ભોપાલમાં વર્ષો સુધી ગણિત ભણાવનાર પ્રતિભા વિશે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ભણાવવામાં આટલો અનુભવ મેળવ્યા પછી તે ખેતી દ્વારા કરોડો રૂપિયાના ઑેર્ગેનિક ફૂડનો બિઝનેસ કરશે અને લગભગ ૧૨૦૦ ખેડૂતોને ઑેર્ગેનિક ફાર્મિંગ દ્વારા તેમની આવક વધારવામાં મદદ કરશે.
લગ્ન બાદ પ્રતિભા તેના પતિ સાથે ભોપાલ આવી ગઈ અને તેમના પતિ અહીં નોકરી કરતા હતા. જોકે તેના પતિના પરિવાર પાસે ભોપાલથી ૧૫૦ કિલોમીટર દૂર હરદામાં ૫૦ એકર જમીન છે. જ્યારે પણ પ્રતિભા હરદા જતી ત્યારે તેણે જોયું કે ખેડૂતો મોટા ભાગનાં ખેતરોમાં રસાયણોનો ઉપયોગ કરીને પાક ઉગાડે છે અને બહુ ઓછા વિસ્તારોમાં જૈવિક ખેતી કરે છે.
જ્યારે પ્રતિભાએ ખેડૂતોને પૂછ્યું કે આટલી નાની જગ્યામાં ઑેર્ગેનિક પાક ઉગાડવાનું કારણ શું છે, તો ખેડૂતોએ જણાવ્યું હતું કે ઓર્ગેનિક ખેતી કરેલા પાકો તેમના પોતાના ઉપયોગ માટે છે, જ્યારે કેમિકલ્સનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવેલ પાક બજારમાં વેચવા માટે છે. પ્રતિભાએ કહ્યું, હું ચિંતિત હતી કે ખેડૂતો તેમના પાકમાં આટલાં બધાં રસાયણોનો ઉપયોગ કરે છે. મને લાગ્યું કે લોકોને હેલ્ધી ફૂડ મળવું જોઈએ.
પરિવર્તનની શરૂઆત પહેલાં તમારા ઘરથી કરો
પ્રતિભાએ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત ઑેર્ગેનિક ફાર્મિંગ પર વર્કશોપ અને સેમિનારમાં હાજરી આપવાનું શરૂ કર્યું. તેણે દિલ્હીમાં ઑેર્ગેનિક ફાર્મિંગના કોર્સમાં એડમિશન પણ લીધું. અન્ય ખેડૂતોને સમજાવતાં પહેલા પ્રતિભાએ પોતાના ઘરેથી શરૂઆત કરવાનું નક્કી કર્યું.
તેણે તેના પતિ અને તેના પરિવારને ઑેર્ગેનિક ખેતી કરવા પ્રેરિત કર્યા. જોકે તેઓ શરૂઆતમાં અચકાતા હતા પરંતુ પ્રતિભાએ સૂચન કર્યું કે તેઓ નાના વિસ્તારમાં જૈવિક ખેતી શરૂ કરે. તેથી ૨૦૧૬ માં તેણે જમીનના નાના ભાગમાં ઘઉં ઉગાડવાનું શરૂ કર્યું. પ્રતિભાએ જમીનની ફળદ્રુપતા વધારવા માટે ગાયના છાણ જેવા સેન્દ્રિય પદાર્થો, જીવામૃત જેવાં જૈવિક ખાતરો અને મલ્ચિંગનો ઉપયોગ કર્યો હતો.
ઑેર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સ બનાવીને પોતાની બ્રાન્ડ બનાવી
પ્રતિભા કહે છે કે જે જમીન પર ઑર્ગેનિક ખેતી થતી હતી ત્યાં ઘઉંની ઊપજ ૧૮ ક્વિન્ટલ પ્રતિ એકરથી ઘટીને લગભગ ૧૦ ક્વિન્ટલ પ્રતિ એકર થઈ ગઈ હતી. તેણે જમીનના કેટલાક ભાગોમાં મગ ઉગાડવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ સમગ્ર પાક જંતુઓ દ્વારા નાશ પામ્યો. આ નિરાશાજનક હતું, પરંતુ તેણે હાર માની ન હતી.
ઓર્ગેનિક ફાર્મિંગની સાથે, તેણીએ ૨૦૧૬માં ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ નામની પોતાની ઑર્ગેનિક ફૂડ બ્રાન્ડ પણ શરૂ કરી, જ્યાં ૭૦ પ્રકારના ઉત્પાદનો વેચાય છે, જેમાં ઘઉં, ચોખા, કઠોળ, મસાલા, અથાણાં, જડીબુટ્ટીઓ, લોટ, ક્વિનોઆ અને ફ્લેક્સનો સમાવેશ થાય છે. ભોપાલ, દિલ્હી અને મુંબઈમાં લગભગ ૪૦૦ લોકો તેમના ગ્રાહક છે.
૨૦૧૯ સુધીમાં, પ્રતિભાએ તેની આખી જમીનને ઑેર્ગેનિકમાં રૂપાંતરિત કરી અને સરકાર પાસેથી પ્રમાણપત્ર પણ મેળવ્યું. તે ઘઉં, અને કઠોળ, ઘોડા ચણા અને ચણા ઉગાડે છે. તેણે રોઝેલા, મોરિંગા, હિબિસ્કસ અને એલોવેરા જેવા ઔષધીય છોડ પણ વાવ્યા છે.
તેમની ઊપજ ધીમે ધીમે સુધરતી ગઈ કારણ કે જમીન કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ બની ગઈ છે અને તેમનું પાક ઉત્પાદન હવે પરંપરાગત ખેતી કરતાં ઘણું વધી ગયું છે. આજે તેમનું વાર્ષિક ટર્નઓવર ૧ કરોડ રૂપિયાથી વધુ છે.
પ્રતિભાના ઑેર્ગેનિક ફૂડ બિઝનેસ સાથે ૧૨૦૦ ખેડૂતો જોડાયેલા છે
પ્રતિભાએ ઑેર્ગેનિક ખેતી કરવાનો પ્રયાસ કરવા હરદાના ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીની હાનિકારક અસરો અને ઑેર્ગેનિક ખેતીના ફાયદાઓ વિશે જણાવ્યું હતું. ખૂબ જ પ્રયત્નોથી પ્રતિભાએ પાંચથી છ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે સમજાવ્યા.
ધીરે-ધીરે પ્રતિભા સાથે જોડાયેલા કેટલાક ખેડૂતોની સારી ઊપજ જોઈને અન્ય લોકોએ પણ તેમની સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી અને આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના લગભગ ૧૨૦૦ ખેડૂતો પ્રતિભા સાથે જોડાયેલા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને