Shiv Sena Shinde faction bureau   bearer's assemblage  recovered  successful  Bhilad 10 days aft  abduction IMAGE BY SAAM TV - ESAKAL

મુંબઈ: શિવસેના શિંદે જૂથના દહાણુના પદાધિકારી અશોક ધોડીના અપહરણ કેસમાં આંચકાજનક વળાંક આવ્યો હતો. અપહરણ કરાયાના 10 દિવસ બાદ ધોડીની કાર ગુજરાતના ભિલાડ ખાતે પથ્થરની ખાણ પાસેના તળાવમાંથી મળી આવી હતી. કારમાં ધોડીનો મૃતદેહ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

શિવસેનાના પદાધિકારી અને હોટેલ વ્યાવસાયિક અશોક ધોડી 20 જાન્યુઆરીથી ગુમ હતો. આ પ્રકરણે તેની પત્નીએ ઘોલવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ધોડીના ભાઈ અવિનાશ ધોડી સહિત અન્યો વિરુદ્ધ શંકા વ્યક્ત કરાઈ હતી.

આ મામલે પોલીસે અવિનાશ સહિત પાંચ જણને તાબામાં લઈ પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ અધિકારીને બીજા કામમાં વ્યસ્ત જોઈ અવિનાશ પોલીસ સ્ટેશનમાંથી પસાર થઈ ગયો હતો. પછી તેની કોઈ ભાળ મળી નહોતી.

આપણ વાંચો: રાજકોટના ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 24 વર્ષે ચુકાદો; તમામ આરોપીઓ નિર્દોષ છૂટયા

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે અશોક ધોડી કામસર મીરા રોડ ગયો હતો. પોલીસે ધોડી જ્યાં જવાનો હતો એ સ્થળોએ લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. 20 જાન્યુઆરીની બપોરે એક વાગ્યે ધોડી મીરા રોડમાં સાંઈબાબા નગર સ્થિત શ્રીનગર એપાર્ટમેન્ટના સીસીટીવીમાં નજરે પડ્યો હતો. ત્યાંથી તે ક્યાં ગયો તેની કોઈ માહિતી પોલીસને મળી નહોતી.

અશોક ધોડીનું અપહરણ કરાયું હોવાની ફરિયાદને આધારે બાદમાં પાલઘર જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલની સીધી દેખરેખમાં આ કેસની તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન ધોડીની કાર ભિલાડ પાસેના નિર્જન સ્થળે તળાવમાં નજરે પડી હોવાની માહિતી પોલીસને શુક્રવારે બપોરે મળી હતી.

તાત્કાલિક પાલઘર જિલ્લાની પોલીસની ટીમ ભિલાડ પહોંચી હતી. કહેવાય છે કે સરિગ્રામ પાસે માળાફળિયા ખાતેની પથ્થરની બંધ ખાણ પાસેના તળાવમાંથી કાર મળી આવી હતી. કારમાં ધોડીનો મૃતદેહ પણ હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આપણ વાંચો: દાહોદમાં નવવધૂના અપહરણ કેસમાં 4 લોકોની ભોપાલમાંથી ધરપકડ, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું દુ:સાહસ

દરમિયાન પાલઘરના એસપી બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે તપાસમાં મળેલા અમુક પુરાવાને આધારે આ કેસમાં ગુરુવારે ચાર જણની ધરપકડ કરાઈ હતી. કોર્ટે ચારેય આરોપીને સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ અશોક ધોડીની હત્યાનો મુખ્ય આરોપી તેનો ભાઈ અવિનાશ હોવાનું ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જણાયું હતું. અવિનાશ હાલમાં ફરાર હોવાથી તેની શોધ હાથ ધરાઈ છે. અવિનાશ અને અશોક વચ્ચે છેલ્લાં 10 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે અને બન્ને જણે એકબીજા વિરુદ્ધ અનેક વાર પોલીસ ફરિયાદ કરી હતી.

20 જાન્યુઆરીએ ઘોલવડમાં માથામાં લોખંડનો સળિયો ફટકારી અશોકની હત્યા કરવામાં આવી હતી. પછી તેના મૃતદેહને ગૂણીમાં ભરી તેની જ કારની ડિકીમાં મૂકવામાં આવ્યો હતો. કારને ભિલાડમાં પથ્થરની ખાણ નજીકના તળાવમાં ધકેલી દેવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને