Image representing find  of caller   words and vocabulary building

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ

ઘણી વખત આપણને બોલચાલ કે લખવામાં યોગ્ય શબ્દો સમયસર ન મળવાથી બહુ ત્રાસ થાય. એવે ટાણે ભલભલા શબ્દકોશો કે ડિક્શનરીઓ પણ નક્કામા સાબતિ થાય છે, કારણ કે જ્યારે કોઇ શબ્દનો કોઈ પર્યાયવાચી શબ્દ જ ભાષામાં ના હોય તો શબ્દકોશ પણ બિચારો શું કરે? એ પછી તમારે મજબૂરીમાં એક નવો જ શબ્દ ઘડી કાઢવો પડે. પછી ધીમે ધીમે એ શબ્દ લોકોની જીભે ચડવા માંડે. આ સમસ્યા દરેક આલિયામાલિયાને નથી નડતી પણ હા, આપણામાંથી ઘણાં લોકો પહેલેથી જ આ વાતને લઈને ચિંતા કરે છે. આવી કેટલીક પરિસ્થિતિ જીવનમાં આવે છે કે જે આપણી પાસે નવા શબ્દો માગે છે. જેમ કે- તમે જમવા બેઠા.’ એક કોળિયો મોઢામાં મૂકીને તમે ગુસ્સાથી તમારી પત્ની તરફ જુઓ છો અને કહો,આ શું ખાવાનું છે? શું આને ખાવાનું કહેવાય?’ અને તમે મોઢામાં મૂકેલો કોળિયો થૂંકી નાખો. પછી પત્ની કહે છે, હું શું કં? આજે નોકર આવ્યો નથી. હવે જેવું બન્યું છે એવું ખાઈ લો. લાવો, ગરમ કરી આપું?’ અથવા પત્ની કહેશે,હાહા…તમને ઘરનું ખાવાનું કેમ ભાવે? તમારી સગલીને ત્યાં રોજ ખાઈને આવો છો!’ વગેરે, વગેરે.

અહીં પતિની સમસ્યા છે સામો જવાબ આપવા યોગ્ય શબ્દોનો અભાવ. એટલે કે એને ઘરે જમવાનું ક્યારેય સ્વાદિષ્ટ નથી
હોતું એના માટે કયો શબ્દ બોલવો? પછી એ એના દિમાગનાં બુદ્ધિકોશમાંથી એક શબ્દ શોધી લાવે છે: ભૂસું' અને પછી પત્નીએ પીરસેલી જમવાની થાળી પર એ શબ્દને ચોંટાડી દે છે :હું આ ભૂસા જેવું ખાવાનું નહીં ખાઉં..જા!’

ટેલેંટેડ પત્નીએ બનાવેલા સ્વાદિષ્ટ રસોઈ માટેનો શબ્દ છે: ભોજન’, પણ જ્યારે ગર્લફ્રેન્ડ એની થાળીમાં કચરો પીરસે અથવા જૂની પત્ની આવું કરે તો એના માટે કોઈ યોગ્ય શબ્દ જ નથી. ઘણી પરિસ્થિતિ એવી હોય છે કે, જેમાં માત્ર એક શબ્દની જરૂર હોય છે. પાર્ટીમાં કોઈ ઓળખીતી સ્ત્રી કે છોકરી આવી છે, પણ તમને હજી સુધી મળી નથી. પછી તમે એ મહાન મહેકતી ક્ષણની રાહ જોઈને બેઠા છો કે પેલી તમારી પાસેથી પસાર થાય ને સ્માઇલ આપે. જવાબમાં તમેય સ્માઇલ કરો. પછી તમે તમારા હાથમાં આઈસક્રીમનો કપ લઈને વારેવારે અહીંતહીં જગ્યા બદલીને ટળવળો છો. પકડાઇ ના જાવ એ રીતે એક બાજુથી બીજી બાજુ આંટાફેરા કરો છો. તમે એકબીજાની પાસે જ છો, પણ એ નાજુક લાઇન ક્રોસ નથી થઈ રહી, જેની તમે રાહ જોઈ રહ્યા છો. હવે કહો કે આવી સ્થિતિને વર્ણવવા માટે કયો શબ્દ છે? છે કોઈ?ના.’

બસ, અહીં જ આપણી પાંગળી ભાષા આડી આવે છે. અમારા જેવો લપિયો બુદ્ધિજીવીઓ એક નવો જ શબ્દ બનાવે છે: લંબગડાવું'(લંબગડાવું’ એટલે લબડવું' અનેલંગડાવું’ બેઉનું નવું મિક્ષ્ચર, એમ!) જેમ કે- પ્રશાંત ભૈ કેવા પેલી પ્રહલાદનગરવાળી પૂજાને મળવા લટૂડા થઇનેલંબગડાતા’ રહ્યા!’ અથવા તો `પ્રશાંતજી, બહુ લંબગડાયા,’ પણ જાલિમ જવાનીએ (એટલે પેલી પૂજાડીએ) આંખ ઉઠાવીને જોયું પણ નહીં.’

એવી ઘણી વાતો માટે હજી ચોકકસ શબ્દ જ નથી. આપણે મોંઘી રેસ્ટોરન્ટમાં જઇએ તો બિલ વધારે જ આવશે તેમ છતાં ઓછું આવે એવી આશાનો અહેસાસ, દુશ્મનની પત્ની સુંદર હોય તો એક પ્રેમભરી ઈર્ષ્યા, કે પછી બેંકમાંથી પૈસા ઉપાડતી વખતે બેંકના ક્લાર્ક સામે ખોટેખોટે કરગરતી આપણી ચાલુ નજર, ભાષણ આપતી વખતે એક સેકંડ માટે પેટમાં એવી ફાળ પડે કે લોકો બોર થઇને આપણને મૂરખ તો નથી સમજી રહ્યા ને? કે જ્યારે વાતચીત માટે કોઈ વિષય ન હોય તો પણ સસરાના સામે સોફા પર મૂંગા મરવું, પકાઉ માણસને આપણાં ઘર તરફ આવતા જોઈને મનમાં થતો સળવળાટ, મહેમાનને ઘરનાં કેક્ટસ પ્લાન્ટ’ દેખાડીને આંજી દેવાનો મિડલક્લાસિયો પ્રયાસ, વાઇફના ઓર્ડરથી પરાણે લોટ દળાવીને ઘરે પાછા ફરતી વખતે ઓળખીતા લોકોથી આપણું ડાચું સંતાડીને ચોરનજરે ચાલવું.. બસમાં પરાણે ડોક ફેરવીને પાછલી સીટ પર બેઠેલી ફટાકડી છોકરીને પરાણે પોતાનો પરિચય આપવો કે પછી ભાઇબંધો સાથે છાંટોપાણી કરવા જતા પહેલા,આજે ઘરે વહેલાં નહીં અવાય’, એ માટે પત્નીને કયું તાજું બહાનું આપવું એની ગડમથલ..

આવી અનેક બાબત માટે કોઈ નક્કર શબ્દો જ નથી કે જેથી આખી લાંબી વાતની લપ ના માંડવી પડે. બસ, એક જ શબ્દથી કામ પતે. હા, આપણી ભાષાઓ ખૂબ જ સમૃદ્ધ છે, જેમાં `બડબડાટ’ જેવા અમુક સ્માર્ટ શબ્દો છે, પણ બદલાતા સમયની સાથે નવી નવી પરિસ્થિતિ માટે આપણી ભાષાઓએ હજુ ઘણો વિકાસ કરવાનો બાકી છે.

કોઈ માણસ દોસ્તના ઘરે જાય ત્યારે મનમાં ઈચ્છા હોય કે ત્યાં મસ્ત ચા મળશે' પણ ચા માગવા માટે જીભ ના ઊપડે આ સિચ્યુએશન માટે હું કહીશ કેરમણિક ભૈ તો મંગુભૈને ત્યાં ખાસ ચાવા' માટે ગયેલા.ચાવા’ એટલે કે ચા પીવાની ઈચ્છાથી આવવું. હું ચંદુને ત્યાંચાવા’ ગયો હતો ને લોટરી લાગી, ભજિયાં પણ મળ્યાં’. કારણ કે કોઈ આપણને આમંત્રણ તો આપતું નથી કે કૃપા કરીને અમારે ત્યાં ચાભજિયા ઝાપટવા પધારો’ પણ આપણી પરાણે ચા માગવાની મૌન- લાચારીની વાત એમાં છે. બસ, તો એ જ લાગણીને નવો શબ્દચાવા જવું’ ફિટ બેસે છે. ઈન શોર્ટ, શબ્દ એવો હોય કે સટ્ટાક થઇને વાગવો જોઈએ. એમાં જ ભાષાની મજા છે ને વાણીનો વિકાસ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને