાનતા છે.’


અહીં રજત શર્માની વાત પૂરી થાય છે, પણ એમાંથી સાર તારવવા જેવો છે એ વિશે વાત કરીએ. શાહરૂખ ખાન મુંબઈ આવ્યા ત્યારે એમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. પ્રોડ્યુસર્સ કલાકો સુધી બેસાડી રાખતા હતા અને રાહ જોવડાવ્યા પછી પણ પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર્સ એમને મળે નહીં એવા કિસ્સાઓ પણ બનતા હતા, પરંતુ એવા સમયમાં પણ શાહરૂખ ખાને સપનાં જોવાનું છોડ્યું નહોતું.

સંઘર્ષના એ દિવસોમાં એ મુંબઈના વાંદરા ઉપનગરના બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં જતા અને ત્યાં દરિયાકિનારે બેન્ડ સ્ટેન્ડની પાળીએ બેસીને સામે એક બંગલો જોઈને વિચારતા હતા કે એક દિવસ હું આ ઘર ખરીદી લઈશ અને કેટલાક દાયકા પછી એમણે ખરેખર એ વિશાળ ઘર ખરીદી લીધું અને ત્યાં છ માળનો બંગલો બનાવ્યો. એમનો ‘મન્નત’ બંગલો આજે હવે મુંબઈ ફરવા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્ર સમાન બની ગયો છે.

માણસે સપનાં જોવાનું ન છોડવું જોઈએ. માણસ પાસે બીજું કશું ન હોય ત્યારે પણ એની પાસે આત્મવિશ્વાસ હોય તો એ ગમે તેવા વિકટ સમય-સંજોગમાંથીય પોતાનો રસ્તો કાઢી શકે છે એનો સાક્ષાત પુરાવો શાહરૂખ ખાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને