શુક્રવારે જે ફિલ્મો થિયેટરોમાં રિલિઝ થવાની હોય તેનું પ્રમોશન એટલું બધુ થાય કે તમારે ન જાણવું હોય તો પણ તમને યાદ હોય કે આજે આ ફિલ્મ થિયેટરમાં આવશે. આ સાથે ફિલ્મના સ્ટાર્સ કેટલાય સ્ટંટ કરે જેથી લોકો ફિલ્મ જોવા જાય, પરંતુ હંમેશાં લાઈમલાઈટમાં રહેતા હિમેશ રેશમિયાએ આ વખતે ચુપચાપ થિયેટરોમાં ધમાકો મચાવ્યો છે.
આજે સાતમી ફેબ્રુઆરીએ આમિર ખાન અને શ્રીદેવીના સંતાનોની ફિલ્મ લવયાપાની ચર્ચા વધુ થઈ રહી હતી, પરંતુ આપણા ગુજરાતી મલ્ટિટેલેન્ટેડ સ્ટાર હિમેશ રેશમિયાએ પહેલા જ દિવસે વ્યુઅર્સને પોતાની તરફ ખેંચ્યા છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ ક્રિટિક્સ પણ તેની ફિલ્મના વખાણ કરી રહ્યા છે. બોલવામાં અઘરું લાગે તેવા ટાઈટલ સાથે બૈડએસ રવિકુમાર લઈને રેશમિયા આવ્યા છે.
શું છે ફિલ્મની સ્ટોરી
તમને નવાઈ લાગશે પણ આ ફિલ્મમાં એક હતો રાજા ને એક હતી રાણી કહી શકાય તેવી વાર્તા નથી. ફિલ્મ એક પોલીસ અધિકારીની છે અને ઈન્ડિયન સિનેમાનો પોલીસ અધિકારી કંઈ પણ કરી શકે. બસ પછી રવિકુમાર પણ બોલાવે છે ધબધબાટી. તમારે વધારે મગજ ખર્ચવાનું નથી. થિયેટરમાં જઈ ફિલ્મ જોવાની એક એક ડાયલોગ પર સિટિ મારી હસીને હળવા થઈ પાછું આવવાનું છે. આ ફિલ્મ 1980ના રેટ્રો પિરિયડ્સની ફિલ્મોની સ્પૂફ ફિલ્મ છે. તે સમયે હીરોને જે લાર્જર ધેન લાઈફ બતાવવામાં આવતો હતો તેવી વાર્તા છે. વિલેન, હિરોઈન્સ સેટ્સ બધુ તમને 1980ના દાયકાની ફિલ્મોની યાદ અપાવશે.
એક્ટિંગ અને ડિરેક્શન
આ ફિલ્મ 1980ના રેટ્રો પિરિયડ્સની હોવાથી હિમેશનો રોલ તે પ્રમાણેનો જ છે. હિમેશે તેને નિભાવવામાં કોઈ કચાશ છોડી નથી. સુપરડુપર એક્શન અને એકથી એક ચડિયાતા ડાયલૉગ્સ હિમેશના ફેન્સને ખૂબ ગમી રહ્યા છે.
ટ્વીટર પર લોકો આને હિમેશની સરપ્રાઈઝ ટ્રીટ કહે છે. ફિલ્મ માત્ર રૂ. 20 કરોડના ખર્ચે બની છે, પણ ગલ્ફના લોકેશન્સ, મ્યુઝિક સિક્વન્સ, બધુ જ અફલાતૂન લાગે છે. હિમેશ ઉપરાંત પ્રભુદેવા, જ્હોની લીવર, કિર્તી કુલ્હારી, સૌરભ સચદેવા, સન્ની લિયોની બધા જ રેટ્રો સ્ટાર લાગે છે અને તે પ્રકારનો જ અભિનય છે.
ડિરેક્શનની વાત કરીએ તો કેઈથ ગોમ્સ માટે 1980નો ફિલ્મી માહોલ ઊભો કરવાનું સહેલું નથી. ફિલ્મ વાર્તામાં નબળી હોવા છતાં ડિરેક્શનને લીધે જોવાલાયક બની છે. ફાઈટિંગ સિકવન્સ અને કૉમેડી વચ્ચે બેલેન્સ છે. ફિલ્મનો વિષય આવો હોવા છતાં ફિલ્મ ક્રિંજ થતાં અટકી છે.
આ પણ વાંચો…હવે આ અભિનેતાની કિસ થઈ વાયરલઃ બોલીવૂડમાં કિસ મેન્યા છવાયો કે શું?
હજુ જો લેખન પર વધારે કામ કર્યું હોત તો ફિલ્મ વધારે સારી બની હોત. આ સાથે હિમેશ પાસેથી જેવા મ્યુઝિકની અપેક્ષા હતી તેવું નથી. 80ના દાયકાના સુપરહીટ સૉગ્સની પેરોડી કે રિમેક લાવી શકાયું હોત. જો તમે ભારે ભરખમ વિષયોની ફિલ્મોથી કંટાળી ગયા હો તો હળવા થવા માટે આ ફિલ્મ ચોક્કસ જોઈ શકાય.
મુંબઈ સમાચાર રેટિંગઃ 3.5/5
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને