શ્રેયસ, સિદ્ધાર્થની અણનમ સદી, પણ રહાણેનો ફર્સ્ટ-બૉલ ડક

2 hours ago 2

મુંબઈઃ અહીં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં શરદ પવાર ક્રિકેટ ઍકેડેમીના મેદાન પર શરૂ થયેલી ચાર દિવસની નવી રણજી મૅચમાં ઓડિશા સામેનો પ્રથમ દિવસ મુંબઈના નામે હ્તો. 20 વર્ષની ઉંમરનો ઓપનર અંગક્રિશ રઘુવંશી (92 રન, 124 બૉલ, ત્રણ સિક્સર, તેર ફોર) આઠ રન માટે પ્રથમ ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી ચૂકી ગયો હતો, પરંતુ ટીમના બે ભરોસાપાત્ર બૅટર્સે સદી ફટકારી હતી અને રમતના અંતે નૉટઆઉટ હતા. જોકે કૅપ્ટન અજિંક્ય રહાણે (0) પોતાના પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો.

આ પણ વાંચો: બીસીસીઆઇ સામે રોહિત અને વિરાટના મુદ્દે હવે મોટો પડકાર છે…

મુંબઈએ રમતના અંત સુધીમાં (90 ઓવરમાં) પ્રથમ દાવમાં ત્રણ વિકેટે 385 રન બનાવ્યા હતા.
શ્રેયસ ઐયર (152 નૉટઆઉટ, 164 બૉલ, ચાર સિક્સર, અઢાર ફોર) અને સિદ્ધેશ લાડ (116 નૉટઆઉટ, 234 બૉલ, 14 ફોર) ચોથી વિકેટ માટેની 231 રનની અતૂટ ભાગીદારી સાથે રમી રહ્યા હતા.

જોકે મહારાષ્ટ્ર સામેની મૅચનો સદીકર્તા ઓપનર આયુષ મ્હાત્રે માત્ર 18 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે લાગલગાટ ત્રીજી ઇનિંગ્સમાં સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો છે.

ગોવિંદા પોદાર ઓડિશાનો કૅપ્ટન છે અને તેણે પોતાના સહિત કુલ સાત બોલરને અજમાવ્યા હતા. જોકે એમાં ફક્ત સૂર્યકાન્ત પ્રધાન (36 રનમાં એક) અને બિપ્લાબ સામંત્રે (36 રનમાં બે) વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. કૅપ્ટન ગોવિંદા સહિત પાંચ બોલરને વિકેટ નહોતી મળી.

આ પણ વાંચો: ભારતના બે સ્ટાર ખેલાડીએ આઇપીએલના ઑક્શન માટે મૂળ કિંમત કેમ આટલી નીચી રાખી?

ગ્રૂપ-એના પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈની ટીમ નવ પૉઇન્ટ સાથે ચોથા નંબરે છે.
બરોડાની ટીમ આ ગ્રૂપમાં 19 પૉઇન્ટ સાથે મોખરે છે અને એણે અગરતલામાં ત્રિપુરા સામે પ્રથમ દાવમાં ચાર વિકેટે 157 રન બનાવ્યા હતા. માત્ર 51 ઓવરની રમત થઈ શકી હતી જેમાં અતિત શેઠ (74 નૉટઆઉટ)નું સૌથી મોટું યોગદાન છે. ઓપનર જ્યોત્સ્નીલ સિંહ (46 રન) ચાર રન માટે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. કૅપ્ટન કૃણાલ પંડ્યા 23 રને રમી રહ્યો હતો. બરોડાની ચારમાંથી ત્રણ વિકેટ પેસ બોલર અભિજીત સરકારે લીધી હતી.

રાંચીમાં સૌરાષ્ટ્ર સામે ઝારખંડે ઓપનર શરણદીપ સિંહના 73 રનની મદદથી સાત વિકેટે 247 રન બનાવ્યા હતા. 20 વર્ષના પેસ બોલર હિતેન કણબીએ 50 રનમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે એક વિકેટ કૅપ્ટન જયદેવ ઉનડકટે લીધી હતી. યુવરાજસિંહ ડોડિયા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ એક-એક વિકેટ મેળવી હતી.

અમદાવાદમાં ગુજરાત સામે પોંડિચેરીએ 254 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી, પરંતુ એ પહેલાં બે બૅટરે ગુજરાતના બોલરનો પડકાર ઝીલીને હાફ સેન્ચુરી ફટકારી હતી. ઓપનર અજય રોહેરાએ 80 રન અને આકાશ કર્ગાવેએ 71 રન બનાવ્યા હતા. જય પાન્ડે 53 રને રમી રહ્યો હતો. ગુજરાત વતી સાત બોલરે બોલિંગ કરી હતી, જેમાં જયમીત પટેલે 39 રનમાં બે વિકેટ તેમ જ તેજસ પટેલ અને સિદ્ધાર્થ દેસાઈએ એક-એક વિકેટ લીધી હતી.

પટનામાં બિહાર સામે મધ્ય પ્રદેશે કૅપ્ટન શુભમ શર્મા (134 નૉટઆઉટ) અને વેન્કટેશ ઐયર (118 નૉટઆઉટ)ની સદીની મદદથી ચાર વિકેટે 381 રન બનાવીને પહેલા જ દિવસે વિજય માટે મજબૂત પાયો નાખ્યો હતો.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article