![dasun shanaka playing matches successful 2 countries](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/dasun-shanaka-controversy.webp)
કોલંબોઃ શ્રીલંકાનો ભૂતપૂર્વ કૅપ્ટન અને ઑલરાઉન્ડર દાસુન શનાકા બીજી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં બે દેશમાં મૅચ રમ્યો એને પગલે તેની ખૂબ પ્રશંસા થતી હતી, પરંતુ કેટલાક કારણસર હવે તેના એ અભિગમની તપાસ થઈ રહી છે. કહેવાય છે કે એ દિવસે સાંજે દુબઈમાં મૅચ રમવા માટે કોલંબો ખાતેની ફર્સ્ટ-ક્લાસ મૅચ વહેલી છોડી ગયો હતો.
Also work : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો
કોલંબોમાં મૂર્સ સ્પોર્ટ્સ ક્લબ અને સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ વચ્ચેની ત્રણ દિવસીય મૅચ બીજી ફેબ્રુઆરીએ ડ્રૉના પરિણામ સાથે પૂરી થઈ હતી. શનાકા એ મૅચમાં સિંહાલીઝની ટીમમાં હતો. એ મૅચના પ્રથમ દાવમાં તેણે 76 રનમાં એક વિકેટ લીધી પછી માત્ર 87 બૉલમાં આઠ સિક્સર અને દસ ફોરની મદદથી 123 રન બનાવ્યા હતા જેમાંથી તેણે 88 રન બાઉન્ડરીઝમાં બનાવ્યા હતા.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા શનાકા વિશે જે આરોપનામું ઘડવામાં આવ્યું છે એમાં મૅચ રેફરીએ તેની સામે કરેલા આક્ષેપનો ખાસ સમાવેશ છે. મૅચ રેફરીનું એમાં એવું કહેવું છે કે શનાકાને કોલંબોની મૅચ દરમ્યાન માથામાં ઈજા થઈ હતી. ક્રિકેટમાં આ ઈજા કંકશન તરીકે ઓળખાય છે અને તે ઈજા પામતાં સિંહાલીઝની ટીમને સબસ્ટિટ્યૂટ મંજૂર કરવામાં આવ્યો હતો. હવે વાત એવી છે કે ખુદ આ ટીમ (સિંહાલીઝ ક્લબ) પોતાના ખેલાડી વિરુદ્ધ તપાસ કરી રહી છે.
જોકે એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ અનુસાર શનાકાનું એવું કહેવું છે કે તેણે સિંહાલીઝ કલબના સી.ઇ.ઓ. ઍશ્લી ડિસિલ્વાને તથા અન્યોને અગાઉથી કહ્યું હતું કે તે આ મૅચ વહેલી છોડીને જતો રહેશે.
શનાકાએ એવું પણ કહ્યું હતું કે ત્રણ દિવસની એ મૅચમાં છેલ્લા દિવસે સવારે 123 રનની ઇનિંગ્સમાં વિકેટ ગુમાવ્યા બાદ સ્ટેડિયમમાંથી તે જતો રહ્યો હતો. તેને એ ઇનિંગ્સ દરમ્યાન સ્વીપ શૉટ મારતી વખતે ગરદન પર બૉલ વાગ્યો હતો એટલે તે આઉટ થયા બાદ સ્ટેડિયમમાંથી બહાર નીકળીને સીધો નજીકની હૉસ્પિટલમાં ડૉક્ટરને મળ્યો હતો અને ત્યાર બાદ દુબઈની ફ્લાઇટ પકડવા ઍરપોર્ટ પહોંચી ગયો હતો અને ત્યાં સાંજે ટી-20 મૅચ રમ્યો હતો. જોકે ફિઝિયોથેરપિસ્ટે ત્યાં તેને એ મૅચમાં રમવા માટેનું ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યું હતું.
શનાકાએ એવું પણ કહ્યું હતું કે તે કોલંબોની ફર્સ્ટ-ક્લાસ મૅચ રમવાનો જ નહોતો, પણ સિંહાલીઝ ક્લબે વિનંતી કરી હોવાથી તે એ મૅચ રમવા કોલંબો આવ્યો હતો, પરંતુ તેણે મૅચના ત્રીજા દિવસે દુબઈ જવાનું છે એવું તેણે બધાને પહેલેથી કહી દીધું હતું.
જોકે સિંહાલીઝ ક્લબ હવે એવું માને છે કે શંકાસ્પદ ઈજા હોવા છતાં મૅચ અધૂરી છોડી જવી એ ઠીક ન કહેવાય. સી.ઇ.ઓ. ડિસિલ્વાએ એક મુલાકાતમાં કહ્યું છે કે `તોડા વર્ષો પહેલાં લસિથ મલિન્ગા એક જ દિવસ મુંબઈ ઇન્ડિયન્સમાં રમ્યો અને બીજા દિવસે સવારે પલ્લેકેલ પહોંચીને ડોમેસ્ટિક મૅચ રમ્યો હતો જેમાં તેણે વિક્રમો તોડ્યા હતા. જોકે મલિન્ગાએ એ બન્ને મૅચ પૂરી કરી હતી. તે એ બન્નેમાં છેક સુધી હાજર હતો.
Also work : કોહલી ફૉર્મમાં હોય કે ન હોય, તે જ વિશ્વનો સર્વશ્રેષ્ઠ પ્લેયર છેઃ ક્રિસ ગેઇલ
દરમ્યાન દુબઈ પહોંચ્યા બાદ શનાકા સાંજે યુએઇની ટી-20 સ્પર્ધામાં દુબઈ કૅપિટલ્સ વતી રમ્યો હતો જેમાં તેણે માત્ર 12 બૉલમાં બે સિક્સર અને ચાર ફોરની મદદથી 34 રન બનાવ્યા હતા. જોકે તેણે અબુ ધાબી નાઇટ રાઇડર્સ સામેની એ મૅચમાં બોલિંગ નહોતી કરી. એ મૅચમાં દુબઈ કૅપિટલ્સનો વિજય થયો હતો. દુબઈ કૅપિટલ્સની ટીમમાં ડેવિડ વૉર્નર (93 રન), શાઇ હોપ (36 રન) તેમ જ ગુલબદિન નઇબ (47 રન) અને રૉવમૅન પોવેલ (1 રન) તેમ જ સિકંદર રઝા જેવા જાણીતા ખેલાડીઓ પણ હતા. હરીફ ટીમમાં આન્દ્રે રસેલ, જેસન હોલ્ડર, રૉસ્ટન ચેઝ, ડેવિડ વિલી, સુનીલ નારાયણ સામેલ હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને