Know what has happened successful  the world

હેન્રી શાસ્ત્રી

જણનારીમાં જોર હોય તો…
૨૦૨૨માં વસતિમાં ભારતે પાડોશી ચીનને પાછળ રાખી નંબર -વનનો ખિતાબ મેળવી લીધો. જોકે, ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ અખબારનો તાજેતરનો અહેવાલ જોતા ચીન ફરી ભારતને ટપી જશે એવું લાગે છે.

ટિયાન ડોંગીસ્યા નામની મહિલાએ લગ્ન બાદ ૨૦૧૦માં પ્રથમ સંતાનને જન્મ આપ્યો અને ૨૦૨૪માં એ કુલ પોણો ડઝન (નવ) બાળકોની માતા બની ગઈ છે. જણનારીમાં એવું જોર છે કે મેડમ હજી બીજા ચાર બાળકને જન્મ આપી સંખ્યા ડઝન કરવા માગે છે.

શું કામ? તો કહે : ૧૨ રાશિ હોય છે અને દરેક રાશિનું એક બાળક તો હોવું જ જોઈએ…! આવી એની તમન્ના છે. નવ બાળકમાંથી બે ટ્વિન્સ હોવાથી કુલ ૮ રાશિના બાળક છે. હવે પ્લાનિંગ કરી. બાકીની ચાર રાશિના બાળકોની મા બનવાની ટિયાનની અદમ્ય ઈચ્છા છે.

ખાધે -પીધે પરિવાર ચાર પાંદડે છે. પતિ પાવર કંપનીમાં તગડા પગારની સીઈઓની નોકરી કરે છે અને ટિયાન એ જ કંપનીમાં જનરલ મેનેજરનો જોબ કરે છે. સંયુક્ત વાર્ષિક આવક ૫ કરોડ ૫૦ લાખ ડૉલર છે અને ૨૦૦૦ સ્કવેર મીટરમાં પથરાયેલા વિશાળ વિલામાં રહે છે. બાળકોની દેખભાળ માટે છ આયા અને એક ન્યુટ્રિશનિસ્ટ રાખ્યા છે.

‘રીંછના આતંક’માં રંગીન ભૂલ
પૈસા પડાવી લેવાની વૃત્તિ માણસમાં એટલી પ્રબળ હોય છે કે એ મેળવવા એ કોઈ પણ પગલું ભરી શકે છે, ગમે એવું તરકટ કરી શકે છે. યુએસના કેલિફોર્નિયા શહેરમાં ચાર નગરજનોએ વીમા કંપનીને જણાવ્યું કે એક કદાવર રીંછ એમની પાર્ક કરેલી રોલ્સ રોયસ કારમાં ઘૂસી ગયો અને અંદર તોડફોડ કરી કારનું ઇન્ટિરિયર ખેદાનમેદાન કરી નાખ્યું.

કાર પાર્ક કરી હતી એ પર્વતીય વિસ્તારમાં કાળા રીંછની વસતિ ખાસ્સી હોય છે. ક્લેમનો દાવો મજબૂત બનાવવા ‘રીંછના આતંક’નો કહેવાતો વીડિયો પણ વીમા કંપનીને મોકલી આપ્યો. વીડિયોમાં રૂંવાટી ધરાવતો આકાર કારમાં ઘૂસી અંદર નુકસાન કરતો દેખાય છે.

વીમા કંપનીને દાળમાં કશુંક કાળું લાગ્યું અને બાયોલોજિસ્ટની મદદ લેવામાં આવી ને વીડિયોનું ઝીણવટથી નિરીક્ષણ કરતા ખબર પડી કે એ રીંછ હતો જ નહીં…. રીંછનો કોસ્ચ્યુમ પહેરી કોઈ માણસ અંદર પ્રવેશ્યો હતો અને વીમા કંપનીને ચૂનો લગાડવાની કોશિશ કરવામાં આવી હતી.

ઠગાઈ કરતી વખતે ચાંડાલ ચોકડીથી ભૂલ એ થઈ કે છેતરામણી કરનાર માણસે બ્રાઉન કલરનો કોસ્ચ્યુમ પહેર્યો હતો અને એ વિસ્તારમાં કાળા રીંછની વસતિ હોય છે…! ગમે એવો હોશિયાર ચોર પણ એક ભૂલ તો કરે જ

આ પણ વાંચો : હેલ્થઃ સવારે ઊઠતાં જ તમે ઉદાસી અનુભવો છો…આ મોર્નિંગ એન્ગઝાઈટી તો નથી?

મધમાખીએ ‘હત્યા’ કરી, બોલો!
અજબ દુનિયામાં ગજબ ઘટનાઓ છાશવારે બનતી રહે છે. કયારેક જાણીને અચરજ થાય તો ક્યારેક ગ્લાનિનો પણ અનુભવ થાય.

તાજેતરમાં સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન વિસ્તારમાં ટી – ૨૦ મેચમાં પાંખોવાળી કીડીના ધાડેધાડા મેદાન પર ઉતરી આવતા મેચ થોડી વાર માટે બંધ કરવી પડી હતી. છોટા મૂંહ બડી બાતની જેમ મગતરા જેવાજંતુએ મગર જેવો આતંક મચાવી દીધો. પામર જંતુ પારાવાર પ્રોબ્લેમ ઊભા કરે એ માટે દક્ષિણ આફ્રિકા નામચીન છે.

અગાઉ પણ જંતુઓએ મેચમાં ડખા કર્યા છે. બે વર્ષ પહેલા તો કેપટાઉનના દરિયા કિનારે મધમાખીના ડંખથી ૬૦ પેંગ્વિન મૃત્યુ પામ્યાં હતાં. ક્યાં મધમાખીનું કદ ને ક્યાં પેંગ્વિનની સાઈઝ! તેમ છતાં આવું બન્યું.

વળી, પેંગ્વિનની આંખમાં ડંખ મારી ‘હત્યા’ કરનાર કેટલીક મધમાખી પણ મોતને ભેટી હતી. મધમાખીઓએ પેંગ્વિનની આંખો ફરતે ડંખ માર્યા હતા અને સાથે સંખ્યાબંધ મરેલી મધમાખીઓ પણ જોવા મળી. જોકે, પેંગ્વિનને બીજી કોઈ શારીરિક ઈજા નહોતી થઈ એનું અચરજ પમાડે એવું છે.

નભમાંથી નસીબ નીસર્યા રે…

નવરાત્રીમાં તમે ‘આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની મા’ ગરબાના તાલે ઝૂમ્યા હશો, પણ નભમાંથી નસીબ ઉતરે એવી ગજબનાક ઘટના સ્પેનના વિલેના શહેરમાં બની છે.

વાત એમ છે કે અહીં એક ‘ખજાનો’ મળી આવ્યો હતો, જેમાં કેટલાક સુવર્ણ અલંકાર અને વાર- તહેવારે પહેરવાના કેટલાંક આભૂષણ હતા. જોકે, કંચન ભેગી બે કથીર જેવી આઈટમ પણ હતી: એક હતી લોઢાની બ્રેસલેટ અને એક ગોળાકાર વસ્તુ હતી જે દેખાવે આકર્ષક લાગતી હતી. આ બંને આઈટમ ઈ.સ. પૂર્વે ૧૨૦૦થી ઈ.સ. પૂર્વે ૧૫૦૦ વર્ષ જૂની હોવાનું ચકાસણીમાં સિદ્ધ થયું હતું અને લોખંડ તો આ વિસ્તારમાં ઈ.સ. ૮૫૦ વર્ષ પછી જ ઉપયોગમાં આવ્યું હોવાની સત્તાવાર જાણકારી હતી.

મતલબ કે લોઢાની બે આઈટમ તૈયાર થઈ એ વખતે સ્પેનના એ વિસ્તારમાં લોખંડનો ઉપયોગ જ નહોતો થતો. તો પછી આ બે આઈટમ ‘ખજાના’ સાથે કેમ? એ સવાલનો જવાબ મેળવવાની કોશિશ થઈ. વિચાર – વિમર્શ પછી એ આઈટમ ઉલ્કાના ખડકમાં રહેલી લોહ ધાતુમાંથી તૈયાર થઈ હોવાનું તારણ નીકળ્યું.

પરગ્રહની ધાતુને આ ગ્રહના ભાવતાલ થોડા લાગે? એટલે રાતોરાત એનું મૂલ્ય સોના કરતાં પણ વધુ મોંઘા એવા રોડિયમ અને પેલેડિયમના સરવાળા કરતાં વધી ગયું. આકાશમાંથી જળ તો વરસે, પણ આમ નસીબ સુધ્ધાં વરસે…!

લ્યો કરો વાત!

૪૦ વર્ષ પહેલા આવેલી ‘ઓલરાઉન્ડર’ ફિલ્મમાં રતિ અગ્નિહોત્રી હીરો કુમાર ગૌરવને પટાવવા ‘મેરે કુર્તેમેં લગ જા બટન બન કે’ ગીત ગાય છે ત્યારે ગીતનું ગૌરવ ઘટે છે એ ખરું, પણ બટનની બાદશાહી વધે છે.

યુએસમાં છેક ૧૯૩૮થી દર વર્ષે ‘નેશનલ બટન સોસાયટી’ દ્વારા ૧૬ નવેમ્બર ‘રાષ્ટ્રીય બટન દિન’ તરીકે ઉજવવામાં આવે છે, બોલો.

આમ તો શર્ટને શરીર પર બંધબેસતા કરતા બટનને માનપાન નથી મળતા અને સાચું કહેજો, તમે જે શર્ટ પહેરો છો એમાં કેટલા બટન હોય છે એની ખબર હોય છે ખરી?

યુએસમાં આ દિવસે બટનના યોગદાનની પ્રશંસા કરવામાં આવે છે અને સંશોધન કરી એના નવા નવા સ્વરૂપ વિક્સાવવાને પ્રાધાન્ય આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને