મુંબઈ: દક્ષિણ મુંબઈના વેપારી સહિત અન્યોએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા 1.31 કરોડ રૂપિયા 24 કલાકમાં બચાવી લેવામાં સાયબર પોલીસને સફળતા મળી હતી.
સાયબર ક્રિમિનલ્સે સિમેન્ટ કંપનીના માલિક એવા ફરિયાદીનું નામ અને ફોટાનો ઉપયોગ કરીને નકલી વ્હૉટ્સઍપ પ્રોફાઇલ બનાવ્યો હતો. જેના થકી તેમણે કંપનીના કર્મચારીને મેસેજ કર્યો હતો,
જેમાં ‘મહત્ત્વપૂર્ણ બિઝનેસ ડીલ’ માટે તાત્કાલિક 85 લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવાયું હતું. કર્મચારીએ જ્યારે એ નંબર પર કૉલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ મીટિંગનો ઉલ્લેખ કરીને કૉલ કાપી નાખ્યો હતો. મેસેજને સાચો માનીને કર્મચારીએ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે તેણે ફરી એ નંબર પર કૉલ કરતાં તે બંધ હતો.
આ પણ વાંચો : દક્ષિણ મુંબઈમાં 1.32 કરોડની રોકડ જપ્ત: પાંચને તાબામાં લેવાયા
આ અંગે વરિષ્ઠોને અને બાદમાં ફરિયાદીને જાણ કરવામાં આવી હતી, જેમાં રૂપિયાની માગણી કરાઇ ન હોવાનું સામે આવ્યું હતું. 26 નવેમ્બરે આ ઘટના બની હતી અને ફરિયાદીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધ્યો હતો.
સાયબર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બેન્કને જાણ કરી હતી, જેને પગલે રૂપિયા સાયબર ક્રિમિનલ્સના બેન્ક એકાઉન્ટમાં જાય એ પહેલાં તેને રોકી લેવામાં આવ્યા હતા. બીજી તરફ અન્ય સાયબર ફ્રોડમાં લોકોએ ગુમાવેલા 46.33 લાખ પણ બચાવી લેવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને