વેર- વિખેર -પ્રકરણ -૯૮

1 hour ago 1


કિરણ રાયવડેરા

તારા પપ્પા પર કોઈએ ઍટેક કર્યો હોય તો એ જીવશે કે નહીં એ પ્રશ્ર્ન તો બિલકુલ વ્યવહારુ ગણાય… કરણ, તું હજી ઈમોશનલ ફુલ જ રહ્યો…!

‘હું તમને બધાને એક એક કાપલી આપું છું. તમને જેના પર શક હોય એનું નામ એ ચિઠ્ઠી પર લખવાનું…. બોલો, મંજૂર છે?’ કબીરે પૂછયું.

‘આ રમતથી શું ફાયદો થશે?’ વિક્રમે પૂછયું.

‘મારે એ જાણવું છે કે તમારા અને મારા અનુમાન વચ્ચે કેટલો ફરક છે, બીજું, હું તમને ગમે તેટલી વાર પૂછીશ, તમે લોકો તમારા વિચારો રજૂ કરતાં સંકોચ અનુભવશો. અહી તમારે કાપલી પર તમારું નામ લખવાનું નથી કે નથી તમારી સહી કરવાની. ફકત જેના પર તમને શંકા હોય એનું નામ લખવાનું… ઓ.કે?’

જમાઈબાબુએ એમની આદત મુજબ થોડી આનાકાની કરી, પણ કબીરે બધાંના હાથમાં એક એક કોરા કાગળની સ્લીપ મૂકી દીધી.

દરેક જણે સ્લીપ પર એક એક નામ લખી લીધું. ક્બીરે બધા પાસેથી એ સ્લીપ લીધી અને એના પર ઝડપથી નજર ફેરવી લઈને પછી ગળું ખંખેરીને બોલવાની શરુઆત કરી:
‘સાંભળો,આપણા આ સર્વેનું પરિણામ
શું છે?’

કબીર હજુ કંઈ આગળ બોલે એ પહેલાં જ એનો મોબાઈલ રણકી ઊઠ્યો :
‘મિસ્ટર કબીર લાલ, ડો. કરમાકર હિયર.. જગમોહન દીવાન ભાનમાં આવી રહ્યા છે…એ તમને એમના પર ગોળી ચલાવનારા વિશે ક્ંઈ માહિતી આપવા ઈચ્છે છે !’
*
જગમોહન દીવાન કોનું નામ આપશે? કબીર વિચારતો હતો :
જગ્ગેએ સાચે જ હત્યારાનો ચહેરો જોયો હશે? જો એણે ખૂનીને ઓળખી લીધો હોય તો ડોક્ટર કરમાકરને નામ ન પણ આપે…બની શકે કે એ વ્યક્તિ કોઈ અંગત હોય , જેનું નામ જાહેર કરતાં જગ્ગે અચકાતો હોય?

‘અંકલ, અમે બધાં આવીએ?’ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ કરણે પૂછ્યું હતું.

‘ના, હું અને વિક્રમ જઈએ છીએ…’ કબીરે મક્ક્કમતાથી ના પાડી દીધી.

‘સાહેબ, અમને પણ નામ જાણવાની ઇંતેજારી છે !’ જતીનકુમાર બોલ્યા.

‘અને એ નામ તમારું નીકળે તો?’ કબીરે હસીને પૂછ્યું.

‘તો મને કોઈ રસ નથી. મને ખબર છે બધાં જે રીતે મારી પાછળ પડ્યાં છે એ જોતાં તો તમે ભેગાં મળીને મારી ગેમ કરી નાખો તો નવાઈ નહીં.’
‘કબીર અંકલ, હું આવું છું.’ ગાયત્રીને ઊભા થતાં કહ્યું.

‘હા, હા.’ જતીનકુમારે છણકો કર્યો: ‘તારે તો જવું જ જોઈએ. તને તો લોકો ખૂન કરતાં જુએ તો પણ તારું નામ ક્યાંય ન સંડોવાય. વાહ, શું ઇજ્જત છે…!’
‘જતીનકુમાર’, કબીરે દરમિયાનગીરી કરી: આપણી આબરૂ આપણી મુઠ્ઠીમાં જ હોય. ગાયત્રીએ સાચવી રાખી, જ્યારે…’

‘હા, હા, સમજી ગયો. તમતમારે ઊપડો. મારા વિરુદ્ધ ફેંસલો આવે ત્યારે કહી દેજો મને કેટલાં વરસની સજા કરો છો કે પછી શૂળીએ ચડાવો છો…’
જતીનકુમાર મોઢું ઢીલું કરીને બેસી ગયા.

કબીર, વિક્રમ અને ગાયત્રી હસતાં હસતાં બહાર નીકળી ગયાં. રસ્તામાં કબીર વિચારતો હતો-જગ્ગે કોનું નામ આપશે?

એ ત્રણેય હોસ્પિટલ પહોંચ્યાં ત્યારે રાતના સાડા અગિયાર થઈ ગયા હતા. ડો. કરમાકર કોરિડોરમાં જ મળી ગયા.

‘તમે સહેજ મોડા પડ્યા…’ ડોક્ટરની વાત સાંભળીને બધાંના મનમાં ધ્રાસ્કો પડ્યો.

‘શું થયું ડોક્ટર?’ વિક્રમે પૂછ્યું.

ડોક્ટર ત્રણેને પોતાની કેબિનમાં લઈ ગયા.

‘નર્સ મરિનાએ જ્યારે મને ખબર આપ્યા કે મિ. દીવાનને ધીરે ધીરે હોશ આવે છે ત્યારે હું દોડ્યો.’ ડોક્ટરે વાત શરૂ કરી
‘મિ. દીવાનને આંખ ખોલતાં કષ્ટ પડતું હતું અને એમના મોઢામાંથી અસ્પષ્ટ શબ્દો સંભળાતા હતા. મેં પૂછ્યું કહો શું કહેવા માગો છો? ત્યારે એમણે મહામહેનતે કહ્યું: કબીરને બોલાવો.’
‘પછી…’ માંડીને વાર્તા કરનારાઓ પર કબીરને સખત ચીડ હતી.

‘મેં કહ્યું તમારે જે કહેવું હોય તે તમે મને નિ:સંકોચ કહી શકો છો. તમે હુમલાખોર વિશે કંઈ કહેવા માગો છો? ત્યારે એમણે ફરી એ જ કહ્ય્ં : ’ હું ફક્ત કબીરને જ કહીશ…’
‘તો ચાલો ડોક્ટર, ડોન્ટ વેસ્ટ ટાઈમ હિયર’ કબીરના અવાજમાં નારાજગી પ્રગટ થતી હતી.

‘સોરી, મિ. કબીર લાલ, તમને ફોન કર્યા બાદ મેં આવીને જોયું તો મિ. દીવાન ફરી બેહોશીમાં સરી પડ્યા હતા.’

‘બેવકૂફ…’ કબીર બબડ્યો. આ ડોક્ટરે તો ભૂમિકા બાંધીને આટલો સમય વેડફી નાખ્યો.

કબીર ઊભો થઈ ગયો. સાથે વિક્રમ અને ગાયત્રીએ પણ અનુસરણ કર્યું.

‘કોઈ ખબર હો તો કહેજો…’ કહીને કબીર બહાર નીકળી ગયો.

‘શ્યોર,’ ડોક્ટર કરમાકરની આંખમાં એક વિચિત્ર ચમક હતી કે પછી આટલાં વરસો પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગાળવાને કારણે દરેક જણ પર શંકા કરવાની એની આદત પડી ગઈ છે? કબીર સમજી ન શક્યો.

‘જો હું ગુસ્સામાં આવીને કોઈની સાથે ગેરવર્તણૂક કરી બેસું તો મને વારજે.’ કબીરે ગાયત્રીને કહ્યું.

ગાયત્રી હસી પડી. ‘અંકલ, આપણે વધુ પડતી અપેક્ષા લઈને આવ્યાં હતાં એટલે કદાચ વધુ આઘાત લાગ્યો છે…’ ગાયત્રીએ પોતાનો તર્ક રજૂ કર્યો.

‘હશે, પણ આ રીતે દિવસમાં બે-ત્રણ વાર હોસ્પિટલ દોડવું પડશે તો મારે અહીં જ ભરતી થઈ જવું પડશે… હોસ્પિટલમાં આવું છું તો બીમારી દેખાય છે અને ઘરમાં જતીનકુમાર દેખાય છે.’ કબીર હજી ગુસ્સામાં હતો.

જગમોહનની કેબિન તરફ કબીરને જતાં જોઈને વિક્રમ અને ગાયત્રી પણ પ્રશ્ર્ન પૂછ્યા વિના એની પાછળ પાછળ ચાલવા માંડ્યા.

કેબિનની બહાર સિક્યુરિટી ઑફિસરે કહ્યું: ‘પેશન્ટ કો ચોથે મજલે પર કોઈ ટેસ્ટ કે લીએ લે ગયે હેં…’ કબીરને એની સૂચના યાદ આવી અને ત્રણે ય ચોથે માળે જગમોહનની કેબિન પાસે આવ્યા.

ત્રણે બહારથી જગમોહનને આઈ.સી.યુ.ના બેડ પર પરવશ સૂતેલો જોઈ રહ્યા. ટ્યુબનાં ગૂંચળાં, નીડલ અને ઑક્સિજન માસ્ક વચ્ચે જગમોહન દીવાન જેવા સમર્થ અને સફળ ઉદ્યોગપતિને ઘેરાયેલો જોઈને ત્રણેનું હૃદય દ્રવી ઊઠ્યું.

‘ગાયત્રી, વિક્રમ, તમે ડોક્ટર કરમાકરના રિપોર્ટમાં એક વાત નોંધી?’ કબીરે પૂછ્યું.

‘યસ, અંકલ,’ ગાયત્રી બોલી: કાકુ પર હુમલો કરનાર માણસ કોઈ સ્વજન જ હોવો જોઈએ અને એટલે જ કાકુએ ડોક્ટરને એનું નામ ન આપ્યું.’

‘ગુડ ગાયત્રી, તું પોલીસ ફોર્સ જોઈન કરી લે તો એક ઉત્તમ ઑફિસર બની શકે.’ કબીરે એને બિરદાવી.

‘ના, અંકલ, મારે પોલીસમાં નથી જોડાવું. હું તો સાયકાયટ્રિસ્ટ બનવા માગું છું. પોલીસ તો ગુનેગારને પકડે અને એને સજા અપાવે જ્યારે મને એ ગુનેગારના મગજનો અભ્યાસ કરીને એની ગુનેગારીના મૂળને ડામીને એને સાચે માર્ગે વાળવામાં રસ છે… અંકલ…’

ત્યાં કોરિડોરમાં જ જય ભટકાઈ ગયો.

‘આ ડોક્ટર કરમાકરને કંઈ પૂછું તો સીધા મોઢે વાત પણ નથી કરતો.’ જયે ફરિયાદ કરી.

કબીરે હસીને એના ખભે હાથ રાખીને કહ્યું: ‘તું અમારી સાથે ઘરે ચાલ. અહીં રોકાવાનું કોઈ કારણ નથી.’

જયના મોઢામાંથી નીકળેલો અસ્પષ્ટ હાયકારો દરેકે સાંભળ્યો. ગાયત્રીને જય પર દયા આવી ગઈ. પોતાની સમસ્યાને કોરાણે મૂકીને બિચારાએ કેવી અણધારી આફતમાં ફસાઈ જવું પડ્યું છે.
ચારે ગાડીમાં ગોઠવાયાં અને જાદવે ગાડી સ્ટાર્ટ કરી.

ત્યારે ખૂણામાં ઊભેલા એક માણસે સેલમાં ધીમેથી કહ્યું:
‘હવે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ્સ સિવાય કોઈ નથી…’
*
બીજે દિવસે સવારના બધાં ડાઇનિંગ ટેબલ પર સવારના નવ વાગ્યે મળ્યાં હતાં. વાસ્તવમાં, આગલી રાતે હોસ્પિટલથી પાછા ફરતાં રાતના ત્રણ વાગી ગયા હતા. ત્યારે જતીનકુમાર દાઢમાં બોલ્યા હતા- ચાલો પાછા મિટિંગમાં બેસી જઈએ.’

‘ના, આજે મોડું થઈ ગયું છે. કાલે સવારના નવ વાગ્યે બ્રેક ફાસ્ટ પર મળશું.’

‘હવે કાપલીમાં કોનું નામ હતું એ તો જણાવી દો…’ જતીનકુમારે આગ્રહ કર્યો.

‘બધી કાપલીમાં તમારું જ નામ હતું.’ કબીરે ચિડાઈને કહ્યું.

‘ખોટ્ટાડો.’ જતીનકુમાર ગણગણ્યા, મારી કાપલીમાં તો મેં મારું નામ ન જ લખ્યું હોય ને…’ પછી મોટેથી ઉમેરતાં કહ્યું: ન કહેવું હોય તો ના પાડી દો, પણ ખોટું શા માટે બોલો છો…’
‘કાલે સવારના નવ વાગ્યે…’ કબીરે જતીનકુમારને ફરી અવગણીને બધાંને સૂચના આપી.

ત્યારબાદ રાતના બધાં છૂટાં પડી ગયાં હતા. સવારના ડાઇનિંગ ટેબલ પર કોઈ બોલતું નહોતું. ઉજાગરાને કારણે દરેકની આંખ સૂજેલી હતી. કરણ તો બેઠાં બેઠાં ઝોકાં ખાતો હતો.

‘શું થયું કરણ? રાતના નીંદર નથી થઈ?’ કબીરે પૂછ્યું.

‘ના…ના… એમ જ… થાકી ગયો છું…’ ચોરી કરતાં પકડાઈ ગયો હોય એવા ભાવ સાથે કરણ બોલ્યો.

એક તો રાતના કબીર અંકલ હોસ્પિટલમાં એને ન લઈ ગયા એટલે એ રોષે ભરાયો હતો. કબીર, વિક્રમ અને ગાયત્રી હોસ્પિટલમાં ગયા બાદ એણે રૂપાને ફોન જોડ્યો હતો.

‘રૂપા, હમણાં મળી શકાય?’ એણે પૂછયું.

‘અત્યારે રાતના…? કેમ, કંઈ અર્જન્ટ છે?’ રૂપા મળવા માટે ઉત્સુક ન હોય એવું કરણને લાગ્યું.

‘ના,એમ જ…! એક-બે દિવસથી મળ્યાં નથી એટલે તને જોવાની ઇચ્છા થઈ આવી…’ કરણને બીજું કંઈ સૂઝ્યું નહીં.

‘કરણ, પ્લીઝ મને આવા લાગણીવેડા પસંદ નથી એ તું સારી રીતે જાણે છે.’ રૂપાના અવાજમાં ભારોભાર અણગમો હતો.

‘રૂપા, તું એ પણ નહીં પૂછે કે મારા પપ્પાને હવે કેમ છે…?’ કરણે પૂછ્યું. ઘણીવાર આપણું પ્રિયજન ભૂલ કરે ત્યારે આપણે સામે ચાલીને એને ભૂલ સુધારવા માટે પરિસ્થિતિ સર્જી દઈએ, જેથી પ્રિય પાત્રમાં રહેલી ઊણપના વિચાર કરીને આપણું મન ગમગીન ન થઈ જાય.

‘સાંભળ્યું છે કે તારા પપ્પા બચી ગયા? કરણ, તને શું લાગે છે કે પપ્પા જીવી શકે કે પછી?’

કરણને લાગ્યું કે રૂપાના અવાજમાં એને અણધાર્યો ઉત્સાહ વર્તાયો હતો. એક સેક્ધડ માટે તો એવો વિચાર આવી ગયો કે પપ્પા બચી નહીં શકે એવું રૂપા સાંભળવા ઇચ્છે છે.

‘કેમ, તું આ રીતે બોલે છે?’ કરણ
નારાજ થઈ ગયો, પણ એ નારાજગીમાં
રોષ નહોતો, માઠું લાગ્યું હોય એવો ભાવ
હતો.

‘કરણ, તારી આ જ તકલીફ છે. અરે તારા પપ્પા પર કોઈએ ઍટેક કર્યો હોય તો એ જીવશે કે નહીં એ પ્રશ્ર્ન તો બિલકુલ વ્યવહારુ ગણાય… કરણ, તું હજી ઇમોશનલ ફૂલ જ રહ્યો…’

કરણને આઘાત લાગ્યો. વધુ પડતા લાગણીવેડા તો કરણને પણ પસંદ નહોતા, પણ જેને આપણે ચાહતા હોઈએ એની સાથે ઇમોશનલ બનવામાં શું વાંધો છે એ કરણને સમજાયું નહીં.

‘રૂપા, મારા પપ્પા બચી જશે…’ કરણે શુષ્ક અવાજે જવાબ આપ્યો.

‘ઓહ…’ થોડી ક્ષણો માટે સામે છેડે મૌન પથરાઈ ગયું. થોડી વાર બાદ રૂપાએ મૌન તોડતાં પૂછ્યું:
‘કરણ, તેં પછી શું વિચાર કર્યો? રૂપિયાની ગોઠવણ કરી શક્યો કે નહીં?’

‘રૂપા, હમણાં પપ્પા હોસ્પિટલમાં છે… એવું ન બની શકે કે તું એક વાર અહીં રહેવા આવી જા. પપ્પા ઘરે આવશે કે હું એમની પાસેથી રૂપિયા લઈ લઈશ…’ કરણે કાકલૂદી કરી.

‘કરણ, પપ્પા ઘરે હતા ત્યારે પણ તું ક્યાં લઈ શક્યો? આઈ એમ સોરી કરણ, પણ રૂપિયા મેળવવા માટે હું એવું વિચારવા નહીં ઇચ્છું કે તારા પપ્પાને કંઈ થઈ જાય અને તને તારો હિસ્સો મળી જાય. ના, એવું મારા સ્વભાવમાં નથી, બટ બી પ્રેક્ટિકલ, રૂપિયા તો તારે ક્યાંકથી લાવવા જ પડશે…’ કહીને રૂપાએ લાઇન કાપી નાખી.

‘કરણ ક્યાંય સુધી હેલ્લો…હેલ્લો’ કરતો રહ્યો અને પછી હેલ’ કહીને રિસીવર ક્રેડલ પર અટક્યું. રાતના એ સૂઈ નહોતો શક્યો. સવારના ડાઇનિંગ ટેબલ પર કબીર અંકલ એને ઝોકાં ખાતા જોઈ ગયા હતા.

‘અંકલ, રાતના તમે જે કાપલીઓ જોઈ એમાં કોનું નામ હતું?’ પોતે સંપૂર્ણપણે જાગૃત છે એ દેખાડવા કબીર અંકલને કરણે પૂછ્યું.

‘ઓહો… યસ… યાદ આવ્યું. કમાલની વાત એ છે કે એક વ્યક્તિ સિવાય કોઈનું નામ બે વખત એ કાપલીમાં નહોતું…’ કબીરે
કહ્યું. દરેકના કાન સરવા થઈ ગયા. બધા
જાણે-અજાણે જતીનકુમાર તરફ જોવા
લાગ્યા.

જતીનકુમાર મોઢું કટાણું કરીને બોલ્યો:
‘અરે એમ કાપલીમાં નામ નીકળવાથી
માણસ ખૂની પુરવાર થઈ જાય તો તો થઈ
રહ્યું ને…’

જતીનકુમારની વાત સાંભળીને કબીર હસવા લાગ્યો. ‘તમને બધાને જાણીને આશ્ર્ચર્ય થશે કે…’ કબીરે બધાની સામે એક નજર દોડાવતાં કહ્યું: ‘કોઈએ જતીનકુમારનું નામ લખ્યું નથી.’ કબીરે ધડાકો કર્યો. (ક્રમશ:)

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article