નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને આજે બજેટ રજૂ કર્યા પછી રેલવે મંત્રાલયે 2.55 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી. અન્ય મંત્રાલયની તુલનામાં ઈન્ડિયન લાઈફલાઈનને સતત ધબકતી રાખવા અને હાઈ સ્પીડ વેગે દોડાવવા માટે રેલવેને જંગી ભંડોળની જોગવાઈ કરી છે, ત્યારે કેન્દ્રીય બજેટમાંથી રેલવેની કાયાપલટ માટે જંગી ભંડોળ ફાળવ્યું છે. જંગી ભંડોળની ફાળવણી સહિત પ્રવાસીઓની સુવિધા માટે 200 વંદે ભારત અને 100 અમૃત ભારત ટ્રેનનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો: Budget 2025: Vande Bharat ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનના કોરિડોર માટે શું થઈ ફાળવણી?
200 વંદે ભારત ટ્રેનનું નિર્માણ કરવામાં આવશે
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે નવી અમૃત ભારત ટ્રેનોની સાથે આગામી દિવસોમાં અન્ય આધુનિક ટ્રેનો મહાનગરોને જોડશે. રેલવેને ફાળવેલા ભંડોળમાંથી આધુનિક ટ્રેનોના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવશે. રેલવેને 17,500 જનરલ ક્લાસ કોચના નિર્માણ, 200 વંદે ભારત અને 100 અમૃત ભારત ટ્રેન બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
નવા પ્રોજેક્ટસ માટે 4.6 લાખ કરોડ ખર્ચાશે
2025-26 પછી જનરલ બજેટ રજૂ કરવામાં આવ્યા પછી રેલવે પ્રધાન રેલવેના પ્રસ્તાવિત પ્રોજેક્ટ અને ભંડોળ ફાળવણી અંગે વાત કરી હતી. બજેટમાં 4.6 લાખ કરોડ રુપિયાના નવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. નવા પ્રોજેક્ટસ આગામી ચારથી પાંચ વર્ષમાં પૂરા કરવામાં આવશે. આ ઉપરાંત, નવી લાઈન નાખવા, જૂના પેન્ડિંગ પ્રોજેક્ટને પૂરા કરવાની સાથે સ્ટેશન નવનિર્માણ, ફ્લાયઓવર-રોડઓવર બ્રિજ સહિત અંડરપાસ સહિત અન્ય કામકાજનો સમાવેશ થાય છે.
31, માર્ચ સુધીમાં 1,400 જનરલ કોચ બનાવાશે
નવી અમૃત ભારત ટ્રેનને દેશના નાના-નાના શહેરોને જોડવાનું કામ કરશે. આગામી બેથી ત્રણ વર્ષમાં 100 અમૃત ભારત, 50 નમો ભારત અને 200 વંદે ભારત ટ્રેન બનાવવામાં આવશે. નવી અમૃત ભારત ટ્રેન ખાસ કરીને ઓછા અંતરવાળા બે શહેરને જોડશે. આ ઉપરાંત, જનરલ ક્લાસના કોચની સંખ્યા ઓછી હોવાથી વધુ 17,500 જનરલ કોચનું નિર્માણ કરવામાં આવશે. જનરલ કોચનું નિર્માણ તો કામકાજ ચાલી રહ્યું છે, જે 31 માર્ચ સુધીમાં 1,400 કોચ તૈયાર કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં અમારો લક્ષ્યાંક 2,000 કોચ નિર્માણનો છે, જ્યારે 1,000 નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને