![ind vs eng 1st odi England each retired for 248](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/ind-vs-eng-1st-odi-England-all-out-for-248.jpg)
નાગપુરઃ ઇંગ્લૅન્ડે અહીં ભારત સામેની પ્રથમ વન-ડેમાં બૅટિંગ લીધા પછી સારી શરૂઆત બાદ ધબડકો જોયો હતો, પણ છેવટે જૉસ બટલરના સુકાનમાં આ ટીમ 50 ઓવરમાં 248 રનનો સન્માનજનક સ્કોર નોંધાવવામાં સફળ થઈ હતી. અઢીસો રન જેટલા ટોટલમાં બે હાફ સેન્ચુરી સામેલ હતી. 10માંથી છ વિકેટ ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ લીધી હતી.
જૉસ બટલરે 67 બૉલમાં ચાર ફોરની મદદથી બાવન રન બનાવ્યા હતા, જ્યારે જૅકબ બેથેલે 64 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે 51 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી.
આ પણ વાંચો: રોહિત અને ગંભીર વચ્ચે કડવાશ છે? આ વીડિયોમાં તો ગાઢ દોસ્તી દેખાય છે…
કરીઅરની પહેલી જ વન-ડે રમી રહેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ઇંગ્લૅન્ડની 10મી ઓવરમાં ઉપરાઉપરી બે વિકેટ લઈને બ્રિટિશ ટીમની છાવણીમાં સોપો પાડી દીધો હતો. હર્ષિતે 53 રનમાં કુલ ત્રણ વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા એવો જ બીજો સફળ બોલર હતો જેણે ફક્ત 26 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ મેળવી હતી. છ બોલરમાં એકમાત્ર હાર્દિક પંડ્યાને 37 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. જોકે તેણે શરૂઆતમાં બ્રિટિશ બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા.
આ પણ વાંચો: બુમરાહને દરેક સિરીઝમાં રમાડવાનું ટાળોઃ ભારતને સાઉથ આફ્રિકાના ક્રિકેટરની સલાહ
ઇંગ્લૅન્ડના ઓપનર ફિલ સૉલ્ટ (43 રન, 26 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) તથા બેન ડકેટ (32 રન, 29 બૉલ, છ ફોર)ની ઓપનિંગ જોડીએ સિરીઝનો ધમાકેદાર આરંભ કર્યો હતો. તેમણે નવમી ઓવર પૂરી થઈ એ પહેલાં 75 રન ખડકી દીધા હતા. જોકે એ ઓવરના પાંચમા બૉલમાં ડકેટ સાથેની ગેરસમજને લીધે વિકેટકીપર સૉલ્ટે રનઆઉટમાં વિકેટ ગુમાવી દીધી હતી. શ્રેયસ ઐયર અને વિકેટકીપર કે. એલ. રાહુલે તેને રનઆઉટ કરીને અને હાફ સેન્ચુરીથી વંચિત રાખીને પૅવિલિયનમાં પાછો મોકલી દીધો હતો. ત્યાર બાદ 10મી ઓવરમાં હર્ષિતે ત્રીજા બૉલમાં ડકેટની અને છઠ્ઠા બૉલમાં હૅરી બ્રૂક (0)ની વિકેટ લઈને બ્રિટિશ ટીમને મુસીબતમાં મૂકી દીધી હતી.
જૉ રૂટ (19 રન)ની મહત્ત્વની વિકેટ જાડેજાએ લીધી હતી. તેણે રૂટને એલબીડબ્લ્યૂની અપીલમાં પૅવિલિયન ભેગો કરી દીધો હતો. બટલરની પ્રાઇઝ વિકેટ અક્ષર પટેલે લીધી હતી. બટલર પુલ શૉટ મારવાના પ્રયાસમાં શૉર્ટ ફાઇલ લેગ પર હાર્દિકને કૅચ આપી બેઠો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને