Discover a Strange and Wonderful World

હેન્રી શાસ્ત્રી

હૈયામાં જો હોય હામ તો…. શારીરિક ક્ષમતાની મર્યાદા હોય, પણ હૈયાની હામ અમર્યાદિત હોય એવા અનેક પ્રસંગો દેશ – વિદેશમાં અનેક વર્ષોથી આપણે જોયા છે – સાંભળ્યા છે અને હવે પછી પણ સાંભળતા રહેશું. દેહરાદૂનમાં આયોજિત રાષ્ટ્રીય રમતોત્સવની 10 હજાર મીટરની રેસમાં પગમાં ફિટ ન બેસે એવા શૂઝ હોવા છતાં ઉત્તરાખંડની સોનિયા સ્પર્ધામાં સહભાગી થઈ. આવી ડેરિંગ કરવાથી મજૂરની દીકરી સોનિયાને બ્રોન્ઝ મેડલ તો મળ્યો જ, સાથે છ લાખ રૂપિયાનું રોકડ ઈનામ અને સુરક્ષિત ભવિષ્યનું સપનું સાકાર થાય એવી સરકારી નોકરી મળી ગઈ એ છોગામાં. 

1960ના ઓલિમ્પિક્સમાં પણ આવી એક ઘટના બની હતી. માપસર જૂતા નહીં મળવાને કારણે ઇથિયોપિયાના દોડવીર અબેબે બિકીલાએ ઉઘાડે પગે મેરેથોન રેસ (26.2 માઈલ = 41.92 કિલોમીટર) દોડી, ફર્સ્ટ આવી ગોલ્ડ મેડલ તો મેળવ્યો જ હતો, પણ નવા વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ સુધ્ધાં મેળવી હતી. આ અદભુત વિજયને પગલે ઈથિયોપિયાના એથ્લેટિક્સમાં નવો સૂરજ ઉગ્યો, જેના અજવાળા આજે પણ ઠેર ઠેર પથરાયેલા જોવા મળે છે.

દર્પણ દાગતરના દીદારમાં…અરીસામાં જોઈ પોતાની ખૂબસૂરતી પર ફિદા થવું એ દરેક સન્નારીનો જન્મસિદ્ધ જ નહીં, આજીવન હક છે. વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો’ સાંભળવા દરેક નારી થનગનતી હોય છે. અલબત્ત, ‘દર્પન જૂઠ ના બોલે’ એમ અરીસો સંકોચ રાખ્યા વિના ચહેરા પરની કરચલીઓ પણ દેખાડી દે છે. 

જોકે, ટૅકનોલૉજીના ક્રાંતિ કાળમાં હવે  દર્પણ દાગતર (ડોક્ટર)ના દીદારમાં જોવા મળશે. પગથી માથા સુધીનું ‘દર્શન’ કરાવી આપતું આ દર્પણ મહિલાનું (પુરુષનું સુધ્ધાં) વજન તો જણાવશે એની સાથે શરીરમાં ચરબીનું પ્રમાણ, સ્નાયુની સ્નિગ્ધતા પ્રમાણસર છે કે નહીં એની જાણકારી આપશે. એટલું જ નહીં, હાર્ટની કોઈ તકલીફ હશે ECG  પણ કાઢી આપશે. તમારા શરીરમાં કોઈ તત્વ (કેલ્શ્યિમ, આર્યન, પોટેશ્યિમ વગેરે)ની ઉણપ હશે તો એની સામે આંગળી ચીંધશે અને બરાબર નીંદર થાય છે કે નહીં એનું પણ ધ્યાન રાખશે. જો શરીરમાં કોઈ ગરબડ ધ્યાનમાં આવે તો હેલ્થ રિપોર્ટ ડોક્ટરને મોકલી શું કરવું ને શું નહીં એની જાણકારી પણ આપશે. ટૂંકમાં, મિરર બની જશે તમારો મેડિકલ એડવાઈઝર …

 હવે ઢીંગલી કહેશે: ચાલો, દાદાજી.. દવા લઈ લો ! જમાનો બદલાઈ રહ્યો છે. જમાનો ટૅકનોલૉજી હાવી થવાનો છે. સાત વર્ષની ઢીંગલી સિત્તેર વર્ષના દાદા કે દાદીની દેખભાળ કરી એમની દૈનિક જરૂરિયાતનું ધ્યાન પણ રાખશે. વાત પૌત્રી અને દાદી- દાદાના સ્નેહની જ છે, પણ અહીં દાદા – દાદી મારા તમારા જેવા પ્રેમાળ મનુષ્ય છે, પણ પૌત્રી AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદથી તૈયાર કરવામાં આવેલી ડોલ- ઢીંગલી છે. AI સંચાલિત રોબોટ ઢીંગલીને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી છે અને એના આર્ટિફિશિયલ બ્રેનમાં એવી માહિતી ભરવામાં આવી છે જેની સહાયતાથી એ દાદા – દાદીને ‘દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે’ કે ‘ચાલો જમવા બેસી જાવ’ જેવી મહત્ત્વની વાતનું ટાણું સાચવી જ લેશે એ સાથે  ‘ગીત ગાતા હૂં મૈં ગુનગુનાતા હૂં મૈં’ ગણગણી તેમજ ‘કેબીસી’ જેવી ક્વિઝ રમાડી વડીલના  અંતરના ઓરડામાં ઉજાસ પાથરવાનું પણ કામ કરશે. જો કોઈ ઈમરજન્સી આવી પડે તો ટૅકનોલૉજી (સ્માર્ટ ડિવાઈસ)ની મદદથી આરોગ્ય સેવાને સાવધ કરી સમયસર મદદ પહોંચે એનું ધ્યાન પણ રાખશે. ટૂંકમાં વડીલોને વસતિ લાગશે. એમને બીજું જોઈએ પણ શું?

57 વર્ષના શખ્સને 475 વર્ષની સજા, હેં! જીદ, સ્વાર્થ કે જનૂન માટે માણસ માણસ સાથે લડાઈ કરતો હોય છે. માણસ – માણસને લડાવી પણ મારતો હોય છે. આ જ માણસ વિકૃત આનંદ માટે પ્રાણી – પ્રાણી વચ્ચે લડાઈ પણ કરાવતો હોય છે. કોઈનું રોણું કોઈનું જોણું બની જાય છે. અલબત્ત, યુદ્ધ કોઈ પણ હોય, ક્રૂર જ હોય છે. એનું સમર્થન ક્યારેય ન થઈ શકે. ‘મરઘાંની લડાઈ’, ‘આખલાઓની લડાઈ’, ‘બુલબુલ પક્ષીના મુકાબલા’ વગેરે આપણે ત્યાં જાણીતા છે. યુએસએ, મેક્સિકો તેમજ યુરોપના અમુક દેશમાં ‘ડોગ ફાઈટિંગ’ – શ્વાનોની લડાઈ’ નામનો લોહિયાળ ખેલ મનુષ્ય સ્વભાવની વિકૃતિનું પ્રતિબિંબ છે. આ ખેલ માટે શ્વાનને પાળી તેને લડાઈ માટે તૈયાર કરવાની ગેરકાયદે પ્રવૃત્તિ જોરશોરમાં ચાલે પણ છે. યુએસના જ્યોર્જિયા સ્ટેટના 57 વર્ષના વિન્સેન્ટ બરેલ નામના શખ્સને ખાસ નસલના શ્વાનને ગેરકાનૂની ડોગ ફાઇટ માટે ‘તૈયાર કરવા’ બદલ કોર્ટે 475 વર્ષની સજા ફટકારી છે. ડોગ ફાઈટિંગ માટે ફટકારવામાં આવેલી આ સૌથી લાંબી અવધિની સજા છે.

બીજા લોકો જાનવરો સાથે અમાનવીય વ્યવહાર કરતા અટકે અને ક્રૂરતા કોઈ કાળે સાંખી નહીં લેવાય એ સંદેશો જનતાના દિલમાં સોંસરવો ઊતરી જાય એ આશય સાથે આવી લાંબી સજા કરવામાં આવી છે. વિન્સેન્ટ આ જન્મે તો પૂરી સજા નહીં ભોગવી શકે તો શું પુનર્જન્મમાં એણે બાકીની સજા ભોગવવાની? અને હા, કેટલા જનમ લાગશે આ સજા ભોગવતા ?! 

લ્યો કરો વાત! ઓલિમ્પિકસના જન્મસ્થાન તરીકે ખ્યાતિ ધરાવતા ગ્રીસ દેશનું ફેવરિટ ટૂરિસ્ટ સ્પોટ ટેરર સ્પોટ બની ગયું છે. ગ્રીક ટાપુ સેન્ટોરીનીમાં 10 દિવસમાં 750 ધરતીકંપ થવાથી ધ્રૂજી ઉઠેલા સહેલાણીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓએ સ્થળાંતર માટે દોડાદોડ કરી મૂકી છે.1 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ ટાપુ પર છેલ્લાં  60 વર્ષમાં એક પણ ધરતીકંપ થયો હોવાની નોંધ નથી. ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાની લાલચમાં પર્યાવરણ પ્રત્યે દેખાડેલી બેદરકારીનું આ પરિણામ હોવાનું કહેવાય છે. પ્રકૃતિ પ્રેમ કરે અને એને છંછેડો તો ખોફ પણ ઊતરે.       

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને