જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવ્યા બાદ વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ટીમ આજે (રાત્રે 8.30 વાગ્યાથી) ચોથી અને છેલ્લી મૅચ રમશે જેમાં ખાસ કરીને રિન્કુ સિંહ (જો તેને ફરી રમવા મળશે તો)ના બૅટિંગ-ર્ફોર્મ પર સૌની નજર રહેશે.
2024માં ભારત પચીસ ટી-20 રમ્યું છે જેમાંથી 23 મૅચ જીત્યું છે. આજે જીતીને 3-1થી સિરીઝની ટ્રોફી પર કબજો કરવાની સૂર્યકુમાર એન્ડ કંપનીને તક છે.
સંજુ સૅમસન પ્રથમ મૅચમાં સદી ફટકારવાની સાથે બૅક-ટુ-બૅક ટી-20 સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો, પરંતુ પછીની (બૅક-ટુ-બૅક સેન્ચુરી પછીની) બન્ને મૅચમાં ઝીરોમાં વિકેટ ગુમાવીને તેણે અનિચ્છનીય વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કર્યો હોવાથી તેના ફૉર્મ વિશે તો ટીમને ચિંતા છે જ, ખુદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે પણ કરોડો ચાહકો સારા દેખાવની અપેક્ષા રાખતા હશે. આ શ્રેણીની પહેલી ત્રણ મૅચમાં તેના સ્કોર આ મુજબના હતા: 21, 4, 1.
તિલક વર્માએ બુધવારે સદી ફટકારી એ સાથે તેના 107 રન ભારતીય ક્રિકેટર્સની 21મી ટી-20 સેન્ચુરી તરીકે રેકૉર્ડ-બુકમાં લખાયા હતા. તે પણ ફોર્મમાં આવી ગયો છે.
ભારતે ખાસ કરીને ઓલરાઉન્ડર માર્કો યેનસેનથી સાવધાન રહેવું પડશે.
ભારત સૌથી વધુ વ્યક્તિગત ટી-20 સદી ફટકારનાર બીજા નંબરનો દેશ છે, ન્યૂ ઝીલૅન્ડ (12 સદી) અને ત્રીજો દેશ છે, ઑસ્ટ્રેલિયા (11 સદી).
જોહનિસબર્ગની પિચ કેવી છે?
આજે જોહનિસબર્ગમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. વર્ષોથી જોહનિસબર્ગના ગ્રાઉન્ડની પિચ હાઈ-સ્કોરિંગ રહી છે. છેલ્લે અહીં ડિસેમ્બર, 2023માં રમાયેલી ટી-20માં સૂર્યકુમારની સેન્ચુરી (100 રન, 56 બૉલ, આઠ સિક્સર, સાત ફોર)ની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને 106 રનથી હરાવ્યું હતું. એમાં ભારતે સાત વિકેટે 201 રન બનાવ્યા બાદ કુલદીપ યાદવની પાંચ વિકેટને લીધે યજમાન ટીમ 95 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
Also Read – ઑસ્ટ્રેલિયામાં હેડ-કોચ ગંભીર અને સિનિયર ખેલાડીઓએ ટીમના યુવાનિયાઓને કહ્યું…
બન્ને દેશની સંભવિત પ્લેઈંગ ઇલેવન:
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી.
સાઉથ આફ્રિકા: એઈડન માર્કરમ (કેપ્ટન), હિનરિચ ક્લાસેન (વિકેટકીપર), રાયન રિકલ્ટન, રીઝા હેન્ડ્રિક્સ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો યેનસેન, જેરાલ્ડ કોએટઝી/કૅબેયોમ્ઝી પીટર, એન્ડીલ સિમલેન, કેશવ મહારાજ અને લુથો સિપાપ્લા.