કૌશિક મહેતા
ડિયર હની,
બે અહેવાલની વાત કરવી છે અને એમાંથી એક અહેવાલે કવિ ડો.સુરેશ દલાલની બહુ જાણીતી રચના યાદ કરાવી આપી છે. એ છે… કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે, લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી ડોસાને શાને બગાડે ?… ઈત્યાદિ.. ઈત્યાદિ વૃદ્ધાવસ્થામાં દામ્પત્ય જીવન ટકી જાય એ એક ઘટના ગણવી જોઈએ કારણ કે, સમય બદલાય છે એમ ઘણું બધું બદલાય છે. આજે વિશ્વમાં બે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. એક વૃદ્ધાવસ્થામાં છૂટાછેડાના કેસ વધતા જાય છે. 60 70 વર્ષે છૂટાછેડા લેવાતા હોય એવા કિસ્સા સાંભળું છું ત્યારે કેટલાક પ્રશ્નો મનમાં ઊઠે છે. પેલી ફિલ્મના હીરોની જેમ મારે ય તને પ્રશ્ન પૂછવો છે :
हम जब होंगे साठ साल के, और तुम होगी पचपन की, बोलो प्रीत निभाओगी ना, तब भी अपने बचपन की…
શું આવા સવાલ પૂછવા પડે એવી સ્થિતિ આવી ગઈ છે? શું યુવાનીમાં જે દામ્પત્ય જીવનમાં મધુરતા હોય છે એ પાછલી અવસ્થામાં નથી હોતી? આપણે બંને એ અવસ્થામાં પહોચીશું ત્યારે શું આપણા વચ્ચે પ્રેમ નહિ હોય? આવા સવાલ થાય તો જવાબ મળવા જોઈએ, પણ ખબર તો એવા છે કે, વૃદ્ધો એકબીજા સાથે બચેલું જીવન સરસ રીતે વિતાવે એના બદલે ડાઈવોર્સ લે છે, જેને ગ્રે ડાઈવોર્સ કહેવામાં આવે છે કે પછી કોઈક એને ડાયમંડ ડિવોર્સ પણ કહે છે. એનાં કારણ ઘણાં બધાં છે.એક તો બંને વચ્ચે કોમ્યુનિકેશન ગેપ વધે છે. પુરુષ નિવૃત્ત થાય છે એટલે આર્થિક સમસ્યાઓ શરૂ થાય છે. બીમારીઓ પણ એમાં ભાગ ભજવે છે.
બીજી બાજુ, બ્રિટન, નેધરલેંડ, અમેરિકા અને કેનેડામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યાં વૃદ્ધો એકબીજાથી થોડા અલગ રહે છે. અને એકબીજાને સ્પેસ આપે છે અને એનાથી એકબીજા વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બને છે. સાથે રહે તો નાના નાના ઝગડા થાય છે
અને એમાંથી ક્યારેક વાત વધી પડે છે. ક્યારેક કોઈ મુદ્દે મતભેદો થાય છે અને સબંધમાં પેચ પડે છે. આવું ના થાય એ માટે દંપતી એકબીજાથી થોડા અલગ રહે છે. એ છૂટાછેડા નથી લેતા. પણ આ રીતે જુદા રહેવાથી સબંધોમાં ખટાશ આવી જાય તો? અને જુદાઈ લંબાતી જાય તો શું? આવા પ્રશ્નોના જવાબ મળતા નથી.
એ વાત સાચી કે, દંપતીમાં એકબીજાને પોતાની સ્પેસ મળે એ જરૂરી હોય છે, પણ એ થોડા અલગ રહેવાથી જ મળે એવું કઈ રીતે નક્કી થાય? શું સાથે રહીને એકબીજાને સ્પેસ ના આપી શકાય? સાથે રહીને એકબીજાના મતને સન્માન ના આપી શકાય? હા, ક્યારેક સંતાનોના પ્રશ્નોમાંથી દંપતીમાં કલેશ ઉત્પન્ન થાય છે, પણ તારા ને મારા વચ્ચે એવી કોઈ ક્ષણ નહિ આવે એવો મને વિશ્વાસ છે. તને પણ હશે જ.અરે, પુરુષ નિવૃત્ત થાય પછી તો પત્નીને વધુ સમય આપી શકે છે. જે પળો જીવનમાં જીવાની ઇચ્છાઓ હતી અને નહોતી જીવાઈ એ જીવવાની તક પાછલી ઉંમરે મળે છે. ‘નટસમ્રાટ’માં સિદ્ધાર્થ રાન્દેરિયાનો એક સીન મને યાદ આવે છે. એ પત્નીને ‘સરકાર’ કહે છે. પોતાનું ઘર અને પૈસા એ સંતાનોમાં વહેચી દે છે ત્યારે મિત્રની પત્ની પૂછે છે કે,‘ તમારી પત્ની માટે શું?’ત્યારે રાંદેરિયા કહે છે, ‘આ સવાલ બહુ સરસ કર્યો. સરકાર માટે શું? હવે મારો બધો સમય સરકાર માટે…!’મને એક ઉદ્યોગપતિ મિત્રની વાત યાદ આવે છે, એમણે કહેલું કે, બિઝનેસની ભાગદોડમાં વચ્ચે એવાં ઘણાં બધાં સ્ટેશન આવતાં હતાં કે જ્યાં થોભવું હતું, થોડું રોકાવું હતું, પણ ના રોકાઈ શક્યો. છોકરાઓને ધંધો સોંપી પેલા છૂટી ગયેલાં સ્થળોએ જવું છે. થોડો સમય વિતાવવો છે.
આ જ વાત દંપતીને લાગુ પડે છે. આ કરવું હતું અને તે કરવું હતું …એવી વાતો થાય છે આપણી વચ્ચે. પણ ક્યારેક સમયના અભાવે એ થઇ શકતું નથી. એ બધું પાછલી અવસ્થામાં કરવું છે. આ માટે આપણે એકબીજાને વચન આપીએ બાકી છૂટાછેડાનાં હેવાલ કે થોડા અલગ રહી સબંધોમાં વધુ નીજપણું લાવવાની વાત આપણા ગળે ઊતરતી નથી.આપણે તો વૃદ્ધાવસ્થામાં સુરેશ દલાલની ઉપરોકત ટાંકી એ કવિતા યાદ કરવી છે અને એકબીજાની સારસંભાળ રાખી જીવન વિતાવવું છે. તું મારી વાતમાં સહમત છે એની મને ખાતરી છે.
તારો બન્ની
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને