જતીનકુમારનું નામ આપીને એમણે ગુનો કર્યો છે એ પુરવાર કરવું બહુ જ સરળ હતું… પણ ના, હું અહીં મારા જિગરી મિત્રના દુશ્મનને શોધવા આવ્યો છું…
કિરણ રાયવડેરા
‘પૂજા, તને ખૂનીનો ચહેરો દેખાયો હતો…?’
પૂજા મૌન રહી.
‘તને ચહેરો દેખાયો એટલે તું જગ્ગેના રૂમમાં પુરાવાનો નાશ કરવા આવી? રાઈટ?’
પૂજાની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
‘બહેન, કબીર અંકલ શું કહે છે?’ જય અકળાઈ ગયો.
‘પૂજા, આઈ એમ સોરી, મને નામ જાહેર કરવું ગમતું નથી, પણ જગમોહન અને એના પરિવાર તરફ મારી જવાબદારી છે કે…’
બધાં શ્ર્વાસ રોકીને કબીરની વાત સાંભળી રહ્યાં.
અચાનક પૂજા ઊભી થઈ.હાથ જોડીને એ બોલી ઊઠી :
‘પ્લીઝ અંકલ, પ્લીઝ ડોન્ટ…’
કબીરે ઝડપથી એક વાર પૂજા તરફ દોડાવી પછી ધીર-ગંભીર સ્વરે ઉમેર્યું :
‘જગમોહન પર ખૂન કરવાનો પ્રયાસ પૂજા અને જયના પિતા વિનાયકભાઈએ કર્યો હતો..!’
કબીરના એ શબ્દોએ જાણે વિસ્ફોટ સર્જ્યો.
એ શાબ્દીક વિસ્ફોટના પ્રચંડ અવાજે જાણે દરેકની વાચા હરી લીધી …. કબીરે કરેલા વિધાનનો અર્થ ધીરે ધીરે બધાને સમજાતો હતો :
વિનાયકભાઈ?
પૂજા-જયના પપ્પાવિક્રમના સસરા અને ખુદ જગમોહન દીવાનના વેવાઈ.
-પણ એ શા માટે આવું કરે ?
દરેકના મનમાં આ જ એક પ્રશ્ર્ન ઘુમરાતો હતો.
‘કબીર અંકલ,’ જય ઊભો થયો:
‘તમે એક જવાબદાર વ્યક્તિ છો. મારા પપ્પા વિશે આવા બિનજવાબદાર આક્ષેપો ન કરવા જોઈએ. ઈટ ઈઝ વેરી ઇન્સલ્ટિંગ ઍન્ડ હર્ટિંગ…’
જયના સ્વરમાં લાચારી હતી-વિવશતા હતી- વિરોધ હતો, પણ આક્રમકતા નહોતી.
‘હું સમજું છું જય, બિલિવ મી, મારે જે આજે કરવું પડ્યું છે એના માટે હું પોતાની જાતને માફ નહીં કરી શકું… પણ કમનસીબે મારો આક્ષેપ ખોટો નથી. તમારા પપ્પાએ એટલે કે વિનાયકભાઈ રાઠોડે જગમોહન દીવાન વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું હતું.’ જય અને પૂજા તરફ સહાનુભૂતિ સાથે જોઈને કબીર બોલ્યો.
‘પણ શા માટે, કબીર અંકલ? મારા સસરા પપ્પાનું ખૂન શા માટે કરવા ઇચ્છે? એમને તો કોઈ પ્રકારની દુશ્મનાવટ નહોતી. બંનેના બિઝનેસ જુદા હતા એટલે ધંધાકીય સ્પર્ધાને કારણે પણ બંને વચ્ચે શત્રુતા ઊભી થાય એવી કોઈ શક્યતા નહોતી અને અંકલ, મારા સસરા છે એટલે બચાવ નથી કરતો પણ સાચે જ વિનાયકભાઈ એક ખૂબ ભલા ઇન્સાન છે.’
વિક્રમે સસરા વતી જુસ્સેદાર દલીલ તો કરી, પણ અંદરખાને એ જાણતો હતો કે કબીર અંકલ જેવી જવાબદાર વ્યક્તિ કોઈનું નામ સમજી વિચારીને જ આપે.
‘વિક્રમ, તારી દલીલમાં તથ્ય છે અને તર્ક પણ છે, પણ અફસોસ એ વાતનો છે કે આ હત્યાની કોશિશ વિનાયકભાઈએ જ કરાવી હતી. એમણે જ પ્રોફેશનલ માણસોને રોક્યા હતા. સદનસીબે જગમોહનને ખરે ટાંકણે ગાયત્રી ભટકાઈ ગઈ ને પછી તો વિનાયકભાઈની બાજી જ ઊંધી પડતી ગઈ.’ કબીર કહેતો ગયો.
‘કબીરભાઈ, મારી એક રિકવેસ્ટ માનશો?’ પ્રભા બોલી ઊઠી. એવું લાગતું હતું જાણે એ હમણાં જ રડી પડશે :
‘એવું ન બની શકે કે તમારી કોઈ મોટી ભૂલ થતી હોય? કેમ કે હું વિનાયકભાઈને ઓળખું છું. એ કદી આવું કામ કરે જ નહીં…’
‘પ્રભાભાભી,હું તમારાં બધાંની લાગણી સમજું છું.’ કબીરે જવાબ આપ્યો :
‘પૂજાને આ રીતે રડતી જોવી મને પણ નથી ગમતું. જય સાથે મારે શું દુશ્મનાવટ હોઈ શકે… અને મઝાની વાત તો એ છે કે મેં વિનાયકભાઈને હજી સુધી જોયા પણ નથી… તો હું શા માટે બીજા કોઈનું નહીં અને વિનાયકભાઈનું જ નામ આપું?’
જતીનકુમાર કોઈ સાંભળે નહીં એ રીતે ગણગણવા લાગ્યા, નાયક નહીં, વિનાયક હૂં મેં…’ રેવતીએ આંખ કાઢીને એમને ચૂપ કરી દીધા.
‘જતીનકુમારનું નામ આપીને એમણે ગુનો કર્યો છે એ પુરવાર કરવું બહુ જ સરળ હતું… પણ ના, હું અહીં મારા જિગરી મિત્ર જગમોહનના દુશ્મનને શોધવા આવ્યો છું. જગ્ગે પર વારંવાર થતા હુમલા જોઈને હું સમજી ગયો હતો કે આ કોઈ જાણભેદુનું જ કામ છે. જોકે ત્યારે તો મને કલ્પના પણ નહોતી કે વિનાયકભાઈ આ કેસમાં સંડોવાયેલા હશે.’
‘પણ મારા પપ્પા તો નાગપુરમાં રહે છે. ત્યાં બેસીને એ અહીં કોઈનું મર્ડર કેવી રીતે કરાવી શકે?’ જયે તર્ક રજૂ કર્યો.
‘જય, દુબઈમાં બેસીને અહીં કોઈનું ખૂન કરાવી શકાય છે તો નાગપુર બહુ દૂર ન ગણાય. આમ છતાંય એક સ્પષ્ટતા કરી દઉં… જય, તેં છેલ્લે ફોન કર્યો ત્યારે તારા પપ્પા નાગપુરમાં હતા?’ કબીરે પ્રતિપ્રશ્ર્ન કર્યો.
‘ના, મમ્મીએ કહ્યું કે પપ્પા અમરાવતી ગયા છે, બે-ત્રણ દિવસ બાદ આવશે… પપ્પાને ધંધાર્થે અમરાવતી જવાનું અવારનવાર થતું…’ જયે નિર્દોષભાવે કહ્યું.
‘મેં પણ ઇન્કવાયરી કરાવી ત્યારે મને પણ એમ જ કહેવામાં આવ્યું હતું કે વિનાયકભાઈ અમરાવતી ગયા છે પછી મેં અમરાવતી પણ તપાસ કરાવી લીધી છે. અમરાવતીમાં એમની દરેક પાર્ટીને ફોન કરી પૂછી લીધું છે. એમના કહેવા પ્રમાણે વિનાયકભાઈ છેલ્લા બે મહિનાથી અમરાવતી આવ્યા જ નથી.’ જય સામે જોઈને કબીરે કહ્યું.
‘તો… પપ્પા ક્યાં જતા હતા?’ જય ઢીલો પડી ગયો.
‘પપ્પા કોલકાતા આવતા-જતા હતા. જ્યારે જ્યારે કોલકાતા આવતા ત્યારે હાવડાના નટરાઝ ગેસ્ટ હઉસ’ માં ઊતરતા. હોટલના રેકોર્ડ્સ તપાસતા જાણવા મળ્યું છે કે છેલ્લા બે મહિનામાં વિનાયકભાઈ ૬-૭ વખત કોલકાતા આવી ચૂક્યા છે.’
જય ચૂપ રહ્યો.
‘આઈ એમ સોરી, જય એન્ડ પૂજા, તમને આ સાંભળવું નહીં ગમે, પણ મારે કહેવી પડશે કે કોલકાતામાં વિનાયકભાઈએ બબલુનો સંપર્ક સાધ્યો. એ બબલુને ઓળખતા નહીં, પણ નાગપુરના કોઈ અંડરવર્લ્ડના માણસે બબલુ સાથે એમની ઓળખાણ કરાવી દીધી હતી, પણ વિધિનું ચક્કર જો, જે દિવસે સવારે જગમોહનનું ખૂન થવાનું હતું એ દિવસે જગ્ગે ઑફિસ ગયો જ નહોતો.’
બધાં એકાગ્રતાથી સાંભળતાં હતાં.વચ્ચે વચ્ચે પૂજાનાં હીબકાં સંભળાતાં હતા….
‘જગમોહનની ડાયરી વાંચતા મને ખબર પડી કે જે દિવસે સવારે જગમોહનનું ખૂન થવાનું હતું એની આગલી રાતે જ જગમોહને આત્મહત્યા કરવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. એ રાતના ચાર વાગ્યે મેં જગમોહનને ફોન પણ કર્યો હતો, બહુ દિવસથી વાત નહોતી થઈ એટલે વાત કરવાની મને ઇચ્છા થઈ આવી ત્યારે મેં મજાકમાં જગ્ગેને પૂછેલું:
‘દોસ્ત, આટલી મોડી રાતે હત્યા કે આત્મહત્યાના પ્લાન નથી બનાવતો ને..?.’ મને શું ખબર કે મારા મિત્રએ સાચે જ એનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ લીધો હતો.’
પ્રભાની આંખમાં આંસુ ધસી આવ્યાં હતાં. વિક્રમ-કરણ પણ ભાવુક થઈ ગયા હતા.
‘જગમોહને ડાયરીમાં સ્યુસાઇડ નોટ લખી. સાથે સાથે મારા પર એક પત્ર પણ લખ્યો. એ સ્યુસાઈડ નોટ એક હારેલા માણસની નહોતી. એક ખૂબ જ સફળ પણ સંવેદનશીલ માણસને પોતાના જ આપ્તજનો પાસેથી અપેક્ષિત સહકાર અને પ્રેમ ન મળે ત્યારે થાય એવી નિરાશાથી અને હતાશાથી એ પત્ર લખાયો હતો….. જગમોહનને એમ લાગવા માંડ્યું હતું કે એની જિંદગીમાં હવે કોઈ હેતુ રહ્યો નથી, જીવવાનું કોઈ કારણ બચ્યું નથી. એટલે એ સ્વેચ્છાએ મરવા નીકળી પડ્યો હતો.’
કબીરે ખોંખારો ખાઈને ફરી વાતનું અનુસંધાન મેળવ્યું:
‘એણે સવારના મેટ્રો સ્ટેશન પર જઈને પાટા પર પડતું મૂકવાનો વિચાર કર્યો. એ જ સમયે જગમોહનની ઑસિરની બહાર બબલુના માણસો બાબુ અને ઈરફાન એના શિકારની રાહ જોઈને બેઠા હતા. મને એવું લાગે છે કે વિનાયકભાઈ કોઈ કારણસર જગ્ગેનું અપહરણ કરાવવા ઇચ્છતા હતા. અપહરણ કર્યા બાદ એમનો ઇરાદો સ્પષ્ટ હતો…બે-ત્રણ કરોડની ખંડણી વસૂલ કરી એ જગમોહનનું મર્ડર કરાવવા માગતા હતા.’
‘વ્હોટ નોનસેન્સ, મારા પપ્પા કદી આવું વિચારે જ નહીં.’ પૂજા ઊભી થઈ ગઈ. એનું શરીર ધ્રૂજતું હતું.
‘સારું થયું પૂજા, તું સામે ચાલીને આ દલીલ લઈને મારી સાથે આ વાત કરવા આવી. ….પૂજા, હવે મને સાચું કહેજે, તને છેલ્લા બે-ત્રણ દિવસથી તંદ્રાવસ્થામાં તારા પપ્પાનો ચહેરો દેખાતો હતો કે નહીં?’
પૂજા નીચું જોઈ ગઈ.
‘પૂજા, તારે ક્ષોભ કે નાનપ અનુભવવાની જરૂર નથી. મને ખાતરી હતી કે તને ખૂનીનો ચહેરો દેખાઈ જશે. તને જ્યારે તારા પપ્પાનો ચહેરો દેખાયો કે તું ગભરાઈ ગઈ. તને વિશ્ર્વાસ નહોતો બેસતો પણ તું કોઈ ચાન્સ લેવા નહોતી માગતી એટલે તેં જગમોહનના એટલે કે તારા સસરાના રૂમમાં જઈને પુરાવા દૂર કરવાની કોશિશ કરી, રાઈટ?’
કબીરના પ્રશ્ર્નમાં રહેલી ધાર પૂજાના હૃદયમાં ચીરો પાડી ગઈ.
‘અંકલ, મારા પપ્પાનો ચહેરો મને દેખાય એનો અર્થ એ નથી કે એમણે જ ખૂન કરાવવાની કોશિશ કરી છે.’
‘રાઈટ યુ આર…. તારી વાત તદ્દન સાચી છે. તને કોઈનો ચહેરો દેખાય એનો અર્થ એ નથી કે એ વ્યક્તિ ખૂની છે કે એ કોઈની હત્યા માટે પ્રયાસ કરી રહી છે…. પણ પૂજા, મને અફસોસ એ વાતનો છે કે તમામ પુરાવા તારા પપ્પાની વિરુદ્ધ જાય છે અને…? કબીર અટકી ગયો.
-અને કેમ અટકી ગયા, અંકલ…?’ પૂજાને ધ્રાસકો પડ્યો.
-અને વિનાયકભાઈએ ખુદ પોતાનો ગુનો કબૂલી લીધો છે…! ’ કબીરને અનિચ્છાએ કહેવું પડ્યું. પછી ઉમેર્યું :
‘એક દીકરી સમક્ષ એનો બાપ ગુનેગાર છે-ખૂની છે એ કહેવું ખૂબ પીડાદાયક છે. પૂજા, તારા પપ્પા અહીં કોલકાતામાં જ છે…’
પૂજા ચૂપ રહી, પણ જય ઉશ્કેરાઈ ગયો:
‘શું એલફેલ ફેંકો છો, અંકલ, મારા પપ્પા કોલકાતામાં છે જ નહીં… એમણે તો ઊલટું મને કહ્યું કે જરૂર પડે તો વેવાઈની તબિયત જોવા એ કોલકાતા આવી શકે છે.’
‘યસ જય, એ તને કંઈ કહેવા ઇચ્છતા નહોતા. મોબાઈલ ફોન રોમિંગ હોય તો તને કેવી રીતે ખબર પડે કે વ્યક્તિ કયા શહેરથી બોલે છે?’
જય માથું પકડીને બેસી ગયો.
‘જગમોહનની ઑફિસની બહાર બાબુ અને ઈરફાન કલાકો સુધી ઊભા રહ્યા….’ કબીરે વાત આગળ વધારી :
‘એ દિવસે જગમોહન ઑફિસે ન પહોંચતાં બાબુએ પેલા બબલુનો સંપર્ક કર્યો. એ વખતે વિનાયકભાઈ હાવડાના નટરાજ ગેસ્ટ હાઉસ’માં પોતાના રૂમમાં જ હતા. બબલુએ એમને પોતાના મોબાઈલથી ફોન કર્યો અને હવે શું કરવું એ પૂછયું. હોટલ ફોનના પ્રિન્ટઆઉટ્સ તપાસતાં એ પુરવાર થઈ ચૂક્યું છે કે બબલુ અવારનવાર હોટલ પર ફોન કરીને વિનાયકભાઈ સાથે વાત કરતો…’
કબીરે દરેકના ચહેરા સામે જોયું. દરેકના ચહેરા પર આઘાત અને પીડા હતી.
‘વિનાયકભાઈએ બબલુને કહ્યું કે જગમોહન ઘરથી ઑફિસ જવા નીકળ્યો છે, પણ હજી ઑફિસે પહોંચ્યો નથી. બાબુ અને ઈરફાને બપોર સુધી ઑફિસની બહાર રાહ જોઈ ને પછી જગમોહનના કિડનેપિંગનો પ્લાન બીજા દિવસ સુધી મુલવતી રાખી ત્યાંથી ચાલતી પકડી, પણ એ સાંજના…’
કબીર વાક્ય પૂરું કરે એ પહેલાં ગાયત્રી બોલી ઊઠી:
‘અંકલ, એ સાંજના ઇન્ડિયન મ્યુઝિયમની ફૂટપાથ પર અમે ચાલતાં હતાં ત્યારે ઈરફાને અમને એમ ચિઠ્ઠી આપી હતી, જેમાં લખ્યું હતું કે કરણનું કોઈએ અપહરણ કર્યું છે અને ચિઠ્ઠી લખનાર અમને મદદ કરી શકે તેમ છે…. કરણનું નામ પડતાં કાકુ પીગળી ગયા અને અમે એ માણસની મારૂતિ વાનમાં બેસી ગયાં. એ આખી રાત અમને કોઈ અડ્ડામાં રાખવામાં આવેલાં. એ તો ભલું થજો ઇન્સ્પેક્ટર પરમારનું કે કાકુએ એમને ફોન કર્યો અને એમણે પેલા અડ્ડા પર રેડ પાડીને અમને બચાવ્યાં.’
‘હા, એ જ ઇન્સ્પેક્ટર પરમારને જ્યારે ખબર પડી કે જગમોહન પર કોઈએ ગોળીબાર કર્યો છે ત્યારે એણે મારો કોન્ટેક્ટ કર્યો અને આ કેસ પર મારી સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી. આ ઇન્સ્પેક્ટર પરમાર જ બધી વાતથી મને વાકેફ કરતો હતો…. હમણાં થોડી વારમાં ઇન્સ્પેક્ટર વિનાયકભાઈને લઈને અહીં આવી પહોંચશે…’
પૂજા અને જયે એક આંચકા સાથે ઉપર જોયું :
‘અંકલ, પ્લીઝ પપ્પાને અહીં નહીં લાવતા’ પૂજા બોલી.
એની વિનંતીને અવગણીને કબીરે વાત ચાલુ રાખી :
‘હવે બે મહત્ત્વની વાતનો ખુલાસો કરવાનો રહી જાય છે. એક તો વિનાયકભાઈ રાતોરાત જગ્ગેના દુશ્મન શા માટે બની બેઠા? બીજું, એમણે જગમોહન પર ઍટેક કેવી રીતે કર્યો? ગાયત્રી, મારા ટેબલ પર જગમોહનની ડાયરી પડી છે એ લાવ તો…’
ગાયત્રી ઊભી થઈને ડાયરી લઈ આવી.
‘રાતના કિડનેપર્સના અડ્ડામાંથી છૂટ્યા બાદ ગાયત્રીના ઘરમાં જગમોહન રોકાઈ ગયો, પણ ત્યાં પણ બબલુએ એમનો પીછો ન છોડ્યો. ગાયત્રીના ઘર પર પણ એણે હુમલો કરાવ્યો. આ બાજુ ઈરફાન અને બાબુ પોલીસ લોકઅપમાંથી છટકી ગયા અને સીધા ગાયત્રીના ઘરે પહોંચ્યા. આ બિચારી છોકરીનું ઘર રણમેદાન થઈ ગયું.’
ગાયત્રી નીચું જોઈ ગઈ. એની આંખ સામે બબલુ અને બાબુની લાશ તરવરી ઊઠી.
‘બાબુ અને બબલુ ગાયત્રીના ઘરમાં જ માર્યા ગયા. ઈરફાન ફરી પોલીસ કસ્ટડીમાં ધકેલાઈ ગયો…. હવે વિનાયકભાઈ પાસે કોઈ ઉપાય નહોતો. એ મરણિયા થયા હતા. કોઈ પ્રોફેશનલ કિલરને સુપારી આપવા કરતાં આ વખતે એમણે ખુદ કામ પાર પાડવાનું નક્કી કર્યું…’
કબીર બોલતાં બોલતાં થોભી ગયો બધાની પ્રતિક્રિયા જેવા…પછી એણે ઉમેર્યું :
‘પણ અહીં કહાની મેં ટિવસ્ટ આવે છે….’
(ક્રમશ:)