![](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/IAS-sanjay-Sethi.webp)
થાણે: મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એમએસઆરટીસીના ચેરમેન તરીકે આઈએએસ અધિકારી સંજય સેઠીની નિયુક્તિ કરી હોવાની જાહેરાત કરી હોવા છતાં આ ફક્ત કામચલાઉ વ્યવસ્થા છે, જ્યાં સુધી કોઈ જન પ્રતિનિધિની આ પદ પર નિયુક્તિ ન કરવામાં આવે.
પરિવહન ખાતાના સચિવ સેઠી એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના અધિકારી છે. તેમને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના ચેરમેન બનાવવામાં આવ્યા હોવાનું સત્તાવાર ગેઝેટ બુધવારે બહાર પાડવામાં આવ્યું હતું. છેલ્લા એક દાયકામાં આ પદ પર નિયુક્ત થનારા તેઓ પહેલા આઈએએસ અધિકારી છે. આ પદ પર પહેલાં ભરત ગોગાવલે હતા. તેઓ સત્તાધારી પાર્ટી શિવસેનાના વિધાનસભ્ય છે.
આ પણ વાંચો:MSRTCના ચેરમેન તરીકે આઇએએસ અધિકારી સંજય સેઠીની નિમણૂક
એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બહાર નીકળી રહેલા પ્રતાપ સરનાઈકને જ્યારે આ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે એમએસઆરટીસીનું અધ્યક્ષપદ રાજકીય વ્યક્તિ પાસે જ રહેશે. જ્યારે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે આ પદ વિધાનસભ્ય ભરત ગોગાવલેને આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પ્રધાન બન્યા બાદ તેમણે રાજીનામું આપતાં આ પદ ખાલી પડ્યું હતું. જ્યાં સુધી નવી વ્યક્તિની નિયુક્તિ નહીં કરવામાં આવે ત્યાં સુધી સંજય સેઠીને અધ્યક્ષપદ આપવામાં આવ્યું છે. આ એક કામચલાઉ વ્યવસ્થા છે.
અહીં ઉલ્લેખનીય છે કે સરનાઈક રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન છે અને એસટી તેમના અધિકારક્ષેત્રમાં આવે છે.
આ બાબતે અંતિમ નિર્ણય મારા દ્વારા લેવામાં આવશે એટલે કોઈએ આ મુદ્દા પર રાજકારણ કરવાની આવશ્યકતા નથી, એમ પણ તેમણે કહ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને