માણસો સોબત પણ મોટાભાગે સ્વાર્થી થઈને જ પસંદ કરતા હોય છે. કોની સોબત કરવાથી કયા પ્રકારનો લાભ થાય? એ પ્રશ્ર્નાર્થ ચિહ્ન ધારી વિચાર ચોક્કસ આવી જતો હોય છે. જો કે, સોબતમાં સ્વાર્થ જોવાના ઘણા પ્રકાર હોય છે. જેમ કે, આચાર, વિચાર, જ્ઞાન, અર્થ, પરમાર્થ વગેરે… વગેરે! એક ચોવક છે: ‘સાધૂંયેંજી સંગત મેં વારેં જા ડરશન’
આ પણ વાંચો : કચ્છી ચોવક ઃ ભાગ્ય પ્રમાણે ભોગવે જ છૂટકો!
‘સાધૂંયેંજી શબ્દનો અર્થ થાય છે: સાધુઓની. ‘સંગત’ એટલે સોબત. ‘મેં’ એટલે ‘માં’ અને ‘વારેં’નો અર્થ થાય છે: વાર કે તહેવાર. ‘જા’નો અર્થ થાય છે: નાં અને ‘ડરશન’ એટલે દર્શન! અહીં ‘સાધુ’ શબ્દ પ્રતીકાત્મક રીતે મૂકવામાં આવ્યો છે. તો, ચોવકનો શબ્દાર્થ થાય છે: સાધુઓની સંગતમાં વાર-તહેવારનાં જ દર્શન થાય. મતલબ કે, તેમની સંગતમાં બીજો કોઈ લાભ ન થાય.. અને એ જ તેનો ભાવાર્થ છે!
આમ તો ગુજરાતીમાં એક કહેવતનો આપણે બોલચાલમાં ઉપયોગ કરતા હોઈએ છીએં કે, ‘વાસ વસે તેવી બુદ્ધિ આવે’ એવી જ બીજી કહેવત છે ‘સોબત તેવી અસર’ અને એ જ અર્થમાં ચોવક પણ રચાણી છે: ‘વાસ વસે એ઼ડી બુધી અચે.’ ‘વાસ વસે’ એ બે શબ્દોનો સમૂહ છે જેનો એક સાથે જ અર્થ સમજવો યોગ્ય રહેશે. તેનો અર્થ થાય છે: જેવો સહવાસ/વસવાટ. ‘એ઼ડી’ એટલે તેવી અને ‘બુધી’નો અર્થ ‘બુદ્ધિ’ જ થાય છે. પણ મૂળમાં ચોવકને તો કહેવું એટલું જ છે કે: સોબતની અસર કે જેવી સોબત તેવી વાણી-વિચાર-વર્તન અને સંસ્કાર પર અસર!
એક ચોવક છે, જે સંબંધોનું મૂલ્ય સમજાવે છે. એ ચોવક છે: ‘વા઼ડે સેં વે઼ડ ન કરાજે’ વાડ શબ્દથી ગુજરાતીમાં આપણે પરીચિત છીએં, સામાન્ય રીતે ખેતર કે વાડીના મોલની રક્ષા કરવા માટે ફરતી બંધાતી એ વાડ! એ વાડનો વાડીના માલિક અને લહેરાતા મોલ સાથે નિત્યનો નાતો! ‘સેં’ શબ્દનો અર્થ થાય છે ‘થી’ અને ‘વે઼ડ’ એટલે ઝઘડો અને ‘ન કરાજે’ એ બે શબ્દોના સમૂહનો અર્થ થાય છે: ન કરાય. શબ્દાર્થ સ્પષ્ટ થઇ ગયો છે: વાડથી વેર ન બંધાય! પણ ચોવક કહેવા એમ માગે છે કે ‘જેમની સાથે રોજના સંબંધો હોય તેમની સાથે સંબંધો સાચવીને રાખવા! તેમની સાથેનો અણબનાવ આપણને જ નુકસાન કરે!’
‘વા઼ડ’ શબ્દની ચોવક આવતાં બીજી પણ એક ચોવક યાદ આવી ગઈ! આ રહી એ ચોવક: ‘વા઼ડ સુણેં વા઼ડ જો કંઢો સુણેં’ જોજોહો, અહીં વાડ પોતાનું સ્થાન બદલે છે. એ કોઈ છોડ-વેલની સાચવણી કરતી વાડ બની જાય છે અને એ છોડ-વેલ એટલે માણસના મનમાં ચાલતા વિચારો! ખેર! ‘સુણેં’ શબ્દનો અર્થ થાય છે: સાંભળે. ‘જો’ એટલે નો અને ‘કંઢો’ એટલે કાંટો. વાડ મોટાભાગે કાંટાળી જ હોય છે. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએં કે, ‘દીવાલોને પણ કાન હોય છે’ એ કંઈ ખરેખર નથી હોતા પણ કોઈ અત્યંત ગુપ્ત રાખવાની વાત એટલી સાવધાનીથી અંગત વ્યક્તિને કહેવી જોઈએ કે, કોઈને ખબર જ ન પડે! પણ તેમ છતાં પણ વાત વહેતી થઈ જતી હોય છે! એવું બને ત્યારે આ ચોવકનો પ્રયોગ થાય છે કે, વાડ સાંભળે અને તેનો કાંટોય આપણી વાત
સાંભળી લે!
આ પણ વાંચો : ચોવક કહે છે: કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે!
હવે આ ચોવક માણજો મિત્રો. ચોવક છે: ‘લડ ડૅ, લડામણ ડૅ, લડેવારો ભેરો ડૅ.’ ‘લડ’ શબ્દનો આમ મૂળ અર્થનો ઉચાળો ભરવો થાય છે, અહીં વિદાય મૂકીશું તો અર્થ સરળ બનશે. ‘લડ ડૅ’ એટલે વિદાય આપે કે રજા આપ. ‘લડામણ ડૅ’ જવાનાં સાધન-સામગ્રી આપ અને ‘લડેવારો’નો અહીં અર્થ થશે: વળાવિયો. ‘ભેરો’ એટલે ભેગો, ‘ડે’ એટલે દે અથવા આપ! હવે, તમે કોઈને કાંઈ કાર્ય કરવાનું સોંપો ત્યારે એ વ્યક્તિ તમારી પાસેથી બધી જ સગવડ પૂરી પાડવાની માગણી કરે… ત્યારે કચ્છીમાં આ ચોવક પ્રાયોજાય છે.