મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનામાં નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ સોનાના ભાવમાં ત્રણ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટી સુધી ઊતરી ગયા હતા.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ભાવી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકોથી આયાત થતાં માલ પર ઊંચા ટેરિફના દર લાદવાના સંકેતો આપતાં ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવી હોવાથી હાજરમાં સોનામાં ભાવઘટાડો અટક્યો હતો અને સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
Also read: સોનામાં નફારૂપી વેચવાલી નીકળતા સ્થાનિકમાં ₹706 તૂટ્યા, ચાંદી ₹1405 ગબડી
આમ વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૮૫થી ૧૩૯૧નું ગાબડું પડ્યું હતું અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૯૮૨ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સોનામાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૮૫ તૂટીને રૂ. ૭૫,૩૮૭ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૯૧ તૂટીને રૂ. ૭૫,૬૯૦ના મથાળે રહ્યા હતા.જોકે, ભાવઘટાડાના માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હતી અને માત્ર રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની ખપપૂરતી માગ જળવાઈ રહી હતી.
તે જ પ્રમાણે ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૮૨ના ઘટાડા સાથે રૂ. ૮૮,૪૬૩ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ અને નવા નિયુક્ત થયેલા ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટ ઊંચા ટેરિફના દર લાદવા જેવાં પગલાં નહીં લે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં વેચવાલીનું દબાણ વધતાં ભાવ ત્રણ ટકા જેટલા ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
Also read: વૈશ્વિક સોનામાં નફારૂપી વેચવાલી નીકળતા સ્થાનિકમાં રૂ. 1089 તૂટ્યા, ચાંદી રૂ. 1762 ગબડી
જોકે, ભાવી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા માલ પર વધુ ૧૦ ટકા તથા કેનેડા અને મેક્સિકોથી આયાત થતાં માલ પર ૨૫ ટકા જેટલા ટેરિફના દર ઊંચા રાખવામાં આવે એવા સંકેતો આપતાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો અટક્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને