મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રિતિકાએ શુક્રવાર, 15મી નવેમ્બરે તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. રિતિકાએ પુત્રને જન્મ આપ્યો હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. આ દંપતીને છ વર્ષની પુત્રી છે જેનું નામ સમાઇરા છે.
‘હિટમૅન’ રોહિત દ્વારા આ ગુડ ન્યૂઝની સત્તાવાર જાહેરાત તો નથી કરવામાં આવી, પરંતુ સવાલ એ છે કે રોહિત હવે ઑસ્ટ્રેલિયામાં શુક્રવાર, 22મી નવેમ્બરે શરૂ થતી પ્રથમ ટેસ્ટથી જ રમશે કે નહીં? ઑસ્ટ્રેલિયામાં રમાનારી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં કુલ પાંચ ટેસ્ટ મૅચ રમાવાની છે. જસપ્રીત બુમરાહ ટીમનો વાઇસ કેપ્ટન છે.
Also read: દેવ દિવાળી પર સંજુ સેમસન અને તિલક વર્માની આતશબાજી, ભારતે સાઉથ આફ્રિકા સામે ખડક્યો તોતિંગ સ્કોર…
રિતિકાની ગર્ભાવસ્થાની બાબતને લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી, પણ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝની શરૂઆતથી જ પોતે કદાચ નહીં રમે એવું રોહિતે જાહેર કર્યું ત્યારથી તેની ગેરહાજરી વિશેના સંભવિત કારણ પર ચર્ચા થવા લાગી હતી.
રોહિત અને રિતિકા તેમના પરિવારના નવા સભ્યનું સ્વાગત કરી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ છે કે શું ભારતીય સુકાની પ્રથમ ટેસ્ટમાં ટીમ સાથે જોડાશે? ભારતીય ખેલાડીઓ થોડા દિવસ પહેલાં જ પર્થ પહોંચી ગયા હતા અને ત્યાં તેઓ દરરોજ કલાકો સુધી પ્રેક્ટિસ કરે છે. પ્રથમ ટેસ્ટ પહેલાં હવે ફક્ત પાંચ દિવસ બાકી છે. રોહિતની ગેરહાજરી બદલ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે, કારણકે ટીમના ખેલાડીઓ (વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ) પ્રેક્ટિસ દરમ્યાન નજીવી ઇજા પામ્યા છે.
હવે જોવાનું એ છે કે રોહિત ફરીવાર ડૅડી બન્યો એની ખુશી પરિવાર સાથે શૅર કરવા માટે ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં ન રમવાનું નક્કી કરશે કે પછી ટીમ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો નિર્ણય લેશે? રોહિત જો પહેલી ટેસ્ટથી જ રમવાનું પસંદ કરશે તો બીસીસીઆઈ ઑસ્ટ્રેલિયાની તેની ટૂર સંબંધમાં તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા માટે તૈયાર જ છે, એવું જાણવા મળ્યું છે.
રોહિતે સિરીઝની પહેલી ટેસ્ટ પોતે નહીં રમે એવી થોડા દિવસ અગાઉ જાહેરાત કરી ત્યારે એક વિવાદ થયો હતો. બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે મીડિયામાં એવો મત વ્યક્ત કર્યો હતો કે રોહિત જો સિરીઝની શરૂઆતથી જ ટીમ સાથે ન રહેવાનો હોય તો તેણે આખી શ્રેણી માટેની કેપ્ટન્સી જતી કરવી જોઈએ અને સિરીઝની બાકીની ટેસ્ટમાં માત્ર એક ખેલાડી તરીકે જ રમવું જોઈએ.’
Also read: સૂર્યકુમાર સિરીઝમાં પહેલી વાર ટૉસ જીત્યો, બૅટિંગ પસંદ કરી…
ઑસ્ટ્રેલિયાના બૅટર આરોન ફિન્ચે ગાવસકરની આ ટિપ્પણી સંબંધમાં મીડિયામાં રોહિતની તરફેણમાં કમેન્ટ કરી હતી કે ‘પોતાના પરિવારમાં જો નવા બાળકનું આગમન થવાનું હોય તો પ્લેયરે આનંદની આ ખાસ પળો દરમ્યાન પરિવારની પડખે રહેવાની બાબતને જ પ્રાધાન્ય આપવું જોઈએ.’ રિતિકાએ ત્યારે મીડિયા પરની એક પોસ્ટમાં ફિન્ચની આ કમેન્ટને ‘સેલ્યૂટ’ના ઈમોજી સાથે વધાવી લીધી હતી