ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
માણસ પૈસા, પ્રતિષ્ઠા કે અન્ય મોહમાયા પાછળ પાગલ હોય. જે પોતાના માટે સમય કાઢી શકતો ના હોય ત્યારે આધુનિક સમયમાં એક સવાલ વારંવાર પૂછવામાં આવે છે : તું અમરત્વ લખાવીને આવ્યો છે? ધરતી પર આવ્યો છે તો થોડી જિંદગી તો ભોગવી લે, પણ ધરતી પર દરેકને અમરત્વ ભોગવવું છે.
આ અમરત્વ બલા શું છે? આપણે ત્યાં કોણે અમરત્વ મેળવેલા? આપણી સંસ્કૃતિ મુજબ ઇશ્વરે જેમને અમરત્વ આપ્યું છે એ બધા માણસજાતને શીખવી રહ્યા છે કે સરસ મજાનું જીવો. જીવનદર્શન સમજાવવા માટે એમણે ઇશ્વરના અદ્ભુત અવતાર લખ્યા, કોઇએ માનવજાતના કલ્યાણનો માર્ગ દર્શાવીને દુ:ખ દર્દ ઓછા કર્યા. અશ્વત્થામા જેવા થકી એવું પણ સાબિત થયું કે, અમરત્વ તો શ્રાપ છે. ભારતીય કથાકનો મુજબ મહર્ષિ વેદ વ્યાસ, પરશુરામ, દુર્વાસા, જામ્બવાન, હનુમાનજી, માયાસુર, નર્મદા નદીના કિનારા પર ફરતા અશ્વત્થામા કે અશ્વત્થામાના મામા કૃપાચાર્ય અને માર્કેન્ડેય મુનિ અમરત્વ ભોગવી રહ્યા છે. આ મહાત્માઓમાંથી કોઈ માનવજાતના કલ્યાણ માટે ધરતી પર વસવાટ કરી રહ્યા છે તો કોઈ સ્વની ચેતના જાગ્રત કરી રહ્યા છે તો કોઈ શ્રાપના ભાગરૂપે ધરતી પર વિચરણ કરી રહ્યા છે.
એક કથા મુજબ ગૌતમ મુનિના પુત્ર શરદવાનનો જન્મ જ બાણ સાથે થયેલો. શરદવાન એટલા તેજસ્વી કે ઇન્દ્ર પણ એમનાથી ડરે. રાબેતા મુજબ , ઇન્દ્રએ નામપદી નામની અપ્સરા મોકલી,જેના થકી કૃપ અને કૃપા પેદા થયા. કૃપ પણ સમર્થ બાણાવટી . ભીષ્મએ એમનું કૌશલ્ય જોઇને કૌરવો- પાંડવોની શાળામાં આચાર્ય બનાવ્યા. માર્કેન્ડેય ઋષિએ શિવજીની ભક્તિ કરીને મહામૃત્યુંજય મંત્રનો સતત જપ કર્યો અને અમરત્વ પામ્યા. આપણે વાત કરવી છે, માયાસુરની. આ માયાસુર એટલે દાનવોના આર્કિટેક. દેવોના આર્કિટેક એટલે વિશ્વકર્મા…
માયાસુરનો બીજો પરિચય કરાવું. એમને બે પત્ની નામે હેમા અને રંભા. સંયુક્ત ઉપક્રમે પાંચ પુત્ર અને ત્રણ પુત્રીનો પરિવાર . આ છોકરીઓ પૈકી અત્યંત સુંદર એવી મંદોદરી સાથે ગ્રેટ રાવણના લગ્ન થયેલા. આમ માયાસુર રાવણના સસરા થાય, તો લંકા કોણે બનાવી? આમ તો ક્રેડિટ વિશ્વકર્મા પાસે છે, પણ લંકાને અદભૂત બનાવી એ માયાસુરની કરામત હતી.
સ્થાપત્ય સર્જન માટે માયાસુરને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માયાસુરે સૂર્ય જ્યોતિષશાસ્ત્રના નિયમો બનાવ્યા.વિજ્ઞાનનો ઉપયોગ કરી મસમોટું વિમાન બનાવ્યું. ભારતભૂમિ પર મેરઠ, મનસોર અને મૈસુર નગર નિર્માણમાં મહારથી એવા માયાસુરની કરામત છે. આ તો નાની અમસ્તી વાત હતી, પણ મોટી વાત તો રહી ગઇ… સાઉથ અમેરિકાની માયા સંસ્કૃતિ યાદ છે? કોણે બનાવી હશે.. એ આજ માયાસુર હશે? પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થ યાદ છે ને? મહાભારતની લડાઇનું મૂળ એવી સભાગૃહના સર્જનકર્તા એવા માયાસુરે પાંડવોને અમૂલ્ય હથિયાર સાથે કિમતી રત્નો આપ્યા હતાં.
પ્રશ્ન એ જ છે કે અમરત્વ અથવા લાંબું આયુષ્ય ભોગવીને કરવું શું છે એ પ્રશ્નના જવાબ માટે દુનિયાનું સાહિત્ય અને વિજ્ઞાન પણ એટલી જ તાલાવેલી રાખે છે. જ્યોર્જ વેલેન્ટ નામના સાયકોલોજિસ્ટે માણસની ઉંમર પર ઘણા સંશોધનો કર્યા છે અને એ પરથી ‘એજિંગ વેલ’ નામનું પુસ્તક પણ લખ્યું હતું. જ્યોર્જ વેલનું માનવું છે કે માણસે લાંબું જીવવું હોય તો સુખ-દુ:ખની વધારે પડતી લાગણીઓથી દૂર રહીને જીવનનો આનંદ લેતાં શીખવું જોઈએ. શારીરિક સ્વસ્થતાના સામાન્ય નિયમોનું પાલન કરીને લાંબું જીવન જીવવા માટે એક જ ચાવીનો ઉપયોગ કરી શકાય છે અને એ ચાવી છે માનવીય સંબંધ.
આ વેલેન્ટે લાંબું જીવન જીવવા માટે એક આ કડી દર્શાવી છે અને એ છે પોતાના જીવનસાથી સહીત દરેક સાથે ઉષ્માભર્યો સંબંધ રાખવો,જે માણસને અનેક રોગોથી દૂર રાખે છે. એમનું એવું માનવું હતું કે જે લોકો યુવાવયે કોઈ ગંભીર અકસ્માતમાંથી બચી જાય છે એમને જિંદગીનું મૂલ્ય વધારે સમજાતું હોવાથી એ લાંબું જીવન જીવે છે. એજિંગ સાયન્સ પર હાલમાં અસંખ્ય સંશોધન થાય છે, પણ મનોવિજ્ઞાનમાં છેલ્લા સો વર્ષથી જે સંશોધન થાય છે એ મુજબ લાંબા આયુષ્ય માટે પચાસ વર્ષની ઉંમર પછી કેટલા ખુશ રહી શકો છો એના પર ઘણું બધું નિર્ભર છે. જેમના લગ્નજીવન ખુશ હશે એમને નાના-મોટા શારીરિક દર્દ ખાસ અસર કરતાં નથી. આપણા એક દેશી ઈલાજ પર દુનિયાભરના વૈજ્ઞાનિકો સહમત છે કે જયારે મન થાય ત્યારે એક ઝપકી મારી લેવી અર્થાત બેઠાં બેઠાં વામકુક્ષિ કરતાં રહો. નિયમિત ચાલતાં રહો કે ઓછું ભોજન કરો જેવી સલાહ ઉપરાંત એક સલાહ આપી છે કે લગ્ન કરો.
દુનિયાના મનોચિકિત્સકોએ ભારતીય અમરત્વ પ્રાપ્ત થયેલાઓના લગ્નજીવનની કથાઓનો અભ્યાસ કરવો જોઈએ. અમરત્વની વાત શું કામ? આપણે અમરત્વ લખીને નથી આવ્યા, પણ માનવજાત એક જ સંઘર્ષ કરે છે, ટકી રહેવાનો લાખો, વર્ષોથી એક જ સંઘર્ષ કરે છે અને એ છે અસ્તિત્વ માટે… કેમ? કેમ કે જિંદગીનાં મધુરા સ્વપ્નોની વણઝાર અધૂરી રહી નહી.
વિશ્વભરમાં ફક્ત આપણી જ ભાષામાં ‘કાલ’ માટે અલગ અલગ અર્થઘટન છે. કાલ એટલે અંતિમ સમય, કાલ શબ્દ ગઇ કાલ અને આવતી કાલમાં પણ છે. આ શબ્દોમાં સમાનતા એ છે કે જેનું અસ્તિત્વ સમાપ્ત થયું અથવા જે હાલમાં અસ્તિત્વ જ ધરાવતું નથી એને કાલ કહેવાય. આ કાલરૂપી અ-અસ્તિત્વમાં સુખ શોધવું એ માનવજાતનું એકમાત્ર લક્ષ્ય છે.
આપણી દોડ પણ કોઈ એવા કાલ માટે તો નથી જે અસ્તિત્વ જ ધરાવતું નથી? થોડી પળ પાછી જોઈએ છે. ચાલને, રિવર્સમાં જઇએનો ફન્ડા કામ લાગવાનો નથી. જે છે એ આ ક્ષણ જ છે. આપણી પાસે ફક્ત વર્તમાન જ છે. આપણી આશાઓ, ઉમંગો, અરમાનો, સ્વપ્નાં જેવા હોય એવા એ સંજોગો મુજબ પૂરા કરવા તૈયારી કરીએ. જેને હસવું હોય કે મજાક કરવી હોય એ કરે. યે મેરી જિંદગી હૈ… ચલો, ચાંદ કો છૂ લે. ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચાલો, આજથી તૈયાર થાવ એવાં સ્વપ્ન સાથે જે આપણી મર્યાદામાં હોય દુનિયાભરના સંશોધકો માને છે કે ફેમિલી ફર્સ્ટ -તો તૈયાર 2025નાં સ્વપ્નાઓને સર્જવા માટે?
ધ એન્ડ :
તમારી પાસે જિંદગીમાં સમય મર્યાદિત હોય છે, કમસેકમ કોઈની જિંદગીનો સમય બરબાદ ના કરશો.
(સ્ટીવ જોબ્સ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને