નીલા સંઘવી
વૃદ્ધ વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતાં હોય ત્યારે આપણને હમદર્દી થાય એમનાં પ્રત્યે. મનમાં ગુસ્સો પણ આવે કે કેવાં સંતાનો છે, જે પોતાનાં માતા-પિતાને પણ સાચવી નથી શકતાં.ઘરમાં કૂતરાઓ પાળે, પણ મા-બાપને નથી રાખતાં. આવા સમયે કવિ મુકેશ જોશીની પેલી પંક્તિઓ યાદ આવે છે:
‘કેમ ઘરડાંઘેર મોકલતાં હશે? એ જ સંતાનો જે ઘરમાં શ્ર્વાન રાખે.’ આમ જ્યારે પણ કોઈ વડીલને વૃદ્ધાશ્રમમાં જોઈએ ત્યારે સંતાન જ નાલાયક છે એવો ભાવ આપણાં મનમાં જાગે એ સ્વાભાવિક છે, પરંતુ સિક્કાની બે બાજુ છે તે આપણે ભૂલી જઈએ છીએ.ઘણીવાર વડીલોનો પણ વાંક હોય છે. મોટાભાગના કેસમાં જેમ સંતાન વડીલનું જીવવું મુશ્કેલ કરી દેતાં હોય છે.
Also read: નિવારી શકાય એવી બીમારીઓમાં પુરુષ ન હોમાવો જોઈએ!
તે જ રીતે કેટલાંક વડીલો પણ એમનાં સંતાનોનું જીવન મુશ્કેલ બનાવી દે છે. એક વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન વૃદ્ધાશ્રમના સંચાલકે વૃદ્ધાશ્રમમાં નવાં જ દાખલ થયેલાં કાંતાબહેન વિશે વાત કરી. એ અમને કહે: ‘આ કાંતાબહેન પંદર દિવસથી અહીં આવ્યાં છે.
કાળો કકળાટ કરે છે કે મારાં દીકરા-વહુએ મને ઘરમાંથી કાઢી મૂકીને અહીં વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી. મેં કેટલાં કષ્ટ વેઠીને દીકરાને મોટો કર્યો અને બાયડી આવતાં માનો મટીને બાયડીનો થઈ ગયો, પણ વાત કંઈક બીજી જ છે….’
હકીકતમાં કાંતાબહેનનાં પતિનું અવસાન થયું ત્યારે દીકરો રાજેશ ફક્ત ત્રણ વર્ષનો હતો. પતિ સામાન્ય ક્લાર્કની નોકરી કરતાં હતાં, જેમાં પરિવારનો ગુજારો માંડ માંડ થતો હતો. જે થોડીઘણી નાની-મોટી બચત હતી તે પતિની માંદગીમાં ખર્ચાઈ ગઈ. એમનું અવસાન થતાં કાંતાબહેન અને રાજેશ નિરાધાર થઈ ગયાં. ઘરમાં કાણી કોડી ન હતી.
સારું એ હતું એક રૂમ- રસોડાનું ઘર એક ચાલીમાં એમનું પોતાનું હતું. માથે આશરો તો હતો, પણ પેટનો ખાડો પૂરવા માટે શું કરવું એની ચિંતા કાંતાબહેનને થવા માંડી. સગાં-સંબંધીઓએ બે-ત્રણ મહિના ચાલે એટલો દાણો-પાણી ઘરમાં નાખી દીધો એટલે કાંતાબહેનની તાત્કાલિક થોડી ચિંતા ઓછી થઈ.
પોતે કાંઈ ઝાઝું ભણેલાં ન હતાં કે નોકરી કરી શકે. આમ પણ નાનકડાં રાજેશને મૂકીને એ બહાર કામ કરવા જઈ શકે તેમ ન હતાં. બહુ વિચાર કર્યોં કે શું કરવું? એ વખતે એક પાડોશીએ સૂચન કર્યું કે ‘કાંતાબહેન, તમે રસોઈ સરસ બનાવો છો.
નાસ્તા પણ સારાં બનાવો છો તો નાસ્તાના ઑર્ડર લો. ટિફિન ભરો, જેથી તમારું ઘર અને રાજેશ બન્ને સચવાઈ રહે અને તમારો ઘરખર્ચ પણ નીકળી જાય.’ પાડોશીનું સૂચન કાંતાબહેનને જચી ગયું ને કાંતાબહેને નાસ્તાના ઑર્ડર લેવાનું અને ટિફિન સેવા ચાલુ કરી દીધી. કાંતાબહેન ખરેખર સ્વાદિષ્ટ રસોઈ બનાવતાં હતાં. તેથી એમનું કામ તરત જ ચાલુ થઈ ગયું.
તે વખતે કાંતાબહેન માટે એક જ ધ્યેય હતું: દીકરા રાજુને ઉચ્ચ શિક્ષણ આપવું અને એને મોટો માણસ બનાવવો…. ઘરખર્ચ તેમજ રાજુના શિક્ષણનો ખર્ચ કાંતાબહેને પોતાના વ્યવસાયમાંથી આરામથી કાઢી લેતાં હતાં.
ધીમેધીમે વ્યવસાય વધ્યો. થોડી થોડી બચત પણ થવા લાગી. રાજુ મોટો થવા લાગ્યો. ભણવામાં તેજસ્વી હતો. રાજુને પોતાની મા પ્રત્યે અપાર લાગણી અને માન હતું.
એ સમજતો હતો કે પિતાનું નાનપણમાં અવસાન થયા બાદ માએ જ એને મુશ્કેલીઓ વેઠીને મોટો કર્યો છે અને સારી સ્કૂલમાં ભણાવ્યો છે. સારા શિક્ષકનું ટ્યૂશન રાખ્યું છે.
કાંતાબહેન પણ રાજુને રોજ કહેતાં, ‘જો, તારા માટે તનતોડ મહેનત કરું છું. તું ભણીને મોટો માણસ થજે.’
‘હું ભણીને નોકરી કરું પછી તારું આ બધું કામ બંધ કરાવી દેવાનો છું મા.’ રાજેશ કહેતો.
દિવસો- વર્ષો વિત્યા રાજુ એન્જિનિયર થઈ ગયો. સારી કંપનીમાં નોકરી મળી ગઈ. સાથે કામ કરતી રીના સાથે પ્રેમ થઈ ગયો. રાજેશે એની પ્રેયસી રીનાને બધી જ વાત કહી કે કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં માએ એનો ઉછેર કરીને કાબેલ બનાવ્યો અને આજે પોતાને જે જે સફળતા મળી છે તેનો બધો યશ માને જાય છે…. રીનાને પણ કાંતાબહેન પ્રત્યે બહુ જ માન થયું. એક ઓછું ભણેલી સ્ત્રીએ પોતાની રાંધણકળાનો ઉપયોગ કરીને દીકરાને લાયક બનાવ્યો. પોતે કોઈની ઓશિયાળી ન રહી, ન કોઈ પાસે લાંબો હાથ કર્યોં.
હવે કાન્તાબહેને અને પુત્ર રાજુ ચાલીમાંથી બેડરૂમના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા હતા. માને હવે રસોઈકામથી રાજેશે મુક્ત કરી હતી. કાંતાબહેનને પણ સુંદર-સુશીલ રીના ગમી ગઈ અને રાજેશના લગ્નની શરણાઈ વાગી. રીના પરણીને ઘરમાં આવી. એ પણ નોકરી કરતી હતી. આમ છતાં, સવારે વહેલી ઉઠીને રાજેશનું અને પોતાનું ટિફિન ભરતી અને કાંતાબહેન માટે જમવાનું ઢાંકીને કામ પર જતી. થોડા દિવસ તો બધું ઠીક ચાલ્યું પણ પછી કાંતાબહેને કચકચ ચાલુ કરી:
‘આટલું વહેલુ બનાવેલું ઠંડું ખાવાનું મારા તો ગળે ઊતરતું નથી.’ રાતના પણ કામ પરથી આવીને રીના રસોઈ બનાવતી તો કાંતાબહેન કહેતાં, ‘રાતે જમવાનું કેટલું મોડુ થઈ જાય છે. મને પછી પચતું નથી.’ રીના આટલું કરે છે તેની પ્રશંસા કરવાને બદલે વાંક કાઢતાં. રસોઈમાં પણ ખોડ-ખાંપણ શોધી કાઢતાં.
રોજના કકળાટને લીધે રાજેશે કહ્યું : ‘મા, તો આપણે એવું કરીએ સવારે તારું જમવાનું બનાવવા બાઈ રાખી લઈએ. તારા સમયે આવીને તને ગરમ રસોઈ કરીને જમાડે અને સાંજે પણ તારે જેટલા વાગે જમવું હોય તેટલા વાગે આવીને તને જમાડી જાય અને અમારું ઢાંકીને ચાલી જાય.’ ‘લે, જો તો આ બાયડીઘેલો રસોયણ રાખવાનું કહે છે. મને તો કોઈ દિવસ રસોયણ રાખવા દીધી ન હતી.’
આમ વાતવાતમાં કાંતાબહેન વહુ રીના સાથે વાંકુ પાડવા લાગ્યા. કારણ વગર રીનાની પાછળ પડી જતાં. રાજેશ કાંઈ બોલે તો એને ‘જોરુ કા ગુલામ’ કહીને તોડી પાડતાં. આખો દિવસ પોતે રાજેશ માટે કેટલું કર્યું છે તે સંભળાવ્યા કરતાં. રીના તો બાની સામે ક્યારેય કાંઈ બોલતી નહીં. બાને હંમેશાં માન જ આપતી, પણ કાંતાબહેન કાંઈ સમજતાં જ ન હતાં.
આવી સારી વહુ અને સમજદાર દીકરો હોવા છતાં એ લોકોને ટોર્ચર કર્યા કરતાં. રીનાના મા-બાપ અને ભાઈ- બહેન માટે પણ એલફેલ બોલતાં. ખબર નહીં કેમ પણ દિવસે દિવસે એમનો સ્વભાવ બગડતો ચાલ્યો. આખો વખત એક જ રટણ: ‘મેં રાજુ માટે કેટલું કર્યું હવે તે મારી સામે જોતો નથી…’ અરે, રાજુ પણ માને ખુશ રાખવા પ્રયત્ન કરતો પણ કાન્તાબહેન કંઈ સમજતાં જ નહીં. કામ પરથી દીકરો-વહુ આવ્યા નથી અને એમનો કકળાટ ચાલુ ….રીના જે ડ્રેસ પહેરે તેમાં પણ વાંધાવચકા.
આવું બધું કોણ સહન કરે? છતાં રીનાએ પેન્ટ્સ પહેરવાનું બંધ કરીને સલવાર-કમીઝ પહેરવા માંડ્યા. એમનું ધાર્યું થઈ જાય એટલે સાસુ-મા નવું કાંઈક શોધી કાઢે. થાકીને રાજેશે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય લીધો….
Also read: એકસ્ટ્રા અફેર : મહારાષ્ટ્ર-ઝારખંડ બંનેમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર
આમ કાંતાબહેન દીકરા-વહુથી બહુ જ નારાજ છે અને એમનો બડબડાટ અહીં પણ ચાલુ જ રહે છે.’ વૃદ્ધાશ્રમના સંચાલકે એમની વાત સમાપ્ત કરીને કાન્તાબહેનના આ વૃદ્ધાશ્રમ પ્રવેશ માટે ખરેખર કોણ જવાબદાર છે એનો ખુલાસો અમારી સમક્ષ કર્યો ત્યારે અમને પણ સિક્કાની બીજી બાજુની કથા જાણવા મળી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને