Analogue Paneer is not bully  for health

એક સમયે જો ઘરમાં પનીર વાપરી કોઈ વસ્તુ બની હોય તો ટ્રીટ જેવું લાગતું. મહેમાનો આવે અથવા કોઈ ખાસ પ્રસંગ હોય તો જ પનીર ખાવા મળે બાકી કોઈના લગ્નના આમંત્રણની રાહ જોવી પડે. આજે પનીર એક આમ ચીજ બની ગઈ છે. ઘરે ઘરે ફ્રીજમાં સ્ટોર કરવામાં આવે છે. માત્ર શાકમાં જ નહીં વિવિધ વસ્તુઓમાં ખાસ થોડું પનીર એડ કરવામાં આવે છે. હેલ્થ કોન્શિયસ લોકો પણ વિટામીન બી-12ના સોર્સ તરીકે પનીર ખાવાનું પસંદ કરે છે. જોકે બજારમા જે પનીર મળે છે અને જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ પાડવામા આવે છે તે જોતા આપણે જે પનીર ખાઈએ છીએ તે આરોગ્યને ફાયદો કરવાને બદલે નુકસાન જ કરે છે. આજે અમે તમને આવા જ એક પનીર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પનીરને સબ્સિટયૂટ પનીર તરીકે એટલે કે Analogue paneer તરીકે ઓળખવામાં આવે છે. આ વિઘટિત પનીર પરંપરાગત પનીરનો સસ્તો વિકલ્પ છે, જે વેજીટેબલ તેલ, સ્ટાર્ચ, અને અન્ય દૂધ વગરના ઘટકોમાંથી બનાવવામાં આવે છે. સ્વાદ અને દેખાવ બન્નેમાં ઓરિજિનલ પનીર જેવું જ લાગતું એનાલોગ પનીર આરોગ્ય ને નુકસાન પહોંચાડે છે. જો વારંવાર ઉપયોગમાં લેવામાં આવે તો લાંબા ગાળે અસર છોડી શકે તેમ નિષ્ણાતોનું કહેવાનું છે.

નવાઈની વાત તો એ છે કે ભારત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે આવા પનીરના મેન્યુફેક્ચરિંગ અને ઉપયોગને માન્યતા આપી છે. જોકે સરકારે અમુક શરતો રાખી છે, જેમાં ગ્રાહકને જણાવીને તેમને આ પનીર પિરસવાનો મુખ્ય નિયમ છે, પરંતુ કમનસીબે આ થતું નથી.

આ પણ વાંચો: પનીર અસલી છે કે ભેળસેળવાળું નકલી આવી રીતે ઓળખો

એનલોગ પનીર શું છે?

એનલોગ પનીર એ પામ તેલ, હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ફેટ્સ, સ્ટાર્ચ, ઇમલ્સિફાયર્સ અને બીજા એડિટિવ્સને ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પનીર વિવિધ રસોઈમાં ઉપયોગી હોઈ શકે છે, પરંતુ તેમાં ટ્રાન્સ ફેટ્સ હોય છે જે હૃદય માટે ખરાબ માનવામાં આવે છે.

એનલોગ પનીર પરંપરાગત પનીરની સરખામણીમાં સસ્તું છે, પરંતુ તેમાં પ્રોટીનું પ્રમાણ ઓછું હોય છે અને ખોટા પ્રકારના ફેટ્સમાં વધારો કરે છે, જે હૃદય રોગ અને ઊંચા કોલેસ્ટ્રોલના જોખમને વધારી શકે છે.

શું કહે છે ફૂડ સેફ્ટી કમિશનર

. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ (FSSAI)ના કાયદા અનુસાર, એનલોગ પનીર પર નૉન-ડેરી તરીકે સ્પષ્ટ લેબલિંગ ફરજિયાત છે. એટલું જ નહીં જો કોઈ રેસ્ટોરાં તમને પનીરની આઈટમ સર્વ કરે તો મનુકાર્ડમાં તેઓ કયુ પનીર તમને પિરસે છે તે લખવું ફરજિયાત છે, પણ તમે કેટલા રેસ્ટોરામાં આ પ્રકારની વિગતો જોઈ છે. આ ઉપરાંત ભારતનો એક મોટો વર્ગ અશિક્ષિત કે એટલો જાગૃત નથી કે દરેક પેકેજ પર આ રીતે લખાયેલી સૂચનાઓ વાંચે. આ અંગે જ્યારે મુંબઈ સમાચારે જ્યારે આ વિશે ફૂડ સેફ્ટી કમિશનર (ગુજરાત) એચ.જી. કોશિયા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ કાયદો કેન્દ્ર સરકારનો છે, અમારું કામ તેનો અમલ કરવાનું છે. તેમણે જણાવ્યું કે માત્ર એનલોગ પનીર નહીં પણ પનીરના નામે ઘણા રેસ્ટોરાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 14 મહિનામા અમે 16 ટન કરતા વધારે પનીરનો જથ્થો પકડ્યો છે. નકલી પનીર પર આટલી સઘન કાર્યવાહી કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ફૂડ વિભાગની તવાઈ: 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત

જોકે એનલોગ પનીર ને માન્યતા કેન્દ્ર સરકારે આપી છે. તે અનુસાર બહારના ફૂડ આઉટલેટ્સ, રેસ્ટોરાંમાં પણ તમને કયું પનીર પિરસવામાં આવે છે તે જાણવાનો તમને હક છે. અમે રેસ્ટોરાંમાથી પણ આ રીતે પનીરના સેમ્પલ્સ એકઠા કરીએ છીએ અને તેનો ટેસ્ટ કરાવી જરૂરી જણાય ત્યાં કાર્યવાહી કરીએ છીએ. આ સાથે કેન્દ્ર સરકારને પણ અપીલ કરી છે કે પનીરના પેકેટ પર મોટા અક્ષરે લેબલિંગ કરી ગ્રાહકોને જાણ કરવાની ફરજ વેચનારાઓને પાડવામાં આવે.

જો તમે ઘર માટે પનીર ખરીદો તો…

જો તમે બહાર પનીરની કોઈ આઈટમ ખાઓ તો તમારી માટે અઘરું છે, પરંતુ ઘરે પનીર લઈને આવો તો તે અસલી છે, એનલોગ છે કે નકલી છે તે નક્કી કરવા માટે આ પ્રયોગ કરી શકો.

આ અંગે એક્પોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલા હિરેન ગાંધીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જમાવ્યું હતું કે મેં રેસ્ટોરાંમાં પનીરનો સ્વાદ યોગ્ય ન લાગતા તેનો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો ત્યારે મને આ વિશે ખબર પડી. આ અંગે મેં જાણકારી મેળવી અને મને ધ્યાનમાં આવ્યું કે આપણી જાણ બહાર આપણે એવું કંઈક ખાઈએ છીએ જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે, આથી એક જાગૃત નાગરિક તરીકે મને લાગે છે કે લોકોએ પણ સચેત રહેવું જોઈએ.

  1. એનલોગ પનીર પર હંમેશા નૉન-ડેરી તરીકે લેબલ હશે.
  2. એનો સ્વાદ જો તમે ઓરિજનલ પનીરના શોકિન હો તો તમને અલગ લાગશે. જોકે દેખાવ અને ટેક્ચર એકદમ પનીર જેવા હોય છે.
  3. તમે આ પનીરને તુવેરની ગરમ દાળમાં મૂકો. રિયલ પનીરનો ટૂકડો એમ જ રહેશે જ્યારે એનલોગ કે નકલી પનીર છૂટ્ટુ પડશે અને તેમાંથી તેલ નીકળશે.
  4. પનીર પર આયોડિન સોલ્યુશન નાખવાથી તેનો રંગ બ્લ્યુ થશે. જો આમ થાય તો તેમાં સ્ટાર્ચ વધારે છે અને તે પનીર નથી.

    એ વાત ખરી કે ઘરે પનીર બનાવવા થોડી મહેનત કરવી પડે, પરંતુ જો શક્ય હોય તો ઘરે જ બનાવવું અથવા ખૂબ જ વિશ્વાસપાત્ર જગ્યાએથી જ ખરીદવું. તો હવે તમે જ નક્કી કરજો કે તમારે કયુ પનીર ખાવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને