મુંબઈ: સબર્બન મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવતા હોય તો આગામી બે દિવસમાં મેજર બ્લોકને કારણે લોકલ ટ્રેનનું શેડયૂલ ખોરવાઈ શકે છે. રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ કામકાજને કારણે આવતીકાલે રાતથી લઈ રવિવાર સવાર સુધી પશ્ચિમ રેલવેમાં 13 કલાક અને મધ્ય રેલવેની બંને મુખ્ય લાઈનમાં વિશેષ બ્લોક રહેશે. આ બ્લોકને કારણે લોકલ ટ્રેનો રદ્દ કરવાની સાથે અનેક ટ્રેનો મોડી દોડી શકે છે, એમ રેલવેએ જણાવ્યું હતું.
ગ્રાન્ટ રોડ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે મેજર બ્લોક
પશ્ચિમ રેલવેમાં શનિવારે રાતના દસ વાગ્યાથી રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન બંને ફાસ્ટ લાઇનમાં ૧૩ કલાકનો મેજર બ્લોક રહેશે. 13 કલાકના જમ્બો બ્લોક દરમિયાન ટ્રેકની પ્રવૃત્તિ તેમજ સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણીનું ધ્યાન રાખવામાં આવશે.
આ બ્લોકની અસર દૈનિક મુસાફરો અને મુંબઈના સ્થાનિક લોકો પર પડી શકે છે. બ્લોક દરમિયાન, ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે બધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન ટ્રેનો ધીમી લાઇન પર ચલાવવામાં આવશે. બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય 70થી વધુ ટ્રેન રદ રહેશે અને કેટલીક ચર્ચગેટ ટ્રેનો બાંદ્રા/દાદર સ્ટેશનથી ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવશે.
માટુંગા-મુલુંડ વચ્ચે ચાર કલાકનો રહેશે બ્લોક
રવિવારે CSMTથી સવારે 10.58 વાગ્યાથી બપોરે 3.10 વાગ્યા સુધી ઉપડતી ડાઉન ફાસ્ટ લાઇન સેવાઓને માટુંગા ખાતે ડાઉન સ્લો પર ડાઈવર્ટ કરવામાં આવશે, રવિવારે સવારે 11.25 વાગ્યાથી બપોરે 3.27 વાગ્યા સુધી થાણેથી ઉપડતી અપ ફાસ્ટ લાઇન સેવાઓને મુલુંડ ખાતે અપ સ્લો લાઇન પર ડાઈવર્ટ કરવામાં આવશે, જે નિર્ધારિત સ્ટોપેજ મુજબ મુલુંડ અને માટુંગા સ્ટેશનો વચ્ચે થોભશે. અને માટુંગા સ્ટેશન પર અપ ફાસ્ટ લાઇન પર ફરીથી ડાઈવર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો : સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ, સ્ટેશનો પર ભારે ભીડ
હાર્બર લાઈનમાં CSMT અને ચુનાભટ્ટી/બાંદ્રા વચ્ચે બ્લોક રહેશે
સવારે 11.16 વાગ્યાથી સાંજના 4.47 વાગ્યા સુધી CSMTથી વાશી/બેલાપુર/પનવેલ માટે ઉપડતી ડાઉન હાર્બર લાઇન સેવાઓ અને સવારે 10.48 વાગ્યાથી સાંજે 4.43 વાગ્યા સુધી CSMTથી બાંદ્રા/ગોરેગાંવ માટેની ડાઉન સેવાઓ રદ રહેશે. રવિવારે સવારે 9.53 વાગ્યાથી બપોરે 3.20 સુધી પનવેલથી સીએસએમટી માટે પનવેલ/બેલાપુર/વાશીથી ઉપડતી હાર્બર લાઇન સેવાઓ અને સવારે 10.45 વાગ્યાથી સાંજના 5.13 વાગ્યા સુધી ગોરેગાંવ/બાંદ્રાથી CSMT જતી બાંદ્રાથી ઉપડતી અપ સેવાઓ રદ રહેશે. હાર્બર લાઇનના મુસાફરોને સવારે 10.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી મેઇન લાઇન અને વેસ્ટર્ન લાઇન સ્ટેશનો પરથી મુસાફરી કરવાની છૂટ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને