![Devendra Fadnavis took oath arsenic CM](https://bombaysamachar.com/wp-content/uploads/2024/12/devendra-fadnavis-1.webp)
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના રાજ્યની મતદારયાદીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરાજય સામે દેખાતો હોવાથી આવા દાવા કરવામાં આવી રહ્યા છે.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં ભાજપના સિનિયર નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લોકસભામાં વિપક્ષી નેતાએ આત્મચિંતન કરવાની આવશ્યકતા છે અન્યથા કૉંગ્રેસનું પુનરાગમન શક્ય નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોટો પરાજય થવાના સંકેત મળી ગયા હોવાથી રાહુલ ગાંધી અત્યારે બચાવ કરવા માટે આડશ ગોતી રહ્યા છે, એમ તેમણે નાગપુરમાં કહ્યું હતું. ત્રણ વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવેલા મતદારયાદીમાં ગેરરીતિના આક્ષેપોનો જવાબ તેઓ આપી રહ્યા હતા.
આ પણ વાંચો: ઉદ્યોગોને પરેશાન કરનારાઓ અને ત્રાસ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરો: ફડણવીસનો પોલીસને નિર્દેશ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર કરવામાં આવશે.
કૉંગ્રેસ અને તેના સાથી શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)એ શુક્રવારે મહારાષ્ટ્રની મતદારયાદીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા હતા અને એવો દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી પછી રાજ્યની મતદારયાદીમાં 39 લાખ મતદાતાઓ ઉમેરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીમાં સાથી પક્ષો શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)ના નેતાઓ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં નવા ઉમેરવામાં આવેલા મતદારોની સંખ્યા હિમાચલ પ્રદેશ જેવા રાજ્યની કુલ વસ્તી બરાબર હતા.
તેમણે ચૂંટણી પંચને મતદારોની યાદીની નકલ ઉપલબ્ધ કરાવવાનો અને આ મુદ્દે સ્પષ્ટ આવવા જણાવ્યું હતું.
ફડણવીસે કહ્યું હતું કે ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં મતદારોની વૃદ્ધિ અંગેના બધા જ સવાલોના જવાબ આપી દીધા છે અને તેથી આ મુદ્દાનું હવે કોઈ ઔચિત્ય નથી. (પીટીઆઈ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને