How was the runaway lion welcomed home?

-ભરત વૈષ્ણવ

‘ખબરદાર, ત્યાંને ત્યાં જ ઊભો રહેજે. મારા જેવી બીજી કોઇ ભૂંડી નથી.’ ગુજરાતી ફિલ્મના વિલનના પેટન્ટ જેવો ડાયલોગ શર્મિલીએ ફટકાર્યો. માત્ર ભડાકે દઇશ’ એટલું કહેવાનું અધ્યાહાર રાખેલું. ‘તું કેટલી ભૂંડી છે તે હું જાણું છું’ એમ સિંહ સ્વગત બબડ્યો. સિંહ બીજું કરી પણ શું શકે?સિંહે કામ જ એવું કરેલું કે કોઇને પણ ગુસ્સો આવે .

પ્રિયે, તેં કેમ મારો રસ્તો રોક્યો છે? જેટલી બોડ તારી છે એટલી જ બોડ મારી છે. તું દહેજમાં બોડ લાવી નથી.’ સિંહે માણસો જેવા ટાયલા કર્યા. સિંહનો ચહેરો સસલા જેવો લાગતો હતો. ‘એ હું કાંઇ જાણવા માંગતી નથી.’ શર્મિલી સખત થઇ.

‘પ્રિયે, હું મધરાતે આવ્યો નથી.. તું મારું મોઢું સૂંઘી લે. મેં છાંટોપાણી કર્યો નથી.’ સિંહે ફીફાં ખાંડતા તેનું મોં ધર્યું.
‘તું પીને પણ આવ્યો હોત તો હુ ચલાવી લેત.’

શર્મિલીને દારૂની સૂગ ન હતી તો શર્મિલી કેમ કડક થઇ ગઇ એ ડાલામથ્થાને સમજાતું ન હતું. સવારે સવારે સાવજે બોડમાંથી ડાંભ ભરી ત્યારે શર્મિલીએ ભેંસનો શિકાર કરી જલદી આવવા કહેલું. હિન્દી ફિલ્મની હીરોઇનની જેમ બત્રીસી દેખાડીને શર્મિલી મીઠું મીઠું મલકેલી. અત્યારે સાંજે આના મગજમાં કયું ભૂસું ભરાઇ ગયું કે લાલ કીડીની માફક ચટકા ભરે છે તે મૃગેન્દ્રને સમજાયું નહીં.

‘પ્રિયે, તું ગુસ્સો થૂંકી દે. હું તારા માટે કુછ મીઠા હો જાયે’ વાળી ચોકલેટ લઇ આવ્યો છું.’ સિંહે શર્મિલી આગળ ચોકલેટ લટકાવી. શર્મિલી કાંઇ ગધેડી થોડી હતી કે ચોકલેટથી પીગળી જાય.

‘તું મને લાંચિયા માણસ જેવી સમજે છે? તું મને લાંચ આપીશ? તારા મગજમાં ભૂસું ભર્યું છે?’ શર્મિલીએ ત્રાડ પાડી. સાવજ જેવા સાવજનાં ગાત્રો ઢીલા થઇ ગયા. જો સિંહ ધોતી પહેરતો હોત તો ધોતીમાં ચોમાસું થઇ જાત.

‘આ બોડ મારી પણ છે. મને અંદર આવતા અટકાવી શકે નહીં.’ સિંહે મીંદડી જેમ મ્યાંઉ કર્યું.
‘શું બોલ્યો ? અહીં તારું કાંઇ કરતાં કાંઇ નથી આ બોડમાં…. અંદર ટાંટિયો મૂકયો છે તો હું તને ખોખરો કરી નાંખીશ. તું મારો ઘરવાળો છે એ પણ ભૂલી જઇશ.’

સિંહને શર્મિલીની રૂક્ષતા આંખના કણાની જેમ ખુંચતી હતી. સાલી સમજ એ પડતી ન હતી કે શર્મિલી આજે કેમ આવી રીતે વર્તે છે?
‘લિસન ડિયર, હું સાવ સુધરી ગયો છું. મેં પાનમસાલા-બીડી-સિગારેટ બધું છોડી દીધું છે. મેં રંગરેલીયા પણ બંધ કરી દીધાં છે….’ સિંહે સાવજ સુધારણા કાર્યક્રમ’નો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો.

તુ બગડીને બારેવાટે ગયેલો હતો તે સારો હતો. મને તારા માટે અભિમાન હતું.’ શર્મિલીએ સિંહ સુધારણા કાર્યક્રમની ધજિયા ઉડાડી દીધી.

‘પ્રિયે, મું નકોરડા ઉપવાસ કરી પ્રાયશ્ચિત કરવા તૈયાર છું. તું મારો વાંકગુનો તો જણાવ.’
તે કોઈ કાંડ કર્યો હોત તો મારી છાતી ગજ ગજ ફૂલી હોત. હું આપણા બાળ સિંહોને છાતી ઠોકીને કહેતી હોત કે તારો બાપો મર્દને માથે બાચકું છે, વીર અને ભડભાદર છે. એ ડાલામથ્થો ને અસલી વનરાજ છે.

તું તો અભ્યારણ્યનું સરકારી મટન ખાઇને કાયરમથ્થો થઇ ગયો છું. સાવજની આબરૂને માટીમાં મિલાવી દીધી છે. શર્મિલીએ ધોખો કર્યો.પછી ઉમેર્યું :
એક દુલા ભાયા કાગ નામના જોગંદર કવિએ તેની તળપદી કવિતામાં તારી બહાદુરીનો ઉપાલંભ કરેલ. એક બાળી ભોળી ચારણ ક્ધયાએ તને લાકડીથી ઊભી પૂંછડીએ કૂતરાંની જેમ ભગાડેલો એવી કવિતા લખેલી.

સિંહ માટે તો કેશવાળીવઢ ઘા કહેવાય. હું આને સાચું માનતી ન હતી.’ શર્મિલીએ સિંહની કલંકકથા કહી.
‘પ્રિયે , જીવ કોને વાલો ન હોય? સિંહ બબડ્યો.’

‘આજે કવિતા જેવી ઘટના ઘટી છે એનું શું ?’ શર્મિલીએ પેલા ટીવીવાળા રવિશકુમાર જેવો વેધક સવાલ કર્યો .
‘એટલે તું શું કહેવા માગે છે? જે કહેવું હોય તે સાફ કહે.’ સિંહે ખસિયાણા થઇ સવાલ પૂછયો.
‘બધુ જાણવા છતાં અજાણ બને છે? કાલો થઇને કાછડીમાં હાથ નાખે છે? અહીં બધી ખબર પડે જાય છે શર્મિલીએ અવાજ તલવારની ધાર જેવો તીખો કર્યો.’

‘ગોળ ગોળ વાત ન કર. સીધી વાત કર. તને શેનું પેટમાં દુખે છે?’ સિંહે ખુલ્લેઆમ આહ્વાન આપ્યું.
અરે, ફટ રે ભૂંડા, રાજુલાની સીમમાં શું થયું? એક ડાલામથ્થા જેવો ડાલામથ્થો ભેંસનો શિકાર કરવા જતા ભેખડે ભરાઇ ગયો? બે-ચાર ભેંસોએ તને પડકાર્યો એટલે નામર્દની જેમ જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગ્યો? તારામાં અને શિયાળમાં શું ફેર રહ્યો? આજે તારે ભેંસથી ડરીને રણછોડ થવું પડ્યું ? આટલું કહીને શર્મિલી ડળક ડળક આંસુ પાડીને બોલી:

‘સિંહણ સિંહનું પડખું સેવે છે, પરંતુ ભાગેડું સિંહનું નહી…. તને એમ હશે કે હું આંગણિયે તોરણિયા બાંધી, થાળી લઇ અબીલ, ગુલાલ, કેસર, ચંદન, અક્ષતથી સામૈયું કરીશ? કુમારિકાના હાથે તારા લલાટે તિલક કરાવીશ? આવું વિચારતો હોય તો તું ખડ ખાય છે ખડ.

હું પણ રાજપૂતાણી જેવી છું…. તું શહીદ થઇને આવતો તો હું પણ તારી પાછળ રાણ દઇ દેતા. હું આજથી તારી હાર્યે છેડો ફાડું સું. કોય દિવસ મારા રસ્તામાં આડો ઉતરતો નહીં. નહીંતર મારા જેવી કોઇ ભૂંડી સિંહણ નથી એમ સમજી લે જે.’ આમ કહીને સિંહણે બોડના કમાડ ભીડાવી દીધા.

ભેંસથી ભાગેલો સિંહ નિમાણા મોઢે ને ભાંગેલા પગે પાછો ફરે છે….એની માને હવે તો કોઇ પડદો પાડો!
‘બડે બે’ આબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે ગીત વાગતું રહ્યું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને