ઇન્ટરનેટના જોરે કોન્ટેન્ટ ક્રિએટર્સને મળે છે સિનેમાક્ષેત્રે પણ અનન્ય દરજજો (સબ હેડિંગ)
હમણાં રિલીઝ થયેલી જ્હોન સીના અને ઓકવાફીના અભિનીત ફિલ્મ ‘જેકપોટ’ના અંતમાં એક મજેદાર મેટા હ્યુમર છે.
ઓકવાફીનાનું પાત્ર કેટી એક્ટર બનવા માટે સંઘર્ષ કરે છે, પણ એ દરમિયાન એને મળેલાં એક જેકપોટના કારણે એ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. ફિલ્મના અંતે જયારે બધું થાળે પડે છે ત્યારે જ્હોન સીનાનું પાત્ર નોએલ એને પૂછે છે :
હવે એક્ટર બનવા માટે તું શું પ્રયત્ન કરીશ?’ ત્યારે કેટી કહે છે કે ‘એક્ટર બનવાની ઈચ્છા હવે નથી રહી. કેમ કે આજકાલ તો કોઈ પણ રેસલર અને યુટ્યુબર પણ એક્ટર બની જાય છે.’
અહીં મેટા હ્યુમર એ છે કે જ્હોન સીના ભૂતપૂર્વ રેસલર છે અને ઓકવાફીના યુટ્યુબર…!
આજે કોન્ટેન્ટ ક્રિએટર્સ, યુટ્યુબર્સ, સ્ટેન્ડઅપ કોમેડિયન્સ વગેરેને ફિલ્મ્સમાં મહત્ત્વનું સ્થાન મળવાના કેટલાંય ઉદાહરણો આપણી સમક્ષ છે. ભારતીય ઉદાહરણો વિચારીએ તો ભુવન બામ, અનુભવ બસ્સી, રાહુલ જોશી, પ્રાજક્તા કોલી, કુશા કપિલા જેવા અનેક નામ તરત જ યાદ આવી જાય.
ભારતમાં જયારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સની શરૂઆત થઈ અને યુટ્યુબ, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ થકી પણ કોન્ટેન્ટ ક્રિએટ કરનારા વધ્યા ત્યારે મનોરંજન ક્ષેત્રે સિનેમાની અનેક નાની-મોટી શાખાઓ વધી એ આપણને ખબર છે. યુટ્યુબ પર વીડિયોઝ બનાવીને અનેક યંગસ્ટર્સ જેમ કે પ્રાજક્તા કોલી, ભુવન બામ,ઈત્યાદિએ લાખો ફોલોઅર્સ થકી પોતાનું નામ બનાવ્યું છે.
એ બદલાવના સમયમાં ડિજિટલ પર હિન્દી સિનેમાના સ્ટાર્સ અને ‘મેકર્સ મિર્ઝાપુર’ કે ‘સેક્રીડ ગેમ્સ’ થકી આવ્યા તો આ યુટ્યુબર્સ પણ એ જ ડિજિટલ ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરીને એક સ્તરે પહોચી ચૂક્યા હતા. એ જ કારણસર એમને પણ ડિજિટલ ક્ષેત્રે સેલિબ્રિટી સ્ટેટસ મળ્યું.
ધીમે-ધીમે આ નવા બનેલા સેલિબ્રિટીઝને મનોરંજન ક્ષેત્રે સૌથી જૂના કે મેનસ્ટ્રીમ ગણાય તે સેલિબ્રિટીઝ કે સ્ટાર્સની સાથે ફિલ્મ્સમાં પણ સ્થાન મળવા લાગ્યું. પ્રાજક્તા કોલીને મિસમેચ્ડ’ (૨૦૨૦) અને ‘જુગજુગ જિયો’ (૨૦૨૨) જેવા શોઝ અને ફિલ્મ્સ મળી, કનન ગિલને સોનાક્ષી સિંહા સાથે ૨૦૧૭માં ‘નૂર’ ફિલ્મ મળી. સુમુખી સુરેશને ‘પુષ્પાવલી’ (૨૦૧૭), કુશા કપિલાને ‘થેન્ક યુ ફોર કમિંગ’ (૨૦૨૩),‘દેહાતી લડકે’ (૨૦૨૩), ‘લાઈફ હિલ ગઈ’ (૨૦૨૪), તો અનુભવ બસ્સીને ‘તૂ જૂઠી મૈં મક્કાર’ (૨૦૨૩) જેવી ફિલ્મ મળી.
તૂ જૂઠી મૈં મક્કાર’ ફિલ્મના દિગ્દર્શક લવ રંજને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારે નાયકના દોસ્તના પાત્રમાં નોર્થ સાઈડનો એ લહેકો અને દોસ્ત તરીકે ફિટ બેસે તેવી ઇમેજ હોય તેવા કોઈની જરૂર હતી. અને દોસ્તી પરની અનુભવ બસ્સીની મેં એક સ્ટેન્ડઅપ ક્લિપ પણ જોઈ હતી અને મને એ એકદમ પાત્ર માટે ફિટ લાગ્યો હતો.
આ રીતે સ્ટેન્ડઅપ કોમેડિયન્સ, કોન્ટેન્ટ ક્રિએટર્સ અને યુટ્યુબર્સને આજે ઇન્ટરનેટ યુઝર્સ અને ફિલ્મમેકર્સ સેલિબ્રિટી તરીકે જુએ છે અને ડિજિટલ ઉપરાંત મેનસ્ટ્રીમ હિન્દી સિનેમાનો પણ ભાગ બનાવે છે. સેંકડો ચાહકો ધરાવતો ભુવન બામ નાની કોમેડી ક્લિપ્સથી લઈને ડિઝની પ્લસ હોટસ્ટારની તાજેતરમાં જ જેની બીજી સિઝન રિલીઝ થઈ એ ‘તાઝા ખબર’ જેવી સફળ વેબ સિરીઝ સુધી પહોંચ્યો છે.
આ ઉપરાંત આ ક્રિએટર્સને મનોરંજન ક્ષેત્રે અન્ય રીતે પણ સાથે લેવામાં આવે છે, જેમ કે ભારતમાં સુપરહીરો ફિલ્મ્સ અત્યંત પ્રચલિત છે અને હોલિવૂડના મેકર્સ માટે વસતિના કારણે પણ ભારત એક મોટું માર્કેટ છે. એથી ત્યાંના એક્ટર્સ અને મેકર્સને ભારતના દર્શકો સાથે જોડવા
માટે વર્ષોથી આશિષ ચંચલાની જેવા યુટ્યુબરનો સહારો લેવામાં આવે છે.
અનેક ઇન્ટરવ્યુઝ અને ઈવેન્ટ્સ થકી દર્શકો સુધી એમની વાત પહોંચીને એમની ફિલ્મને ફાયદો થાય એ માટે આ ડિજિટલ સ્ટાર્સ સુધી મેકર્સ અને માર્કેટિંગ ટીમ
પહોંચે છે.
હોલિવૂડ જ નહીં, ભારતીય ફિલ્મમેકર્સ પણ એમની ફિલ્મ્સના રિલીઝ સમયે અનેક રીતે ડિજિટલ પ્રમોશન માટે આ કોન્ટેન્ટ ક્રિએટર્સના પ્લેટફોર્મ પર પધારે છે. ઇન્ટરવ્યુઝ અને પોડકાસ્ટસ દ્વારા ‘ડિજિટલ કોમેન્ટરી’, ‘ટીઆરએસ’ કે ‘ટ્રાયડ એન્ડ રિફ્યુઝડ પ્રોડક્શન્સ’ જેવી અનેક યુટ્યુબ ચેનલ્સ પર દર્શકોને નવી ફિલ્મ્સ અને શોઝનું પ્રમોશન જોવા મળી રહે છે. આજે તો ‘નેટફ્લિક્સ’ જેવા મોટા પ્લેટફોર્મ્સ તેમની મોટાભાગની રિલીઝ માટે તન્મય ભટ્ટ, ઐશ્ર્ચર્યા મોહનરાજ કે આદિત્ય કુલશ્રેષ્ઠ જેવા કોમેડિયન્સ સાથે નિયમિત રિએક્ટ વીડિયોઝ અને ઇન્ટરવ્યુઝ ગોઠવતા રહે છે. ઉપરાંત પ્રમોશનના બીજા અખતરા રૂપે ડાન્સ કવર્સ માટે પણ ફિલ્મ સ્ટાર્સ યુટ્યુબર્સ જોડાય છે.
ફક્ત આટલું જ નહીં, સિનેમા ક્ષેત્રે આ ડિજિટલ સ્ટાર્સને આવકારવા અને પ્રમોશન માટે એક કે બીજી રીતે જોડવા ઉપરાંત પણ એમની જરૂર પડતી રહે છે. ૨૦૨૦માં હંસલ મહેતા દિગ્દર્શિત ‘સ્કેમ ૧૯૯૨’ને લોકપ્રિયતા મળી એ સાથે તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ જ પ્રચલિત બન્યું હતું. હર્ષદ મહેતા પર બનેલી આ સિરીઝ પછી થોડા જ સમયમાં જોગાનુજોગ તેના પર જ ‘ધ બિગ બુલ’ (૨૦૨૧) ફિલ્મ રિલીઝ થઈ હતી.
‘સ્કેમ ૧૯૯૨’ના મ્યુઝિક સાથે સ્પર્ધા કરવા માટે ‘ધ બિગ બુલ’ના મેકર્સે પણ એક ઉપાય અજમાવ્યો. અને એ એટલે યુટ્યુબર કેરીમીનાટીના પહેલેથી પ્રખ્યાત ગીત ‘યલગાર હો’નો પ્રયોગ. એ ગીતને ‘ધ બિગ બુલ’માં લઈને ફિલ્મને ફાયદો મળે એવી કોશિશ કરાઈ હતી. મતલબ આજે દર્શકો માટે જરૂર મુજબ મનોરંજન ક્ષેત્રે સૌનો સમાવેશ કરવામાં આવે છે.
લાસ્ટ શોટ
કોન્ટેન્ટ ક્રિએટર્સની ખ્યાતિના પ્રતાપે તન્મય ભટ્ટ, રોહન જોશી, સુમુખી સુરેશ, કનન ગિલ વગેરેને ચમકાવતો ‘કોમિકસ્તાન’ શો ટીવી રિયાલિટી શોના સ્તર પર જ બનાવવામાં આવ્યો હતો.