BJP wins by 32 votes, but Chautala loses Screen Grab: ThePrint

હરિયાણા વિધાનસભાની ચૂંટણીના આજના પરિણામોમાં સૌથી ચોંકાવનારું રિઝલ્ટ ઉચાના કલાની બેઠક પરથી આવ્યું, જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમદેવારની 32 મતથી વિજય થયો, જ્યારે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંતસિંહ ચૌટાલાની કારમી હાર થઈ છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેજેપીના દુષ્યંત ચૌટાલા જે ૨૦૧૯માં કિંગમેકર હતા, તેમને ઉચાના કલાથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તે પાંચમા ક્રમે રહ્યા છે, જ્યારે જમાનત પણ જપ્ત થઈ છે. અહીંની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જીત અને હારનો તફાવત માત્ર ૩૨ મતનો રહ્યો છે.

અહીં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના દેવેન્દ્ર અત્રીની જીત થઈ હતી. તેમને ૪૮,૯૬૮ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના બ્રિજેન્દ્ર સિંહને ૪૮,૯૩૬ મત મળ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. અપક્ષ ઉમેદવાર વિરેન્દ્ર ઘોઘડિયા ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમને ૩૧,૪૫૬ મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર વિકાસને ૧૩,૪૫૮ મત મળ્યા હતા. જ્યારે દુષ્યંત ચૌટાલાને ૭૯૫૦ મત મળ્યા હતા.

આ પણ વાંચો : નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનના 48 વિજેતામાં માત્ર બે હિન્દુ

દેશના સૌથી ધનિક મહિલા ઉદ્યોગપતિ સાવિત્રી જિંદાલ સહિત ત્રણ અપક્ષો હિસારથી જીત્યા છે. સૌથી ખરાબ સ્થિતિ જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની છે, જે પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહી છે. તેમને ૦.૯૦ ટકા મત મળ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં જેજેપીએ ૧૦ બેઠક જીતી હતી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.

૨૦૧૯ની ચૂંટણીમાં આ સીટ પરથી દુષ્યંત ચૌટાલા જીત્યા હતા. તેમને ૯૨,૫૦૪ મત મળ્યા હતા. ચૌટાલાએ ભાજપના ઉમેદવાર પ્રેમલતા સિંહને હરાવ્યા હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના પ્રેમલતા સિંહે જીત મેળવી હતી. તેણે દુષ્યંત ચૌટાલાને હરાવ્યા હતા. ઓમ પ્રકાશ ચૌટાલા ૨૦૦૯માં આ સીટ પરથી જીત્યા હતા. તેણે બિરેન્દ્ર સિંહને હરાવ્યા હતા. બિરેન્દ્ર સિંહ ૨૦૦૫માં આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.